કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં ઓસ્લો સર્કલ નજીક આવેલાં કચ્છ ડિસ્ટ્રીક્ટ બેડમિન્ટન એસોસિએશનના સ્વિમિંગ પુલમાં નહાવા પડેલાં ૩૦ વર્ષના યુવકનું ડૂબી જતાં મોત થયું છે. આજે બપોરે ત્રણથી સાડા ત્રણના અરસા દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. મરણ જનાર યુવક દિનેશ રામજીભાઈ દેવીપૂજક (રહે. નવી સુંદરપુરી, દ્વારકા ફર્નિચર પાસે, ગાંધીધામ) કલરકામની મજૂરી કરતો હતો. આજે બપોરે તે બે મિત્રોને લઈ KDBAના સ્વિમિંગ પુલમાં નહાવા આવ્યો હતો. મિત્રો આનાકાની કરતાં હતા ત્યારે દિનેશે ‘મને તરતાં આવડે છે’ તેમ કહી સ્વિમિંગ પુલમાં છલાંગ લગાડી બંનેને પણ નહાવા પડવા જણાવ્યું હતું. થોડીકવાર બાદ બંને મિત્રો બહાર આવી ગયાં હતા પરંતુ દિનેશ પાણીમાંથી બહાર ના નીકળ્યો હતો. દુર્ઘટનાની આશંકાએ મિત્રોએ અન્ય લોકોને જાણ કરતાં તરવૈયાઓએ અંદર જઈ દિનેશના મૃતદેહને બહાર કાઢ્યો હતો. દુર્ઘટના અંગે ગાંધીધામ બી ડિવિઝન પીએસઆઈ એસ.ડી. બારીયાએ તપાસ હાથ ધરી છે.
‘કલરકામ કરું છું’ તેમ કહી અંદર ગયેલો
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર બપોરના સમયે સ્વિમિંગ પુલ બંધ હોય છે. દિનેશ તેના બે મિત્રોને સાથે લઈને અંદર ગયો ત્યારે સિક્યોરીટી ગાર્ડે તેને અટકાવ્યો હતો. તે સમયે સિક્યોરીટી ગાર્ડને પોતે અંદર કલરકામ કરતો હોવાનું જણાવી મિત્રો સાથે અંદર ગયો હતો. તેના મિત્રોએ જણાવ્યું કે આજે મજૂરીકામે રજા હોઈ તે અમને અહીં નહાવા માટે લઈ આવ્યો હતો.
Share it on
|