કચ્છખબરડૉટકોમ, ભુજઃ દિવાળીના આગમન સાથે જ કચ્છમાં રણોત્સવના શુભારંભનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. લાખો પ્રવાસીઓએ રણવચાળે બનેલા અનેક રીસોર્ટમાં એડવાન્સ બૂકિંગ કરાવી રાખ્યું છે. સીઝનના ખરા ટાણે જ તંત્રએ સફેદ રણ નજીક આવેલા ૧૫૦ તંબુ ધરાવતાં ૬ પ્રાઈવેટ રીસોર્ટ પર બુલડોઝર ફેરવી દેતાં આ કાર્યવાહીએ અસરગ્રસ્તો સહિત રાજકીય આલમમાં ભારે હોબાળો સર્જ્યો છે. બે રીસોર્ટ તો છેલ્લાં ૮ વર્ષથી કાર્યરત હતા અને લીઝ રીન્યૂ થતી હતી. બે રીસોર્ટની લીઝ આઠ વર્ષથી મંજૂર કરાતી હતી
સફેદ રણને અડીને સરકાર હસ્તકની રણની અનસર્વેય્ડ પડતર જમીન પર ભુજ મામલતદારે ગત વર્ષે નવા ચાર રીસોર્ટ માટે હંગામી ધોરણ લીઝ પર જમીન મંજૂર કરેલી. બે હજાર ચોરસ મીટરથી વધુ જમીન પર દૈનિક ભાડાપેટે દર પંદર દિવસે ૫૧ હજાર રૂપિયા ભાડું વસૂલાતું હતું. રણોત્સવની સીઝન અંતર્ગત ૧-૧૧-૨૦૨૩થી ૨૮-૦૨-૨૦૨૪ના ચાર મહિના પૂરતી આ લીઝ મંજૂર કરાઈ હતી. બે રીસોર્ટની છેલ્લાં આઠ વર્ષથી આ જ રીતે લીઝ વસૂલાતી હતી.
જૂનમાં ડિમોલીશન પર બ્રેક વાગેલી
લીઝધારકોને આશા હતી કે આ વર્ષે પણ તેમની લીઝ રીન્યૂ કરાશે. જો કે, લીઝધારકોના રીસોર્ટ હટાવવા પ્રવાસન નિગમ અને ધોરડો પંચાયતે તંત્ર સમક્ષ કરેલી રજૂઆત તથા સરહદી સુરક્ષા સંવેદનશીલતાને આગળ ધરી તંત્રએ જૂન માસમાં સ્થળ પર થયેલાં કાચાં પાકાં બાંધકામ દૂર કરવા કવાયત હાથ ધરેલી. રાજકીય વગ ધરાવતાં અમુક રીસોર્ટ સંચાલકોએ પોતાની સાથે અન્યાય થતો હોવાની ઉચ્ચસ્તરે લાગણી પહોંચાડતાં હથોડો વીંઝાયો નહોતો.
પ્રવાસીઓ રખડી પડશેઃ લીઝધારકો માથાં કૂટે છે
બુલડોઝર પર બ્રેક વાગી ગયાં બાદ લીઝધારકોને આશા હતી કે કમસે કમ આ વર્ષ પૂરતાં નવેમ્બરથી તેમની લીઝ ફરી રીન્યૂ કરી દેવાશે. દિવાળી નિમિત્તે પ્રવાસીઓનું એડવાન્સ બુકીંગ કરવાનું શરૂ દીધેલું. ત્યાં સોમવારે એકાએક તંબુનગરી પર બુલડોઝરના પૈડાં ફરી વળતાં લીઝધારકોને માથાં કૂટવાનો વારો આવ્યો છે. લલ્લુજી એન્ડ સન્સ કે પ્રવેગ નામની ખાનગી પેઢીઓ દ્વારા પ્રવાસીઓ પાસેથી વસૂલાતાં કમ્મરતોડ ચાર્જીસની તુલનાએ આ તંબુનગરીમાં પ્રવાસીઓને વાજબી ભાવે રહેવા ખાવાની સુવિધા મળતી હતી. ડિમોલીશનના કારણે સેંકડો પ્રવાસીઓ રઝળી પડશે. આવા પ્રવાસીઓ માટે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે આયોજન પણ નથી.
તંત્રની કાર્યવાહી સામે હિતધારકો કેટલાંક અણિયાળા સવાલ ઉઠાવ્યાં છે.
♦કોના ઈશારે અને લાભાર્થે ખરા ટાણે જ આ ડિમોલીશન કરાયું? આખરે આ કાર્યવાહીથી કોને લાભ થવાનો છે?
♦ચાર માસથી ડિમોલીશન નહોતું કરાયું તો સીઝન પૂરતી વધુ ચાર મહિના સુધી ઉદારતા દાખવી ના શકાઈ હોત? અંતે તો તંત્રને દૈનિક ધોરણે ભાડું તો મળવાનું જ હતું ને.
♦સુરક્ષા એજન્સીઓના સ્પષ્ટ વિરોધ છતાં તેને અવગણીને છેક પાકિસ્તાનને અડીને આવેલી સરહદ સુધી નમકની લીઝો અને ઊર્જા પ્લાન્ટને મંજૂરી અપાયેલી છે. ત્યારે અચાનક આ જ વર્ષે સરહદી સંવેદનશીલતાનો મુદ્દો કેમ ઉઠ્યો?
♦ધોરડોમાં અન્યત્ર થયેલાં અનેક દબાણોને કેમ છાવરવામાં આવે છે?
ભુજના રીસોર્ટ સંચાલકોને ‘બારાતુ’ ગણાવી, સફેદ રણને પોતાની જાગીર ગણી પીએમઓ અને સીએમઓના નામે અધિકારીઓને અવારનવાર દબાવી કયો શખ્સ રણના નામે અંદરખાને કેવા ગુલ ખીલાવે છે તે પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે.
Share it on
|