કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના આશાપુરાનગરમાં ગત રાત્રે હનીફ નુરમામદ સમા નામના યુવકની નાણાંની લેતીદેતીમાં થયેલી ઘાતકી હત્યાના ગુનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. ભુજ એ ડિવિઝન પોલીસે આ મામલે પ્રેસનોટ જારી કરીને જણાવ્યું છે કે હત્યાનું કારણ નાણાંની લેતી-દેતી હતું. મરણ જનાર હનીફ સમા અને આરોપી સુરેશ જોગી વચ્ચે પૈસાની લેતી-દેતી મામલે બોલાચાલી અને મારઝૂડ થયેલી. જેથી સુરેશ ત્યાંથી જતો રહેલો અને થોડીકવાર બાદ હાથમાં ધોકો લઈ આવી હનીફને ધોકો મારતાં હનીફ સ્થળ પર ઢળી પડ્યો હતો. સુરેશ પણ આશાપુરાનગરનો રહેવાસી છે. રાત્રે હનીફ તેના મિત્ર અનિલ રાજગોર અને સુરેશ પાસે ઘર નજીક બેઠો હતો.
નજીવી રકમ કેટલી તે અંગે PIનો ગોળગોળ જવાબ
હત્યા જેવા ગંભીર ગુનામાં પોલીસે તત્કાળ આરોપીની ધરપકડ કરી લીધી તે બાબત ખૂબ સરાહનીય છે. પોલીસે પ્રેસનોટમાં નાણાંની લેતી-દેતીનું કારણ જણાવ્યું છે પરંતુ તે અંગે કોઈ વિશેષ ફોડ પાડ્યો નથી.
કચ્છખબરે આ અંગે ઈન્ચાર્જ મહિલા પીઆઈ ડી.બી. લાખણોત્રાને પૂછ્યું તો તેમની પાસે કશી સચોટ માહિતી ના હોય તેમ જણાયું! પહેલાં તો કોણે કોની પાસે નાણાં માંગેલા તે અંગે પીઆઈ લાખણોત્રાએ વાહિયાત જવાબ આપ્યો કે ‘તપાસ ચાલું છે’.
પ્રેસનોટમાં લખ્યું છે તેવું યાદ કરાવ્યું તો કહે ‘હા, હનીફે સુરેશ પાસે વાપરવા માટે બસ્સો-પાંચસો રૂપિયા માંગેલા એટલે ઝઘડો થયેલો’ હનીફે સુરેશ પાસે ચોક્કસ કેટલાં રૂપિયા માંગેલા? શું હનીફ સુરેશ પાસે અગાઉ આપેલા નાણાંની ઉઘરાણી કરતો હતો? વગેરે મુદ્દે પ્રશ્ન પૂછતાં લાખણોત્રાએ એ જ જવાબ આપી ફોન કટ કરી દીધો કે ‘તપાસ ચાલું છે, કાલે રૂબરૂ આવજો’ સૌરભ સિંઘ અને રેન્જ આઈજી મોથલિયા જેવા ડેશિંગ ઑફિસરોની ટ્રાન્સફર બાદ કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના કેવા હાલ છે તે આવી ઘણી બધી ઘટનાઓ પરથી કળી શકાય છે.
Share it on
|