|
કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવીની મસ્કા ચોકડી ચેક પોસ્ટ પર મધરાતે વાહન ચેકીંગ કરી રહેલી માંડવી મરીન પોલીસ જોડે બે યુવકોએ ગાળાગાળી અને હાથાપાઈ કરી હોવાનો બનાવ બન્યો છે. પોલીસે બેઉ યુવકો વિરુધ્ધ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી, સરકારી ફરજમાં અડચણ સર્જવા સબબ ગુનો નોંધી વાહન ડીટેઈન કર્યું છે. એક્ટિવાચાલકને અટકાવી કાગળિયા માગ્યા
માંડવી મરીનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.વી. ભોલા જનરલ કોમ્બિંગ નાઈટ હોઈ પોલીસ કર્મચારીઓ સાથે મસ્કા ચોકડી પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. મધરાતે બારના અરસામાં એક્ટિવા પરથી પસાર થઈ રહેલા પ્રકાશ અમરશી કોલી (રહે. શિરાચાની વાડીમાં, મૂળ રહે. લખપત, ભચાઉ) નામના ૨૧ વર્ષિય યુવકને અટકાવી ડ્રાઈવીંગ લાયસન્સ અને ગાડીના કાગળો માગ્યા હતા. તેની પાસે લાયસન્સ કે કાગળિયા ના હોઈ પોલીસે ફોન કરીને મિત્ર પરિચિત મારફતે મગાવી લેવા જણાવ્યું હતું.
મિત્ર દોડી આવ્યા બાદ બેઉ જણે બખેડો કર્યો
થોડીકવાર બાદ પ્રકાશનો મિત્ર હિમાંશુ અરવિંદગિરિ ગોસ્વામી (ઉ.વ. ૨૬, રહે. રિધ્ધિ-સિધ્ધિનગર, માંડવી) સ્થળ પર ચાલતો ચાલતો આવ્યો હતો અને ‘તમારે એક્ટિવા ડીટેઈન કરવી છે?’ તેમ કહીને હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જાડેજાને ગાળો ભાંડી બાખડવા માંડ્યો હતો.
પીઆઈ ભોલા અને અન્ય લોકોએ તેને અટકાવવા પ્રયાસ કરતા તેણે પીઆઈ સહિતના સ્ટાફને પણ ગાળો ભાંડવાનું શરૂ કરેલું.
એટલું જ નહીં ઉશ્કેરાઈને બેઉ યુવકે કોન્સ્ટેબલ વિક્રમસિંહનો કોલર પકડી ઝપાઝપી કરી મુક્કા લાતો મારવા માંડેલી. પીઆઈ ભોલા છોડાવવા માટે વચ્ચે પડતા તેમણે પીઆઈને ધક્કો માર્યો હતો. જો કે, હાજર સહુ કર્મચારીઓએ બેઉ જણ પર નિયંત્રણ મેળવી લીધું હતું.
આત્મહત્યા કરવાનું કહી માથામાં ઈજા કરવા પ્રયાસ
માથાકૂટ બાદ હિમાંશુ નામના યુવકે ‘આત્મહત્યા કરીને મરી જઈશ’ તેવું કહીને માથામાં કોઈ વસ્તુ અથડાવવા પ્રયાસ કર્યો હતો. બંને સામે પોલીસ કર્મચારીઓ સાથે હાથાપાઈ કરવી, સરકારી ફરજમાં રૂકાવટ કરવા સહિતની કલમો તળે ગુનો નોંધી તેમની અટકાયત કરવા સાથે મોટર વેહિકલ એક્ટ હેઠળ પોલીસે એક્ટિવાને પણ ડીટેઈન કરી હતી.
Share it on
|