કચ્છખબરડૉટકોમ, ભુજઃ સ્થાનિક પોલીસની સૂચક નિષ્ક્રિયતા વચ્ચે પશ્ચિમ કચ્છમાં ઠેર ઠેર મોટાપાયે ચાલી રહેલા ‘ઈંગ્લિશ શરાબ’ના કારોબાર પર ગાંધીનગરના સ્ટેટ મોનિટરીંગ સેલએ કડક ઝુંબેશ છેડી છે. SMC આજે વહેલી સવારે ભુજ તાલુકાના કેરા ગામે જડેશ્વર મંદિર નજીક ખુલ્લાં ચોગાનમાં દારૂના કટિંગ ટાણે રેઈડ પાડીને ૧ કરોડ ૨૮ લાખ ૩૮૦૮ રૂપિયાના મૂલ્યનો શરાબનો જથ્થો જપ્ત કરતાં કચ્છ જ નહીં રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર મચી છે. ૧.૭૦ કરોડનો મુદ્દામાલ જપ્ત, ૨૨ પર FIR
SMCના પીએસઆઈ એસ.આર. શર્માએ જણાવ્યું કે દારૂનો જથ્થો કેરા ગામે રહેતા બૂટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડે મગાવ્યો હતો, પરંતુ સ્થળ પરથી તે હાથ લાગ્યો નથી.
રાજસ્થાન પાસિંગના સિમેન્ટ બલ્કરમાં આવેલી બાટલીઓ સ્થળ પર પાર્ક થયેલી બોલેરો પીકઅપ અને ટાટા મીની ટ્રકમાં મજૂરો મૂકતાં હતા તે સમયે SMC ત્રાટકી હતી.
સ્થળ પરથી પોલીસે બોલેરોના ડ્રાઈવર ગોપાલસિંહ બનેસિંહ વાઘેલા (રહે. કેરા), મીની ટ્રકના ડ્રાઈવર શિવરાજ વીરમ ગઢવી (રહે. અલીપુર, અંજાર), ડ્રાઈવર કમ હેલ્પર ગોપાલ કેશાજી રાજગોર (રહે. નવાનગર, પાનધ્રો, લખપત) ઉપરાંત ૧૩ પરપ્રાંતીય મજૂરોની ધરપકડ કરી છે.
સ્થળ પરથી ૧.૨૮ કરોડના દારૂ ઉપરાંત ૪૨ લાખના ૩ વાહનો, ૨૫ હજારના ૫ ફોન વગેરે મળી કુલ ૧ કરોડ ૭૦ લાખ ૨૮ હજાર ૮૦૮ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી માનકૂવા પોલીસ મથકે સુપ્રત કર્યો છે.
ઝડપાયેલાં ૧૬ આરોપીઓ ઉપરાંત અનોપસિંહ સહિત શરાબનો જથ્થો મોકલનાર શખ્સ, ટેન્કર લઈ આવનાર ડ્રાઈવર અને તેના માલિક, મીની ટ્રક અને બોલેરોના માલિક વગેરે મળી ૬ લોકોને વોન્ટેડ દર્શાવાયાં છે. કુલ ૨૨ લોકો સામે પ્રોહિબિશનની વિવિધ કલમો તળે સરકાર તરફે માનકૂવા પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવાઈ છે.
ઇતિહાસમાં પહેલીવાર આટલો જંગી દારૂ જપ્ત
સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ કચ્છ પોલીસના ઈતિહાસમાં પહેલીવાર ૧.૨૮ કરોડનો વિદેશી શરાબનો જંગી જથ્થો ઝડપાયો છે. આ અગાઉ ગત ૨૩ મેના રોજ માંડવીના ત્રગડી ગામે કટિંગ ટાણે ત્રાટકીને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ૮૩.૭૮ લાખનો શરાબ ઝડપ્યો હતો.
૫૪ દિવસમાં SMCની ૪ રેઈડનો પણ નવો ઈતિહાસ
આપને જાણીને આઘાત લાગશે કે છેલ્લાં ૫૪ દિવસમાં પશ્ચિમ કચ્છમાં SMCની આ ચોથી રેઈડ છે. આ અગાઉ ૩૦ એપ્રિલે SMCએ માનકૂવા પોલીસ મથકની હદમાં આવતા નારાણપર પસાયતી ગામે એક રહેણાક મકાનમાં દરોડો પાડીને ત્રણ લાખના ઈંગ્લિશ શરાબ સાથે પ્રકાશ ફફલ નામના શખ્સની ધરપકડ કરેલી. ત્યારબાદ ૨૩ મેના રોજ ત્રગડીમાં રેઈડ કરીને ૮૩.૭૮ લાખનો શરાબ ઝડપેલો. ૨૮ મેના રોજ ભુજમાં રેઈડ પાડીને ચાલતી કારે ઓનલાઈન સટ્ટા બેટિંગ રમાડતા સ્મિત ઠક્કર નામના બુકીને ઝડપેલો અને આજે માનકૂવામાંથી જંગી માત્રામાં દારૂ ઝડપ્યો છે.
