કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ વોન્ટેડ બૂટલેગર સાથે થાર જીપમાં દારૂની ખેપ મારતી વખતે પોલીસે અટકાવતાં પોલીસ પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને જ્યુ. મેજિસ્ટ્રેટએ આપેલા જામીન સેશન્સ કૉર્ટે રદ્દ કર્યા છે. ૩૦ જૂનના બનેલી ઘટના અંગે ભચાઉ પોલીસે નીતા ચૌધરી અને બૂટલેગર યુવરાજ જાડેજા સામે ઈપીકો ક૩૦૭ (હત્યાનો પ્રયાસ) અને ૪૨૭ (નુકસાન કરવું) હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં ૩ જૂલાઈના રોજ નીતાને ભચાઉના એડિશનલ જ્યુ. મેજિસ્ટ્રેટે જામીન પર મુક્ત કરી હતી. જ્યુ. મેજિસ્ટ્રેટએ સત્તાની ઉપરવટ જઈને જામીન મંજૂર કર્યાં હોવાનું જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કે.સી. ગોસ્વામીએ નિવેદન આપતાં વિવાદ સર્જાયો હતો. પોલીસ તંત્રએ આ ચુકાદા સામે ભચાઉ સેશન્સ કૉર્ટમાં અપીલ દાખલ કરી હતી.
સરકારી અને ફરિયાદીના વકીલોએ કરી આ દલીલો
ભચાઉના અધિક સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ જામીન રદ્દ કરવા રજૂઆત કરતાં જણાવ્યું હતું કે જામીન મંજૂર કરતી વખતે જ્યુ. મેજિસ્ટ્રેટએ તે સ્ત્રી હોવાના અને બાળકની માતા હોવાના, ગુના સમયે ડ્રાઈવર સીટની બાજુમાં બેઠી હોવાના તથા ગુનામાં તેની ભૂમિકા ના હોવાના અસંબંધ્ધિત (ઈરેલવન્ટ) પરિબળોને ધ્યાને રાખ્યા છે. હકીકતમાં તેનું સંતાન પાલનપુરમાં પિતા સાથે રહે છે અને ત્યાં ભણે છે.
આરોપી ગંભીર ગુનામાં સંડોવાયેલી છે અને બનાવમાં ફરજરત પોલીસ અધિકારીઓની જીંદગી જોખમમાં મૂકાઈ હતી. જીપમાં દારૂ ભરેલો હતો અને તે મુખ્ય આરોપી સાથે બેઠી હતી તે બાબત ગુનાહિત પ્રવૃત્તિમાં તેની સક્રિય સંડોવણી દર્શાવે છે.
અરજદારે મુખ્ય આરોપીને ગેરકાયદે પ્રવૃત્તિ કરતો અટકાવવા કોઈ પ્રયાસ કર્યો નહોતો જે ગુનામાં તેની સંડોવણી દર્શાવે છે. પોલીસ કોન્સ્ટેબલ હોઈ જામીન પર મુક્ત થતાં પૂરાવા, સાક્ષીઓ, તપાસને પ્રભાવિત થવાનું જોખમ વધી ગયું છે. જામીન પર મુક્ત થયા બાદ તે નાસી જવાની આશંકા છે. ગુનો સેશન્સ ટ્રાયેબલ છે, જ્યુ. મેજિસ્ટ્રેટને જામીન આપવાની સત્તા નથી, જાતિ અને માતૃત્વના આધાર સાથે ગુનાની ગંભીરતાને પણ નજરઅંદાજ ના કરી શકાય.
