કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના બીટા વલાડિયા ગામે ખોટાં પેઢીનામા અને સોગંદનામા, સાક્ષીઓની મદદથી એક પરિવારે પારકી જમીનમાં બારોબાર વારસાઈ કરાવી લીધી હોવાનો બનાવ બહાર આવ્યો છે. અંજાર પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંજારના બીટા વલાડિયાના ૬૭ વર્ષિય મઘાભાઈ (મગાભાઈ) કાનાભાઈ સવાભાઈ કોઠીવારે ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ગામના સર્વે નંબર ૧૧૭ની હેક્ટર ૨-૩૧-૨૧ આરે જૂની શરતની ખેતીની જમીન ધરાવે છે. ચોપડે જમીન માલિક તરીકે તેમનું નામ મગા કાના કોઠીવાર ચાલે છે. એક વર્ષ અગાઉ તપાસ કરતાં ફરિયાદીના ધ્યાને આવ્યું હતું કે તેમનું મૃત્યુ ના થયું હોવા છતાં તે ૧૦-૦૫-૨૦૨૧ના રોજ મૃત્યુ પામ્યાં હોવાનું જાહેર કરાઈ તેમના સંતાનો તરીકે રમેશ મંગા કોઠીવાર, લક્ષ્મણ મંગા કોઠીવાર, લખીબેન મંગા કોઠીવાર અને બબીબેન W/o મંગા કોઠીવાર (રહે. તમામ રવેચીનગર, અંતરજાળ, આદિપુર)ના નામની તેમની માલિકીની જમીનમાં વારસાઈ નોંધ પડી ગયેલી અને પ્રમાણિત થઈ ગયેલી. આરોપી પરિવારે ખોટું પેઢીનામું, સોગંદનામું પણ રજૂ કરેલું જેમાં પંચ તરીકે જશવંતગર ચમનગર ગોસ્વામી (રહે. ચિત્રકૂટ સોસાયટી, અંજાર) તથા ધીરજભાઈ લાલજીભાઈ સુથાર (રહે. નયા અંજાર)એ સહીઓ કરીને ઓળખ આપેલી.
મરણ જનાર મંગા કાના કોઠીવારનું નામ અને ફરિયાદીનું નામ હળતું મળતું આવતું હોઈ ખોટાં દસ્તાવેજોથી વારસાઈ કરાવી જમીન પચાવી પાડવાના ઈરાદે કાવતરું ઘડાયું હોવાનું તેમણે જણાવ્યું છે.
અંજાર પોલીસે ઈપીકો કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ અને ૧૨૦-બી તળે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.
Share it on
|