કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના માનકૂવા પોલીસ સ્ટેશનની હદમાં દરોડો પાડીને સ્ટેટ મોનિટરીંગ સેલની ટૂકડીએ સવા કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરતાં આખા ગુજરાતના પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. કચ્છને કમાવાનો જિલ્લો માની બેઠેલાં ભ્રષ્ટ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ હદે બેફામ બન્યાં છે કે કે તેમની મહેરબાનીના લીધે SMCના દરોડા છતાં અસામાજિક પ્રવૃત્તિઓ આચરતાં તત્વોને ખાખીનો કશો ડર રહ્યો નથી. તેનો વધુ એક દાખલો છે બેફામ રીતે ધમધમતી જુગાર ક્લબ.
ભુજથી માંડવી જતાં રોડ પર ખત્રી તળાવ સામે ભુજના નામીચા રાજગોર શખ્સે ખાખીની મંજૂરીથી હરતી ફરતી જુગાર ક્લબ શરૂ કરી છે.
જુગાર રમવાના શોખીન ખેલીઓ જણાવે છે કે ક્લબમાં રમવા જવું હોય તો મિનિમમ દોઢથી બે લાખ રોકડાં રૂપિયાનું બેલેન્સ બતાડો તો જ એન્ટ્રી મળે છે. ચોવીસે કલાક ચાલું રહેતી આ ક્લબમાં જવા માટે ચોક્કસ જગ્યાએ વાહનો પાર્ક કરાવાય છે, ક્લબના સંચાલકો તેમના વાહનોમાં ખેલીઓને લઈ જાય છે.
પોલીસની કોઈ રેઈડ નહીં પડે તેવી ખાતરી અપાય છે. ક્લબમાં તમામ પ્રકારની સુવિધાઓ મળે છે. રાજગોર અટકધારી ભુજના એક નામીચા શખ્સે તમામ સ્તરેથી ખાખીની મંજૂરી મેળવી આ ક્લબ શરૂ કરી છે.
જાણકારો દાવો કરે છે કે ગમે તે સમયે તમે અહીં જાવ ઓછામાં ઓછામાં વીસથી પચ્ચીસ માણસો જુગાર રમતાં જોવા મળે છે. જો પોલીસ દરોડો પાડે તો કરોડો રૂપિયાનો મુદ્દામાલ મળી શકે તેમ છે. કચ્છમાં નિમણૂક પામ્યાના થોડાંક દિવસો સુધી પોતે પ્રામાણિક હોવાનો દંભ કરીને ભ્રષ્ટાચારની ગંગામાં નખશિખ ડૂબી ગયેલો કહેવાતો ઉચ્ચ અધિકારી આ ક્લબ બંધ કરાવે છે કે પછી એસએમસીની રેઈડ પડે ત્યારે જ આ ક્લબ બંધ થશે તે જોવું રહ્યું.
Share it on
|