કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં આગામી ૧૭ એપ્રિલથી ૨૬ એપ્રિલના ૧૦ દિવસ દરમિયાન યોજાનારાં સ્વામિનારાયણ મંદિરના ધાર્મિક મહોત્સવને અનુલક્ષીને ભુજથી મિરજાપર જતાં જાહેર માર્ગ પર વાહનોના આવાગમન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી પોલીસ વિભાગે કરેલી દરખાસ્તને અનુલક્ષી જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ આ માર્ગ પર વાહનો પરની પ્રવેશબંધીનું જાહેરનામું પ્રગટ કર્યું છે. મિરજાપર ગામથી ભુજ પ્રિન્સ રેસિડેન્સી ત્રણ રસ્તા સુધીના માર્ગ પરથી પસાર થનારાં વાહનો પર ૧૭ એપ્રિલથી ૨૬ એપ્રિલના ૧૦ દિવસ સુધી પ્રવેશબંધી રહેશે. નલિયા, નખત્રાણા, માંડવી તરફ જતાં વાહનચાલકોએ અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ મંદિર દ્વારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દિ મહોત્સવની ઉજવણી અંતર્ગત મિરજાપર ખાતે વિશાળ બદ્રીકાવનનું નિર્માણ કરાયું છે. આ ઉજવણીમાં દેશ દુનિયાભરમાંથી લાખ્ખો હરિભક્તો ઉમટી પડવાનો અંદાજ છે.
♦ભુજ આવવા ઈચ્છતાં વાહનચાલકોએ મિરજાપર ભોલેનાથ પેટ્રોલ પંપથી મિરજાપર નાકામાંથી ગામમાં પ્રવેશ કરી ચંગલેશ્વર મહાદેવ મંદિર, રીલાયન્સ સર્કલવાળા રસ્તે આવવાનું રહેશે
♦લખપત, દયાપર, નલિયા, નખત્રાણાથી આવતા વાહનચાલકોએ માનકૂવાથી કોડકી ગામમાં થઈ રતિયા પાટિયાથી કોડકી ચાર રસ્તા (એરપોર્ટ રીંગ રોડ) થઈ ભુજમાં પ્રવેશવાનું રહેશે
♦માંડવી તરફથી આવતા વાહનચાલકોએ નારાણપર ત્રણ રસ્તા થઈ હાઈલેન્ડ, ભારાપર સેનેટોરિયમ થઈ રીલાયન્સ સર્કલથી ભુજમાં પ્રવેશવાનું રહેશે
♦મુંદરાથી નખત્રાણા જવા માટે મુંદરાથી આવતાં જતાં વાહનો ભારાપર સેનેટોરિયમથી હાઈલેન્ડ થઈ ખત્રી તળાવ થઈ માવજી તલાવડી થઈ ભારાપર થઈ માનકૂવાથી નખત્રાણા કે નલિયા તરફ જઈ શકશે
♦માંડવીથી નખત્રાણા જવા માટે માંડવીથી આવતાં જતાં વાહનો માટે માવજી તલાવડી થઈ ભારાસર થઈ માનકૂવા થઈ નખત્રાણા નલિયા તરફ જઈ શકશે
♦માંડવી તરફથી આવતા ભારે વાહનો નારાણપર ત્રણ રસ્તા થઈ હાઈલેન્ડ, સેનેટરી (ભારાપર) થઈ રીલાયન્સ સર્કલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલ થઈ નળવાળા સર્કલ થઈને ગાંધીધામ ભચાઉ તરફ જઈ શકશે
♦પાન્ધ્રો, દયાપર, હાજીપીરથી ગાંધીધામ કે ભચાઉ આવતાં જતાં ભારે વાહનોએ વિરાણી ગામ થઈ દેવીસર થઈ નિરોણા થઈ લોરિયા ચેકપોસ્ટ થઈને છત્રીસ ક્વાર્ટર ચાર રસ્તા થઈ નળવાળા સર્કલથી જવાનું રહેશે
♦નલિયા, નખત્રાણાથી ભચાઉ ગાંધીધામ આવતાં જતાં ભારે વાહનોએ માનકૂવા થઈ ભારાસર થઈ ખત્રી તળાવ, હાઈલેન્ડ, સેનેટોરિયમ થઈ રીલાયન્સ સર્કલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલથી નળવાળા સર્કલ થઈને ગાંધીધામ-ભચાઉ જવાનું રહેશે.
♦સરકારી ફરજ પરના વાહનો, પોલીસ ખાતાના વાહનો, પોલીસે અધિકૃત કરેલાં વાહનો, ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સ જેવા વાહનો પર આ પ્રતિબંધ લાગુ થશે નહીં.
Share it on
|