click here to go to advertiser's link
Visitors :  
04-Jul-2025, Friday
Home -> Gandhidham -> Finally Kandla Police Regster FIR Against 8 in Salt Theft Scam from Trucks
Monday, 23-Jun-2025 - Kandla 19842 views
ટ્રકોમાંથી મીઠું ચોરી લેવાના કૌભાંડમાં ભચાઉના ચોપડવાની કંપની સહિત ૮ સામે ફોજદારી
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ હાજીપીરની નમક કંપનીમાંથી ટ્રકોમાં મીઠું ભરીને કંડલા પોર્ટ ખાલી કરવાના બદલે બારોબાર તેને સસ્તાં ભાવે ખાનગી કંપનીમાં વેચી મારવાના ત્રણ દિવસ જૂનાં બનાવમાં અંતે આજે વિધિવત્ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. કંડલા મરિન પોલીસે બનાવ અંગે એકમેકની સાંઠગાંઠમાં ગુનાહિત કાવતરું રચીને બે ટ્રકમાં ભરેલું ૫૭ હજાર ૮૫૦ રૂપિયાના મૂલ્યનું ૮૯ ટન મીઠું ચોરી કરી, નિયત જગ્યાએ માલ ના પહોંચાડવા બદલ આઠ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
મીઠું મેળવનારી ભચાઉના ચોપડવાની અંકુર કેમ ફૂડ પ્રા.લિ. નામની કંપનીએ આપેલી સ્લિપ મુજબ ચોરીનો માલ જી.કે. સોલ્ટ નામની કંપનીએ ખરીદ્યો હતો. પોલીસે ચોરીનું મીઠું ખરીદનાર જી.કે. સોલ્ટના જવાબદારોને પણ આરોપી બનાવ્યાં છે. અંકુર કેમ ફૂડ અને જી.કે. સોલ્ટ વચ્ચે શું કનેક્શન છે તે તપાસમાં ખૂલશે.

૧૯ જૂનની સાંજે હાજીપીરની સત્યેશ કંપનીમાંથી બે ટ્રકમાં ૮૯ ટન મીઠું લોડ કરીને રેન્કર્સ ઈન્ટરનેશનલ પ્રા.લિ. કંપનીએ તેને કંડલા પોર્ટમાં રવાના કરી હતી. કંડલા પોર્ટ પર શીપમાં મીઠું લોડીંગ કરાવતી બાલાજી ઈન્ફ્રા પોર્ટ નામની પેઢીના યાર્ડમાં આ મીઠું ખાલી કરાતું હોય છે.

યાર્ડના રજિસ્ટરમાં બંને ટ્રકનો માલ રીસીવ થયો હોવાનું દર્શાવાયું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે હકીકતમાં માલ રીસીવ થયો જ નહોતો.

પરંતુ, રેન્કર્સ કંપનીના શામજી ભરતભાઈ રાઠોડે જવાબદાર કર્મચારીઓની ગેરહાજરીનો યુક્તિપૂર્વક ગેરલાભ ઉઠાવીને ચોપડા પર માલ રીસીવ થયો હોવાનું લખ્યું હતું. ખરેખર તો બેઉ ટ્રકમાં ભરાયેલું મીઠું ભચાઉના ચોપડવા નજીક આવેલી ખાનગી કંપનીમાં ખાલી કરવામાં આવ્યું હતું. ખાલી થયેલી ટ્રક કંડલા નક્ટી બ્રિજ પાસે હોવાનું જાણવા મળતાં બાલાજી ઈન્ફ્રાના સુપરવાઈઝર અને માલિક સ્થળ પર દોડી ગયેલાં. તેમણે ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતાં સમગ્ર કાવતરાંનો પર્દાફાશ થયો હતો.

ડ્રાઈવરે ચોરીનો માલ જ્યાં ખાલી કરેલો તે ચોપડવાની અંકુર કેમફૂડ લિમિટેડની રિસિપ્ટ મળી આવી હતી.

ભુજની સરસપર રોડવેઝ ટ્રાન્સપોર્ટ પેઢીના નરશીભાઈ અને દિગુભા નામના શખ્સોએ ટ્રકોના માલિક અલી અકબર લુહાર (રહે. ગાંધીધામ), બે ડ્રાઈવરો તથા સંઘડના રાહુલ રામજી મ્યાત્રા મારફતે તેના ગામના શામજી રાઠોડ સાથે મળીને, ટ્રકોમાં ભરેલું નમક કંડલા પોર્ટ મોકલવાના બદલે ચોરી કરીને, બારોબાર ભચાઉની કંપનીમાં વેચી મારવાનું કાવતરું રચ્યું હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.

ઉલ્લેખનીય છે કે બાલાજી ઈન્ફ્રાના માલિક અને સુપરવાઈઝરે શુક્રવારે સાંજે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરેલો અને આરોપીઓને પકડીને કંડલા પોલીસ મથકે લઈ ગયેલાં.

સૂત્રોના દાવા મુજબ ઉચ્ચ અધિકારીના ઈશારે પોલીસે તત્કાળ ગુનો દાખલ કર્યો નહોતો. જે અંગે કચ્છખબરે ગઈકાલે વિગતવાર અહેવાલ પ્રગટ કર્યો હતો.

Share it on
   

Recent News  
ગાગોદરમાં ચેકિંગ સમયે ફ્લાઈંગ સ્ક્વૉડ જોડે ધાક ધમકી કરી એક્સકેવેટર હંકારી જવાયું