|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ નખત્રાણા હાઈવે પર માનકૂવા ગામ પાસે સ્કોર્પિયો કારે આગળ જતા બાઈકને ટક્કર મારતા ચાલક પાછળ બેઠેલી ભુજના કોડકી ગામની ૧૮ વર્ષિય યુવતીનું ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું છે. બાઈક હંકારનાર માસિયાઈ ભાઈ ગંભીર રીતે ઘાયલ થયો છે. દુર્ઘટના ગઈકાલે સાંજે સાડા સાતના અરસામાં માનકૂવા ગામ નજીક વિશાલ હોટેલ સામે ઘટી હતી. નખત્રાણા બાજુથી ભુજ તરફ જઈ રહેલા બાઈકને પાછળ પૂરઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારે ટક્કર મારી હતી. જેમાં બાઈક ચાલક પાછળ બેસેલી દરિતા રામજીભાઈ કેરાઈ (ઉ.વ. ૧૮)નું માથા, કમર અને પેટમાં ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું હતું. બાઈક હંકારી રહેલા દરિતાના માસિયાઈ ભાઈ સૂરજ કાન્તિલાલ વરસાણી (ઉ.વ. ૨૩)ને માથા અને કમરમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. દરિતા અને સૂરજ બેઉ કોડકી ગામે રહે છે. તુલસી વિવાહમાં ભાગ લેવા જવા બેઉ જણ બાઈકથી માનકૂવા ગામે ગયેલાં. બનાવ અંગે માનકૂવા પોલીસે GJ-12 FE-7791 નંબરની બ્લેક સ્કોર્પિયોના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સામખિયાળી પાસે થારની ટક્કરે દંપતી ખંડિત
મોરબીથી સામખિયાળી જતા રોડ પર હોટેલ દ્વારકાધીશ સામે અલ્ટો કારને થાર જીપે સામેથી ટક્કર મારતાં યુવાન પરિણીતાનું મૃત્યુ નીપજ્યું છે. ગઈકાલે બપોરે અઢી વાગ્યાના અરસામાં દુર્ઘટના ઘટી હતી. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરીનો રહેવાસી પીયૂષ અરવિંદભાઈ ઠક્કર અલ્ટો કારમાં તેની પત્ની અવની અને પુત્રી નિસર્ગીને લઈ વીરપુર ગયેલો.
વીરપુરથી પરત ફરતી વેળા અચાનક સામેથી ધસમસતી આવેલી GJ-39 CC-9005 નંબરની થાર જીપે ટક્કર મારતાં દુર્ઘટના સર્જાઈ હતી.
દુર્ઘટનામાં પિતા અને દીકરીને હળવી મધ્યમ ઈજાઓ પહોંચી હતી જ્યારે અવનીબેનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. સામખિયાળી પોલીસે જીપચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Share it on
|