કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના કોટડા (ચકાર)થી અંજારના ભલોટ ગામ તરફ જતાં કાચાં રસ્તા પર ધમધમતી ધાણી પાસાની જુગાર ક્લબ પર ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડતા પશ્ચિમ કચ્છ પોલીસમાં દોડધામ મચી ગઈ છે. ૪ લાખ ૬૩ હજાર ૭૪૦ રોકડાં રૂપિયા, ૮૫ હજારના ૧૫ મોબાઈલ ફોન, ૪૭.૮૦ લાખની કિંમતની ૮ કાર અને ૬ દ્વિચક્રી વાહન મળી કુલ ૧૪ વાહન મળી ૫૩.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
♦બાતમીના આધારે SMCએ ચકારથી ભલોટ જતા કાચા રોડ પર અંદાજે બે કિલોમીટર સુધી પગપાળા ચાલીને સાંજે સાડા સાત વાગ્યે રેઈડ કરેલી
♦રેહાના દેશી દારુના લિસ્ટેડ બૂટલેગર ગુલાબસિંહ ખેતુભા જાડેજાએ કોંગ્રેસની પૂર્વ મહિલા નેતા સલમા સુલેમાન ગંઢ અને ચકારના પપ્પુ જાડેજા નામના બે પાર્ટનરો સાથે મળીને ભાગીદારીમાં જુગાર ક્લબ શરુ કરી હોવાનું બહાર આવ્યું છે
♦સલમા ગંઢ અગાઉ પણ અનેકવાર આવી ક્લબોમાં જુગાર રમતાં ઝડપાયેલી છે. આ વિવાદાસ્પદ મહિલા હવે ખેલી મટીને ભાગીદારીમાં જુગાર ક્લબો ચલાવવા માંડી હોવાનું ફરિયાદ પરથી જણાય છે
♦ત્રણે જણે કાચા રસ્તે બાવળની ઝાડીમાં લાકડા અને વાંસનો શેડ ઊભો કરેલો. ઉપર પ્લાસ્ટિકની તાડપત્રી લગાવેલી. જેથી દૂર દૂરથી જુગાર રમવા આવતા ‘માનવંતા ખેલીઓ’ને કોઈ તકલીફ ના પડે.
♦ગ્રાહકોની સુવિધા માટે જુગાર ક્લબથી ત્રણ કિલોમીટર દૂર રઘુભા નામના શખ્સની વાડીમાં વાહનો પાર્ક કરાવવામાં આવતા હતા. ત્યારબાદ ખેલીઓને સ્કોર્પિયો કારમાં બેસાડીને ક્લબ પર લાવવામાં આવતા હતા
♦ગુલાબે સ્કોર્પિયો કારમાં ઘરાકોને લેવા મૂકવા માટે તથા દરેક બાજીદીઠ પાંચસો રૂપિયાની નાલ ઉઘરાવવા માટે ડાયાલાલ ગોવિંદ મહેશ્વરી (રહે. મોટા રેહા)ને ૧૨ હજારના પગારે નોકરીએ રાખેલો. ઝડપાયેલાં ડાયાલાલે પોલીસ પૂછપરછમાં આ બધું ઓકી નાખ્યું છે
♦બાજીદીઠ પાંચસો રૂપિયાની નાલ ઉઘરાવીને તે નાણાં સ્ટીલના ડબ્બામાં રાખવામાં આવ્યા હતા. SMCએ દરોડો પાડ્યો ત્યારે પટમાંથી ૬૮ હજાર ૪૦૦ રોકડાં રૂપિયા અને સ્ટીલના ડબ્બામાંથી નાલ પેટે ઉઘરાવેલાં ૧ લાખ રોકડાં રૂપિયા મળી આવ્યા હતા. બાકીના નાણાં ઝડપાયેલાં ૧૨ જુગારીઓની અંગજડતીમાંથી મળી આવ્યા હતા
♦જુગારીઓ જ્યાં રમતા હતા ત્યાંથી SMCએ પ્લાસ્ટિકના ગ્લાસ, એલઈડી લેમ્પ અને ક્લબના રુપિયાના હિસાબ કિતાબની ત્રણ નોટ બૂક કબજે કરી છે. આ નોટ બૂકમાં લખાયેલો હિસાબ કિતાબ અનેક ખાખીધારીઓની નોકરીનું ખાતું કાયમ માટે પૂરું કરી દે તેવો હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે.
♦આ ક્લબની ખ્યાતિ છેક રાજકોટ, બોટાદ, રાપર, મુંદરા સુધી વિસ્તરી હતી. ત્યાંથી જુગારીઓ રમવા આવતા હતા જે ઝડપાયાં છે
♦SMCએ દરોડો પાડીને સ્થળ પરથી હ્યુન્ડાઈ વર્ના, હ્યુન્ડાઈ વેન્યુ, સ્વિફ્ટ, સ્વિફ્ટ ડિઝાયર, આઈ ટેન, ઈનોવા, સ્કોર્પિયો, અર્ટિગા સહિતની આઠ કાર તથા એક્સેસ, એક્ટિવા, બુલેટ, હોન્ડા સહિતના છ દ્વિચક્રી વાહનો કબજે કર્યા છે
♦ઝડપાયેલાં ખેલીઓમાં મુરાદ અલ્લારખા કારાણી (લાકડીયા), અશ્વિન ગેલાભાઈ કોલી (ગાગોદર, રાપર), મનોજ હિરાભાઈ ચૈયા (ટપ્પર, અંજાર), મામદ અધાભા શિરાચ (સિનુગ્રા, અંજાર), મહમદ આદમ ખટુબરા (બોટાદ), હિતેશગિરિ રવિગિરિ ગોસ્વામી (કુકમા, ભુજ), કપિલનાથ કલ્યાણનાથ ગુસાઈ (ચકાર), નરોત્તમ હિરજીભાઈ મકવાણા (રાજકોટ), મહેન્દ્રસિંહ જીલુભા જાડેજા (દેશલપર કંઠી, મુંદરા), ડાયાલાલ ગોવિંદભાઈ મહેશ્વરી (મોટા રેહા, ભુજ), કાસમ આદમભાઈ સંઘાર (હાજાપર, ભુજ) અને હિરેન શાંતિલાલ ગોર (પંકજનગર, ભુજ)નો સમાવેશ થાય છે
♦નાસી ગયેલાં ખેલીઓ અને સંચાલકોમાં ગુલાબસિંહ ખેતુભા જાડેજા, પપ્પુ જાડેજા, સલમા ગંઢ (ગાંધીધામ), મહેશ ઊર્ફે મેસો જીવણભાઈ કોલી (રાપર), ભરતભાઈ આલ (ભુજ), પ્રકાશસિંહ પ્રભુભા જાડેજા (મોટા રેહા, ભુજ), અશ્વિનભાઈ શાહ ઊર્ફે શાહભાઈ (ભુજ), કાથુભા જાડેજા (મુંદરા), અકબર, ચાર કાર અને ત્રણ દ્વિચક્રી વાહનોના નાસી ગયેલાં કબજેદારો સહિત કુલ ૩૦ લોકો વિરુધ્ધ જુગારધારાની કલમ ૧૨ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૨ (સંગઠિત ટોળકી બનાવી ગુનો આચરવો) હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે
Share it on
|