પશ્ચિમ કચ્છ પોલીસ દળના ઈતિહાસમાં આટલા ટૂંકા ગાળામાં SMCના ચાર ચાર દરોડા પડ્યાં હોય તે બાબત પણ પહેલીવાર ઘટી છે.
દારૂ, સટ્ટા અને જુગારની ક્લબો કેમ ધમધમવા માંડી છે તેની પાછળનું અસલી કારણ જાણે SMCના વડા નિર્લિપ્ત રાય પામી ગયાં હોય તેમ તેમણે પશ્ચિમ કચ્છ પર વિશેષ ફોકસ કર્યું છે.
LCBએ ભુજમાં કારમાંથી ૩.૬૪ લાખનો શરાબ ઝડપ્યો
સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડાના પગલે એકાએક હરકતમાં આવી ગયેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચે આજે ભુજ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા ક્ષેત્રપાળ સ્ક્વેર-2 બિલ્ડીંગના પાર્કિંગમાં પડેલી બિનવારસી અલ્ટો કારમાંથી ૩.૬૪ લાખનો શરાબ ઝડપ્યો છે.
ભ્રષ્ટોને નાક જ ક્યાં છે? ત્રગડીનો પોઈન્ટ ફરી શરૂ
ખાખીની મિલિભગત વગર દારૂ, જુગાર અને સટ્ટાનો કારોબાર બિન્ધાસ્ત રીતે ચાલતો હોય તે વાતમાં કોઈ માલ નથી.
સામાન્ય રીતે, પોતાના જિલ્લા અને વિસ્તારમાં ગાંધીનગરથી SMCની ટીમ આવીને સફળ રેઈડ કરે તો તે જિલ્લાના એસપી, ડીવાયએસપી, સ્થાનિક પોલીસ મથક અને સંબંધિત બ્રાન્ચોના પીઆઈ પીએસઆઈ સહિતના સ્ટાફ માટે તે ખૂબ શરમજનક ઘટના ગણાય છે. પરંતુ, પશ્ચિમ કચ્છને ‘કમાવાનો જિલ્લો’ માની બેઠેલાં ઘણાં ભ્રષ્ટ ખાખીધારીઓને જાણે હવે નાક જેવું કશું રહ્યું ના હોય તેમ લાગી રહ્યું છે.
આવું એટલા માટે લખવું પડે છે કે ૨૩ મેના રોજ માંડવીના ત્રગડી ગામે SMCએ રેઈડ પાડેલી તે ત્રગડીમાં વિદેશી શરાબનો નવો પોઈન્ટ ધમધમવા માંડ્યો હોવાનું સૂત્રો જણાવે છે. પોઈન્ટનું ભરણ નિયમિતપણે સંબંધિતોને પહોંચી રહ્યું હોવાનો સૂત્રો ઉમેરે છે! SMCએ પાડેલી રેઈડ વખતે લિસ્ટેડ બૂટલેગર યુવરાજ જાડેજા અને તેના પાંચ સાગરીતો સહિત નાસી ગયેલાં ૧૬ લોકો સામે ફરિયાદ નોંધાવાયેલી.
સામાન્ય ચોરી ચપાટી કરતાં ગુનેગારોને બે ચાર દિવસમાં ઝડપી પાડતી પશ્ચિમ કચ્છની બાહોશ પોલીસ આજ દિવસ સુધી યુવરાજ અને તેના સાગરીતોને પકડી શકી નથી.
ઉઘરાણાં અને વહીવટ સાચવવા માટે એક અધિકારી છેક દક્ષિણ ગુજરાતમાંથી પોતાના વિશ્વાસુ ફોજદારને સ્થાનિકે લઈ આવ્યો હોવાનું ચર્ચાય છે. દારૂ જુગારની વકરેલી બદી વચ્ચે ભાજપના ચૂંટાયેલા સહુ નેતાઓ ચૂપ છે, શું તેમને પણ મલાઈ મળતી હશે?
Share it on
|