કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભાજપની સરકારમાં કોઈ IAS કે IPS અધિકારી, ભાજપના ચૂંટાયેલા કોઈ જન પ્રતિનિધિનું અપમાન કરવાની હિંમત કરી શકે ખરા? જે રીતે બંધારણીય સંસ્થાઓ, રૂલ ઑફ લૉ (કાયદાનું શાસન)નું પતન થઈ રહ્યું હોવાની અનેક ઘટનાઓ બહાર આવી રહી છે. જે રીતે, બંધારણના શપથ લીધાં બાદ IAS કે IPS અધિકારીઓ શાસકો સમક્ષ નતમસ્તક થઈ રહ્યાં છે તે જોતાં આવો સવાલ થાય તે સહજ છે. માંડવી તાલુકા પંચાયતમાં આજે જે ઘટનાક્રમ સર્જાયો તેના આધારે આ સવાલ ઊભો થયો છે. વાંચો વિગતે. જાણો, કોણ છે કચ્છના DDO ઉત્સવ ગૌતમ
ઉત્તર પ્રદેશના આગ્રાના વતની અને ૨૦૧૮ની બેચના IAS અધિકારી ઉત્સવ ગૌતમ કચ્છના જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDO તરીકે ૬ ફેબ્રુઆરી ૨૦૨૫થી ફરજ બજાવી રહ્યાં છે. અગાઉ તેઓ ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના જિલ્લા દાહોદમાં DDO તરીકે ફરજ બજાવતા હતા અને કામગીરીમાં નિષ્પક્ષ રહીને ભારે ધડબડાટી બોલાવેલી. ઉત્સવ ગૌતમ અભ્યાસમાં દસમા ધોરણથી જ તેજસ્વી હતા અને UPSCની પરીક્ષામાં આખા દેશમાં ૩૨મો ક્રમાંક મેળવીને ઉત્તિર્ણ થયેલાં.
માંડવીમાં સરપંચોની રીવ્યૂ બેઠક બોલાવેલી
યુવાન, ઉત્સાહી અને નખશીખ પ્રામાણિક અધિકારીની છાપ ધરાવતા ઉત્સવ ગૌતમ આજે ભાજપ શાસિત માંડવી તાલુકા પંચાયતમાં સરપંચોની રીવ્યૂ બેઠક યોજવા ગયાં હતા. સામાન્ય રીતે, આવી રીવ્યૂ બેઠકો તાલુકા વિકાસ અધિકારી યોજતાં હોય છે. પરંતુ, ઉત્સવ ગૌતમે ખાસ રસ દાખવીને DDO તરીકે પોતે બેઠક યોજવાનું નક્કી કર્યું.
૧૪ કરોડની ગ્રાન્ટ પાંચેક વર્ષથી વણવપરાયેલી રહી છે
બેઠકનો મુદ્દો હતો કે નાણા પંચ દ્વારા ગુજરાત અને કેન્દ્ર સરકાર મારફતે ગ્રામ વિકાસ માટે ફાળવાતી ૧૪ કરોડની ગ્રાન્ટ છેલ્લાં પાંચેક વર્ષથી એટલે કે ૨૦૨૦-૨૦૨૧થી વપરાઈ નથી અને હવે સમય મર્યાદામાં નહીં વપરાય તો લેપ્સ જશે. ગામડાઓમાં ગટર કે પાણીની લાઈનો નાખવી, સફાઈ સ્વચ્છતાના કાર્યો, આંગણવાડીના બાંધકામ વગેરે જેવા પાયાનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે આ ગ્રાન્ટ ફાળવાય છે. જે તાલુકા પંચાયત સ્તરેથી ગ્રામ પંચાયત સ્તરે ફાળવાય છે.
૩૧ ટકા ગ્રાન્ટ ના વાપરી માંડવી રાજ્યમાં ટોપ ટેનમાં
માંડવી તાલુકાને પાંચ વર્ષ અગાઉ ૪૦ કરોડથી વધુ ગ્રાન્ટ ફાળવાયેલી તેમાંથી ૧૪ કરોડની ગ્રાન્ટ આજ દિન સુધી વપરાઈ નથી. કુલ ગ્રાન્ટમાંથી ૩૧ ટકા જેટલી ગ્રાન્ટ વપરાઈ નથી. આટલી મોટી રકમની ગ્રાન્ટ વણવપરાયેલી રહી ગઈ હોવાના આંકડામાં માંડવી તાલુકો કચ્છમાં સૌથી મોખરે અને રાજ્યસ્તરે ૨૬૭ તાલુકામાં પ્રથમ દસ ક્રમાંકની અંદરનું શરમજનક સ્થાન ‘શોભાવે’ છે!
