કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના જાણીતા છાપા કચ્છમિત્રના કર્મચારીઓની માધાપરમાં આવેલી રહેણાક કોલોનીમાં રહેતી હેતલ કિશોરભાઈ ગોસ્વામી નામની મહિલાએ ગોલ્ડ લોન અપાવવાના બહાને ભુજની મહિલા સાથે ૨.૩૪ લાખની ઠગાઈ કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે. ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં મદદનીશ તરીકે કામ કરતા ૪૮ વર્ષિય ધનલક્ષ્મીબેન રામજીભાઈ હિરાણીએ હેતલ સામે ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ગયા વર્ષે ઑગસ્ટમાં ઘરનું રીપેરીંગ કરવા માટે નાણાંની જરૂર હોઈ ફરિયાદી લોન લેવા એક્સિસ બેન્ક ગયેલાં. એક્સિસ બેન્કમાં કામ કરતી ડિમ્પલબેન નામની યુવતીએ ફરિયાદીને બેન્કમાંથી લોન લેવાના બદલે સોનાના દાગીના ગિરવે મૂકી લોન લેવા સલાહ આપી જણાવેલું કે તેમાં વ્યાજ ઓછું ભરવું પડશે. પોતે બેન્ક ઑફ બરોડામાં નોકરી કરતી હેતલ ગોસ્વામી નામની મહિલાને ઓળખે છે અને તે ગોલ્ડ પર લોન કરાવી આપશે તેમ કહીને ડિમ્પલે હેતલના મોબાઈલ નંબર આપ્યા હતા.
હેતલે બેન્ક કર્મી બનીને મહિલાને આ રીતે ભોળવી
ફરિયાદીએ હેતલ જોડે ફોન પર વાત કરેલી અને હેતલે લોન કરી દેવાનું વચન આપેલું. બે ત્રણ દિવસ બાદ હેતલ ફરિયાદીને હોસ્પિટલે રૂબરૂ મળવા ગયેલી અને તેમની દોઢ તોલા સોનાની ચેઈન લઈને, લાલ ટેકરી ખાતે બેન્ક ઑફ બરોડાની બ્રાન્ચ નજીક લઈ જઈને ‘ગોલ્ડ લોન માટે પ્રોસેસ કરાવું છું’ કહીને બેન્કમાં ગયેલી. ત્યારબાદ ‘બે ત્રણ દિવસમાં લોન મંજૂર થઈ જશે’ તેમ કહીને ફરિયાદીને સ્કુટી પર પરત હોસ્પિટલે મૂકી ગયેલી.
તાત્કાલિક ખાતું ખોલવા ૫૦ હજાર ભરવા પડશે
થોડાંક દિવસ બાદ હેતલે ફરિયાદીને બેન્કમાં તાત્કાલિક ધોરણે ૫૦ હજાર રૂપિયા ભરીને ખાતું ખોલાવશો તો જ લોન મળશે તેમ કહેલું. ફરિયાદીએ હાલ તુરંત એટલા બધા રૂપિયાની સગવડ થઈ શકે તેમ નથી એવું કહેતા તેમને ૨૫ હજાર રૂપિયા ભરવા અને બાકીના ૨૫ હજાર પોતે ભરશે અને નાણાં રીટર્ન થાય ત્યારે પાછાં આપી દેજો તેમ કહીને જી-પેથી પોતાના મોબાઈલ નંબર પર ૨૫ હજાર રૂપિયા મેળવી લીધા હતા.
લોન મંજૂર થઈ છે કહી એક લાખનો અંગત ખાતાનો ચેક આપેલો
થોડા દિવસ બાદ હેતલ હોસ્પિટલ પર આવીને ફરિયાદીને એક લાખ રૂપિયાની લોન એપ્રુવ થઈ છે તેમ કહીને પોતાના અંગત એકાઉન્ટનો એક લાખ રૂપિયાનો ચેક ફરિયાદીને આપી ગઈ હતી. જો કે, આ ચેક અપૂરતા બેલેન્સના લીધે બાઉન્સ થયેલો.
પછી આ રીતે ટુકડે ટુકડે વધુ નાણાં પડાવ્યાં
ફરિયાદીએ ચેક બાઉન્સ થયો હોવાની વાત કરતાં હેતલ ફરી હોસ્પિટલે રૂબરૂ મળવા આવેલી અને ચેક ફાડી નાખીને તમારા ખાતામાં હું રૂપિયા જમા કરાવી દઉં છું કહીને વિશ્વાસમાં લઈને જણાવેલું કે ‘તમે તમારા ખાતામાં જેટલા વધુ રુપિયા નાખશો તેટલી વધુ લોન મળશે’ વધુ લોન મળવાની લાલચમાં આવી જઈને ફરિયાદીએ ટુકડે ટુકડે UPIથી હેતલના નંબર પર વધુ ૩.૧૧ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.
વિશ્વાસ કેળવવા ૭૬ હજાર જમા પણ કરાવ્યાં
ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે હેતલે પણ ‘તમારી લોન મંજુર થઈ ગઈ છે, લો આટલા રૂપિયા આજે આવ્યા છે’ તેમ કહીને ટુકડે ટુકડે ૭૬ હજાર ૭૫૦ રૂપિયા પરત મોકલ્યાં હતા. ગોલ્ડ લોન પેટે મોટી રકમ જમા થવા મુદ્દે હેતલ સતત વાયદા કર્યા કરતી હતી અને પછી તેણે મોબાઈલ ફોન જ સ્વિચ ઓફ્ફ કરી દીધો હતો. ભુજ એ ડિવિઝન પીઆઈ અલ્પેશ પટેલે જણાવ્યું કે હેતલ બેન્ક ઑફ બરોડાની કર્મચારી નથી. તે પકડાય ત્યારપછી વધુ વિગતો જાણવા મળશે. હેતલનું નામ નંબર આપનારી એક્સિસ બેન્કની કર્મચારી ડિમ્પલની ભૂમિકા અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.
Share it on
|