કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં દસેક દિવસ અગાઉ વહેલી પરોઢે બાઈક પર જઈ રહેલા શાકભાજીનો જથ્થાબંધ વેપાર કરતાં એક યુવકને પાછળથી આવેલી સફેદ બોલેરો કારે ટક્કર મારતાં તે ઘાયલ થયો હતો. બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે અકસ્માતની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો પરંતુ તપાસમાં આ બનાવ સામાન્ય અકસ્માતનો નહીં પણ હત્યાના પ્રયાસનો હોવાનું ખૂલ્યું છે. શહેરની કોમર્સ કૉલેજ રોડ પર ગોગા ટી સ્ટોલથી સહેજ આગળ રોડ પર બાઈક પર જતાં યુવકને પાછળથી ટક્કર મારીને બોલેરો કારચાલક વાહન સમેત નાસી છૂટ્યો હતો. ઘાયલ યુવક ભુજ APMC જતો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ તપાસમાં આ બનાવ સામાન્ય એક્સિડેન્ટ નહીં પરંતુ અંગત કારણોસર હત્યાના પ્રયાસનો હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતમાં યુવકને હળવી મધ્યમ ઈજાઓ પહોંચી હતી. ‘અમરેલી લેટરકાંડ’ ફેમ પીઆઈ અલ્પેશ એમ. પટેલે બનાવ અંગે આવતીકાલે એસપી દ્વારા તમામ વિગતો જાહેર કરાશે તેમ જણાવ્યું છે.
Share it on
|