સરપંચોના બદલે પ્રતિનિધિઓ આવ્યાં તો બહાર કાઢ્યાં
વિકાસ કામો માટે ફાળવાયેલી ગ્રાન્ટ કેમ વપરાતી નથી તેનું અસલી કારણ શું છે તે જાણવા માટે ખુદ DDO ઉત્સવ ગૌતમે સરપંચોની રીવ્યૂ બેઠક યોજી હતી. બેઠકમાં સરપંચો અને તલાટીઓને બોલાવાયેલાં. જો કે, અનેક ગામના સરપંચના બદલે તેમના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા. જેથી DDOએ આવા સરપંચ પ્રતિનિધિઓ (SP)ઓને બેઠકમાં બહાર નીકળી જવા કહેલું. આવા સરપંચ પ્રતિનિધિઓ બહાર નીકળી ગયાં બાદ DDOએ અઢી કલાક સુધી સૌની જોડે ગ્રાન્ટ કેમ વપરાતી નથી તે મુદ્દે ચર્ચા કરીને સમીક્ષા કરી હતી.
ખુદ વડાપ્રધાને SP પ્રથા બંધ કરવા અનુરોધ કરેલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪ એપ્રિલ ૨૦૧૫ના રોજ દિલ્હીમાં પંચાયતી રાજ દિવસની ઉજવણીના સમારોહમાં ફુલરા ગ્રામ પંચાયતનો દાખલો આપીને SP (સરપંચ પતિ અને પ્રતિનિધિ) પ્રથા બંધ કરવા આહવાન કરેલું. ત્યારબાદ, વખતોવખત સરપંચના બદલે તેમના પ્રતિનિધિઓની હાજરીને અયોગ્ય ઠેરવવા મામલે વિવિધ વિવાદો થયેલાં છે.
સૂત્રોચ્ચાર સાથે DDOનો ઘેરાવ કરવા પ્રયાસ
DDOએ સરપંચોના પ્રતિનિધિઓને બેઠકમાં બહાર જતાં રહેવા સૂચના આપતાં સૌ તાલુકા પંચાયતની નીચે રોષભેર એકઠાં થયાં હતા. તાલુકા પંચાયત પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના લોકોએ મીટીંગ પતાવીને DDO નીચે આવે કે તેમનો ઘેરાવ કરવાનું નક્કી કરેલું. DDOને આ બાબતની ગંધ આવી જતાં તેમણે પોલીસને બોલાવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે DDO નીચે આવતાં જ સૌ લોકોએ ‘તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી’ના સૂત્રો પોકારીને DDOને ઘેરવા પ્રયાસ કરેલો. થોડીક ધક્કામુક્કી થયેલી પરંતુ DDO પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી ગયાં હતા.
તા. પંચાયત પ્રમુખનો આરોપઃ મારું પણ અપમાન કર્યું
ઘટના બાદ માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલ ગઢવીએ આરોપ લગાડ્યો હતો કે DDO પહેલીવાર માંડવી તાલુકા પંચાયત આવ્યાં હોઈ હું અને કારોબારી ચેરમેન વિક્રમસિંહ તેમની શુભેચ્છા મુલાકાત લેવા ગયેલાં. પરંતુ તેમણે અમને મળવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ, સરપંચોની રીવ્યૂ બેઠકમાં કેટલાંક સરપંચોના પ્રતિનિધિઓને ગેટ આઉટ કહીને બહાર હાંકી કાઢ્યાં હતા. પ્રજાના પ્રશ્નો સાંભળવાના બદલે DDO ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું આ રીતે અપમાન કરે તે અનુચિત છે. જેથી તેમનો વિરોધ કરાયો હતો.
હું તો સામેથી સૌને મળવા ગયેલો, શા માટે અપમાન કરું?
DDO ઉત્સવ ગૌતમે કચ્છખબરને જણાવ્યું કે હું તો સામેથી જન પ્રતિનિધિઓને મળવા ગયેલો. છેવાડાના ગામડામાં વસતી જનતાના કામો માટે ફાળવાતાં નાણાં વિકાસ કામોમાં કેમ વપરાતાં નથી તે જાણવા રૂબરૂ ગયેલો.
ધાર્યું હોત તો TDOને બેઠક યોજી અહેવાલ આપવા સૂચના આપી શક્યો હોત. છતાં મેં જાતે રૂબરૂ જઈ સમીક્ષા કરવા નક્કી કરેલું.
હવે હું શા માટે તાલુકા પંચાયત પ્રમુખ કે કારોબારી ચેરમેનને મળવાનો ઈન્કાર કરું? તેઓ મને મળવા આવ્યાં જ નહોતા. હા, સરપંચો માટે બોલાવેલી બેઠકમાં સરપંચના બદલે તેમના પ્રતિનિધિ હાજર રહે તે જરાય ચલાવી શકાય નહીં. તેથી આવા પ્રતિનિધિઓને મેં બેઠકમાં હાજર ના રહેવા સૂચના આપી હતી.
જોઈએ, આગળ શું થાય છે
DDOના કહેવાતા ગેરવર્તાવ મામલે તાલુકા પંચાયત પ્રમુખ ગઢવીએ માંડવીના ધારાસભ્ય, કચ્છના સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ સમક્ષ રજૂઆત કરી છે. ગઢવીના દાવા મુજબ સૌએ આવું વર્તન વખોડ્યું છે. હવે જોઈએ કે દાહોદમાં ધડબડાટી બોલાવી કચ્છ આવનારાં DDO ઉત્સવ ગૌતમનો વાળ પણ વાંકો થાય છે કે કેમ?
Share it on
|