કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં ૧૭ વર્ષિય કિશોરીનું અપનયન કરીને શારીરિક દુષ્કર્મ કરનાર યુવકને પૉક્સો કૉર્ટે ૧૦ વર્ષ અને ગુનામાં મદદ કરનાર મિત્રને ૭ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. અપહરણ અને દુષ્કર્મના બનાવ અંગે ૧૭-૦૩-૨૦૧૯ના રોજ પીડિતાના પિતાએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આરોપીઓ પકડાયાં બાદ કિશોરી સાથે શારીરિક દુષ્કર્મ થયું હોવાનો તેમજ અપનયન કરવામાં મુખ્ય આરોપી ઉપરાંત તેના બે મિત્રોએ પણ મદદ કરી હોવાનું બહાર આવ્યું હતું. પાંચ વર્ષ બાદ આજે ગાંધીધામની વિશેષ પોક્સો કૉર્ટે ૧૫ સાક્ષીઓ અને ૨૯ દસ્તાવેજી પૂરાવાને અનુલક્ષીને બે આરોપીને અપરાધી ઠેરવી સજા ફટકારી છે.
કૉર્ટે તમામ કલમો હેઠળ ફટકારી સજા
વિશેષ જજ બસન્તકુમાર જી. ગોલાણીએ મુખ્ય આરોપી મોહમ્મદ શાહરૂખ જગનમિયાં બડાઈને ઈપીકો કલમ ૩૬૩ હેઠળ ૫ વર્ષની કેદ અને ૫ હજાર રૂપિયાનો દંડ, ઈપીકો કલમ ૩૬૬ હેઠળ ૭ વર્ષની કેદ અને ૫ હજાર રૂપિયાનો દંડ, ઈપીકો કલમ ૩૭૬ હેઠળ ૧૦ વર્ષની સખ્ત કેદ અને ૭૫૦૦ રૂપિયા દંડ તથા પોક્સો એક્ટની કલમ ૪ હેઠળ ૧૦ વર્ષની સખ્ત કેદ અને ૭૫૦૦ રૂપિયા દંડ ફટકાર્યો છે. ગુનામાં મદદ કરનાર શાહરૂખના મિત્ર રંજીત ઠાકુરને કૉર્ટે ઈપીકો ૩૬૩ હેઠળ ૫ વર્ષની કેદ અને ૫ હજાર રૂપિયાનો દંડ તથા ઈપીકો કલમ ૩૬૬ હેઠળ ૭ વર્ષની કેદ અને ૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગુનાના ત્રીજા આરોપી લક્કી ઊર્ફે પ્રકાશ ઠાકુરનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થતાં તેની સામેનો કેસ પડતો મૂકાયો હતો.
ભોગ બનનારને ૨.૨૬ લાખનું વળતર આપવા હુકમ
વિશેષ કૉર્ટે દંડની રકમ વસૂલાત થયે તેમાંથી ૨૬ હજાર રૂપિયા ગુનાનો ભોગ બનનારને ચૂકવી આપવા સાથે પીડિતાને વિક્ટીમ કોમ્પેન્સેસન સ્કિમ હેઠળ ૨ લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મહેન્દ્રસિંહ જાડેજા સાથે મૂળ ફરિયાદી પક્ષના વકીલ હેતલકુમાર સોનપાર, પ્રકાશ દેવરીયા અને એસ.બી. લાડકે હાજર રહી દલીલો કરી હતી.
Share it on
|