click here to go to advertiser's link
Visitors :  
19-Jul-2025, Saturday
Home -> Kutch -> Bhuj Housewife duped of Rs 4.45 Lakh in Drugs in Courier Scam
Tuesday, 14-Jan-2025 - Bhuj 81094 views
ક્રાઈમ બ્રાન્ચના નામે ભુજની ગૃહિણીને ડરાવી સાયબર ગઠિયાઓએ ૪.૪૫ લાખ પડાવ્યાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ નકલી અધિકારી બનીને ડિજીટલ અરેસ્ટ કરીને લોકોના રૂપિયા લૂંટી લેવાના રોજ અનેક કિસ્સા, તેના સમાચારો, જનજાગૃતિ માટેની ચોતરફ જાહેરખબરો છતાંય સાયબર ક્રિમિનલ્સ લોકોને મૂરખ બનાવીને રૂપિયા પડાવી રહ્યાં છે. ભુજની એક ગૃહિણીને ક્રાઈમ બ્રાન્ચના નામે ડરાવીને આંશિક રીતે ડિજિટલ અરેસ્ટ કરીને સાયબર ગેંગે ૪.૪૫ લાખ રૂપિયા પડાવી લીધાં છે.
સૌપ્રથમ કૂરિયરના બહાને ગૃહિણીને બીવડાવાઈ

ભુજના કેમ્પ એરિયાના ભાવેશ્વનગરમાં આદિનાથ એલિટામાં રહેતી ૩૪ વર્ષિય ગૃહિણી રીમાબેન વિકાસભાઈ મહેતાએ બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. રીમાબેનના પતિ વિકાસ મહેતા ફર્નિચરનો શૉરૂમ ધરાવે છે. ૩૦ ડિસેમ્બરે રીમાબેનને અજાણ્યા નંબર પરથી ફોન આવેલો. ફોન કરનારે પોતે ફેડએક્સ કૂરિયરમાંથી બોલતો હોવાનું જણાવી તેમના આધાર કાર્ડના નંબર પર મુંબઈથી તાઈવાનમાં એક કૂરિયર મોકલાયું હોવાનું કહેલું.

કૂરિયરમાંથી પાંચ પાસપોર્ટ, ૧૪૦ ગ્રામ એમડી ડ્રગ્ઝ, પાંચ હજાર રોકડાં ડૉલર વગેરે જેવી વાંધાજનક ગેરકાયદેસર ચીજવસ્તુ નીકળી હોવાનું જણાવી ફોન કરનારે ફરિયાદીને ક્રાઈમ બ્રાન્ચમાં રૂબરૂ જઈ અથવા ઓનલાઈન ફરિયાદ નોંધાવી દેવા જણાવ્યું હતું.

ફરિયાદીએ ઓનલાઈન કમ્પ્લેઈન્ટનો વિકલ્પ પસંદ કરતાં કૉલરે ફોન ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી દીધો હતો.

બાદમાં આ રીતે ૪.૪૫ લાખ રૂપિયા પડાવી લેવાયાં

ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનેલાં શખ્સે મોબાઈલમાં સ્કાઈપી એપ ડાઉનલૉડ કરાવી વીડિયો કૉલ કરાવીને તેમની કહેવાતી ફરિયાદ નોંધવાનું નાટક કરેલું. બાદમાં તમારા આધાર નંબરનો બીજે ક્યાંય દુરુપયોગ તો નથી થયો ને તે વેરીફાઈ કરી લઈએ કહી, વેરીફિકેશન કરીને તમારા આધાર નંબર પર દેશના વિવિધ રાજ્યોની વિવિધ બેન્કોમાં એકાઉન્ટ ખૂલ્યાં હોવાનું, ખાતામાં ૨૧ કરોડ રૂપિયા જમા હોઈ મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું જણાવીને ગૃહિણીને ડરાવી દીધી હતી.

મદદ કરવાના બહાને મને તમારા બધા બેન્ક ખાતાની માહિતી આપો, તમારી પ્રોપર્ટીની નેવું ટકા રકમ અમારા ખાતામાં જમા કરાવવી પડશે, તપાસના અંતે તમને એનઓસી સાથે બધી રકમ પાછી મળી જશે તેમ ગઠિયાએ કહેલું

જેથી ગૃહિણીએ તેના તમામ શેર વેચી મારીને યુપીઆઈથી ૯૫ હજાર રૂપિયા ગઠિયાઓએ આપેલા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યાં હતાં. બાદમાં બીજી જાન્યુઆરીના રોજ બેન્કમાં રહેલી ફિક્સ ડિપોઝીટ તોડાવી ૩.૫૦ લાખ રૂપિયા RTGSથી ટ્રાન્સફર કરાવી મેળવી લીધાં હતાં.

NOCના બહાને વધુ ૨.૮૫ લાખ માગ્યા

પોતાની પાસે રહેલા તમામ ૪.૪૫ લાખ રૂપિયા જમા કરાવી લીધાં બાદ ગૃહિણીએ જમા કરાવેલાં રૂપિયા ક્યારે પાછાં મળશે? તેમ પૂછતાં ફાયનાન્સ ઑફિસર બનેલાં અન્ય એક ગઠિયાએ વધુ ૨.૮૫ લાખ રૂપિયા જમા કરાવવા કહેલું. જો કે, ગૃહિણીએ હવે કશું વધ્યું ના હોવાનું જણાવી રૂપિયા જમા કરાવવાનો ઈન્કાર કરી દેતાં ગઠિયાઓએ રકમ ટ્રાન્સફર થયે તરત એનઓસી સાથે બધા રૂપિયા પાછાં મળી જશે તેમ જણાવેલું. ગૃહિણીએ આ રકમ પતિ પાસે માંગીને બધી વાત કરતાં પતિએ તે સાયબર ફ્રોડનો ભોગ બની હોવાનું જણાવી ફરિયાદ નોંધાવડાવી છે. પોલીસે જુદાં જુદાં ત્રણ મોબાઈલ નંબર અને બે બેન્ક એકાઉન્ટધારક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
‘સાહેબ, મારા દીકરાને તેની પત્ની, પુત્ર અને પુત્રવધૂએ મારી નાખ્યો છે!’ તપાસ કરો
 
ભુજના એ અકસ્માતમાં ૧૯ દિવસે પોલીસે ભારે કલમ લગાડેલીઃ કૉર્ટે આરોપીને જામીન આપ્યા
 
ગાંધીધામના એ અપહૃત વેપારીએ કર્યો નવો ઘટસ્ફોટઃ ખૂંખાર ગેંગનો હેતુ ખંડણીનો હતો?