બચાવ પક્ષે કહ્યું કે અરજી મેઈન્ટેનેબલ જ નથી
બચાવ પક્ષે દલીલ કરતાં જણાવ્યું હતું કે ઈપીકો કલમ ૩૦૭ના ફર્સ્ટ પાર્ટનો ગુનો છે અને મહત્તમ સજા ૧૦ વર્ષની કેદની છે તેથી જ્યુ. મેજિસ્ટ્રેટએ તેમના જ્યુરિસ્ડીક્શનનો કોઈ ભંગ કર્યો નથી. ક્રિમિનલ મેન્યુઅલ મુજબ અરજદાર જામીન રદ્દ કરવાની અરજી કરવા માટે અધિકૃત નથી તેથી આ અરજી ટકવાપાત્ર (મેઈન્ટેનેબલ) નથી. જીપમાં તે ફક્ત એક પ્રવાસીની જેમ બેઠી હતી અને ડ્રાઈવરના ઈરાદા અંગે તે માહિતગાર હતી તેવો કોઈ પૂરાવો નથી. વાહનમાં હાજરી માત્રથી ગુનામાં તેની સંડોવણી પ્રસ્થાપિત ના કરી શકાય. તે એક બાળકની માતા છે અને બાળકના હિત ખાતર કૉર્ટે જામીન રદ્દ ના કરવાનો મુદ્દો વિચારવો જોઈએ.
મેજિસ્ટ્રેટને સત્તા ખરી પણ આ મુદ્દા અવગણ્યાં
બંને પક્ષની લંબાણભરી દલીલો, દલીલોના સમર્થનમાં બંને પક્ષે ટાંકેલા ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદા, કાયદાકીય જોગવાઈઓ વગેરેને અનુલક્ષીને ભચાઉના ત્રીજા અધિક સેશન્સ જજ અંદલિપ તીવારીએ જણાવ્યું કે જ્યારે કોઈને ઈજા થઈ ના હોય તેવા કેસમાં ઈપીકો કલમ ૩૦૭ હેઠળ જ્યુ. મેજિસ્ટ્રેટને જામીન આપવાની સત્તા છે અને તે રીતે તેમણે જામીન મંજૂર કરીને તેમના જ્યુરીસ્ડિક્શનનો કોઈ ભંગ કર્યો નથી. પરંતુ તેમણે કેસના સંજોગો અને હકીકતને સમગ્રતયા જોવાના બદલે CrPC ૪૩૭ની જોગવાઈને જ એકમાત્ર ધ્યાને રાખી હતી.
જ્યુ. મેજિસ્ટ્રેટએ એ બાબત અવગણી હતી કે આરોપી પોલીસ કોન્સ્ટેબલ છે અને તે વિવિધ ગુનાઓમાં એવા વોન્ટેડ વ્યક્તિ સાથે ભેગી હતી જેણે ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારીઓ પર ગાડી ચડાવવા પ્રયાસ કરેલો.
ખરેખર તો તેને અટકાવવો જોઈતો હતો, તેના બદલે તેને ગુનામાં મદદ કરેલી. આ સંજોગોમાં બિન જામીનપાત્ર ગુનામાં તે સ્ત્રી હોવાના આધાર પર જ્યુ. મેજિસ્ટ્રેટએ તેમને મળેલા વિવેકાધીન અધિકારો (ડિસ્ક્રેશનરી પાવર્સ)નો ઉપયોગ કરવો જોઈતો નહોતો.
વિદ્વાન મેજિસ્ટ્રેટની ફરજ હતી કે વ્યક્તિગત અધિકાર અને સામાજિક હિત વચ્ચે સચોટ સંતુલન સાધે પરંતુ આ કેસમાં તેમણે સામાજિક હિતને પ્રાથમિક્તા આપી નહોતી અને જામીન આપતી વખતે અસંબંધ્ધ પરિબળોને ધ્યાને રાખેલાં, જેથી સમાજમાં કાયદાના શાસન (રૂલ ઑફ લૉ) પર દુષ્પ્રભાવ પડ્યો.
સેશન્સ જજે ગુનાનો ગંભીર પ્રકાર, આરોપીની સક્રિય સંડોવણી, પૂરાવા સાથે ચેડાં થવાનું તથા આરોપી નાસી જવાના સંભવિત જોખમોને અનુલક્ષીને જામીન રદ્દ કરી આરોપીને કસ્ટડીમાં લેવા હુકમ કર્યો છે. કૉર્ટે અરજી ટકવાપાત્ર ના હોવા સહિતની દલીલોને ફગાવી દીધી છે. કેસમાં મૂળ ફરિયાદી તરફે એડવોકેટ એચ.બી. વાઘેલાએ પણ હાજર રહી દલીલો કરી હતી.
Share it on
|