કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના સંજોગનગરમાં જૂની અદાવતમાં મધરાત્રે એક યુવક પર બે સગાં ભાઈએ લોખંડની પાઈપ અને ધારીયાથી ખૂની હુમલો કર્યો હોવાનો બનાવ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયો છે. ઘાયલ યુવકને માથામાં જમણી અને ડાબી બાજુ બ્રેઈન હેમરેજ થઈ ગયું છે અને હાલ તે ભુજની ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર તળે છે. ભુજના સુરલભીટ્ટ રોડ પર અંજલિનગર પાસે રહેતા ૨૨ વર્ષિય ઈર્શાદ સાલેમામદ સુરંગીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે શનિવારે રાત્રે તેની ફોઈનો દીકરો સાહિલ મીઠુ સના (રહે. ગાંધીનગરી, ભુજ) બાઈક લઈને તેના ઘેર આવેલો. બેઉ જણ ભુજની લટાર મારવા નીકળ્યાં હતાં. સંજોગનગરમાં જત ટી હાઉસ પર બે વાગ્યા સુધી બેસીને બેઉ પરત ઘરે જવા નીકળેલાં. રસ્તામાં ઈમામના ઓટલા સામે મુસ્તફાનગરવાળી શેરી પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે અભુ ઊર્ફે ચક્રી ઈસ્માઈલ સમેજા, તેનો ભાઈ મોહિન અને એક અજાણ્યો તાપણું સળગાવીને બેઠાં હતાં.
બેઉને જોઈ મોહિને ઊભાં થઈને તેમને અટકાવ્યાં હતાં. અગાઉ મોટા પીરના મેળામાં ઈર્શાદ અજાણતાં મોહિનને ભટકાઈ ગયો હતો. જેમાં મોહિન સાથે ઈર્શાદ - સાહિલનો ઝઘડો થયેલો.
આ ઝઘડાનું કારણ આગળ ધરીને મોહિને ‘મોટા પીરના મેળામાં થયેલા ઝઘડા વખતે તમને છોડી દીધેલાં, હવે શું કરવા આવ્યાં છો?’ કહી ગાળો ભાંડીને ઝઘડો શરૂ કરેલો.
મોહિન-અભુએ ઘરમાંથી પાઈપ અને ધારીયું લઈને આવી બાઈક પર બેઠેલાં સાહિલના માથામાં એક એક ઘા ફટકારી દીધેલાં. અભુએ ઈર્શાદના માથામાં પણ પાઈપ ફટકારવા પ્રયાસ કરેલો પરંતુ ઈર્શાદ હાથ આડો કરીને ઘા ચૂકાવીને નાસી ગયેલો
ગંભીર ઈજાથી સાહિલ સ્થળ પર ફસડાઈ પડ્યો હતો. થોડીકવાર બાદ ઈર્શાદ ફરી ત્યાં આવ્યો હતો અને અહીંથી પસાર થતા સાહિલના રીક્ષાચાલક મિત્ર કરીમ ત્રાયાની રીક્ષામાં તેને હોસ્પિટલે પહોંચાડ્યો હતો. મોડી રાત્રે સાહિલને ગંભીર હાલતમાં ભુજની અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. સાહિલના માથામાં બે બાજુ હેમરેજ થઈ ગયું છે અને હાલ તે બેહોશ છે. પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Share it on
|