|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના સુખપર ગામના ૬૨ વર્ષિય વૃધ્ધને હની ટ્રેપ કરી ૩ લાખ રૂપિયાની માંગણી કરી ૬૦ હજાર પડાવી લેવાના બનાવમાં અઢી માસથી નહીં પકડાયેલી અંતિમ મહિલા આરોપી નીતાબેન નાથાલાલ પટેલ (રહે. ભુજ) દિવાળી પત્યાં બાદ આજે પકડાઈ ગઈ છે. પાંચ લોકો સામે ગત ૦૫-૦૮-૨૦૨૫ના રોજ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયેલો તેના બીજા જ દિવસે ત્રણ આરોપી પકડાઈ ગયેલાં. હેમલતા ગઢવી ઊર્ફે સોનુ નામની દહીંસરાની મહિલા આરોપી આવા જ અન્ય એક ગુનામાં અગાઉ માંડવી પોલીસે પકડી ચૂકી હતી. એકલી નીતા જ અઢી માસથી પકડાતી નહોતી!!
નોંધપાત્ર બાબત એ છે કે એકમાત્ર ૪૪ વર્ષિય નીતા પટેલ જ ‘બાહોશ’ LCBની નજરથી છટકી ગઈ હતી! બૉબ કટ વાળવાળી નીતા પટેલે નકલી પોલીસ બનીને અન્ય બે આરોપી કમલેશ દયાપ્રસાદ વર્મા અને ભગવત ઓમપ્રકાશ રાણા સાથે નકલી પોલીસ બનીને ફરિયાદીને ધમકાવીને રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે. નાસતી ફરતી નીતાએ ભુજ સેશન્સ કૉર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલી જેને ૧૮-૦૯-૨૦૨૫ના રોજ કૉર્ટે ફગાવી દીધેલી.
નીતા ઝડપથી બહાર આવી જાય તેવી શક્યતા
આ ગુનામાં ઝડપાયેલાં ચારે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થયાં બાદ સેશન્સ કૉર્ટે તમામને જામીન પર મુક્ત કર્યાં છે. તપાસ પૂરી થયાં બાદ એટલે કે ચાર્જશીટ બાદ અન્ય આરોપીઓ છૂટી ગયાં બાદ નીતા ઝડપાઈ છે. તેથી હવે નીતા સામે નિયત ૬૦ દિવસ એટલે કે બે માસના બદલે ‘ગણતરીના સમય’માં જ ઝડપથી ચાર્જશીટ રજૂ થઈ જાય તેવી પૂરી શક્યતા છે. ચાર્જશીટ રજૂ થયાં અગાઉ સહઆરોપીઓ જામીન પર છૂટી ગયાં હોવાના આધારે સમાનતાના સિધ્ધાંત (પેરિટી)ના આધારે પણ આરોપી જામીન અરજી કરવાનો અધિકાર ધરાવે છે.
Share it on
|