કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં અંગ્રેજી મિડિયમની ખાનગી શાળામાં ધોરણ પાંચમાં ભણતાં માસૂમ બાળક જોડે ટ્યુશન ટીચરે અશ્લીલ હરકતો કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ટીચરની વિકૃત હરકતોથી ડરી ગયેલાં બાળકે માતા-પિતાને આ અંગે ફરિયાદ કરી હતી. પિતાએ ઘરના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં હવસખોર શિક્ષકની હરકતોનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે આરોપી શિક્ષક વિરુધ્ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીઝ (પોક્સો) એક્ટની કલમ ૭ અને ૮ હેઠળ ગુનો નોંધી દબોચી લીધો છે. ભુજમાં રહેતાં સરકારી નોકરીયાત પિતાએ શનિ મંદિર સામે ભક્તિપાર્કમાં રહેતાં દિનેશ પરમાર (દરજી) વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. દિનેશ અગાઉ ફરિયાદીની પત્ની જોડે કામ કરતો હતો. ત્યારબાદ તે ભુજની એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે જોડાયો હતો. આ શાળામાંથી તેને છૂટ્ટો કરાતાં તે ગત મહિને ફરિયાદી પાસે કામ માંગવા આવ્યો હતો. ફરિયાદીએ તેને માસિક ત્રણ હજાર રૂપિયાની ફીમાં પાંચમા ધોરણમાં ભણતાં પોતાના દસ વર્ષના પુત્રનું ટ્યુશન કરવાનું કામ આપ્યું હતું.
દસેક દિવસ અગાઉ દીકરાએ માતા-પિતાને જણાવ્યું હતું કે તેને આ ટીચર પાસે ભણવું નથી. માતા-પિતાએ વિશ્વાસમાં લઈ પુત્રની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે દિનેશ પરમાર તેને ગાલ પર બટકાં ભરે છે અને તેના ગુપ્ત ભાગ પર હાથ રખાવે છે. તેમ કરવા ના પાડે તો બળજબરી કરે છે. પુત્રની ફરિયાદ અંગે પિતાએ ઘરના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં દિનેશની વિકૃત હરકતો કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી.
પરિવાર સાથે ગહન ચર્ચા-વિચારણા કર્યાં બાદ દિનેશ વિરુધ્ધ તેમણે ફરિયાદ નોંધાવવા નિર્ણય કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
Share it on
|