કચ્છખબરડૉટકોમ, ભુજઃ 20થી ઓછાં વિદ્યાર્થી ધરાવતાં ધોરણ 6 અને 7 જેવા ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના વર્ગો બંધ કરી નજીકના 3 કિલોમીટરની અન્ય શાળામાં મર્જ કરવા રાજ્યના શિક્ષણ વિભાગે ઠરાવ કર્યો છે. જે ઠરાવ મુજબ કચ્છમાં 179 શાળા બંધ કરાશે. 3 નવેમ્બરથી શરૂ થયેલી પ્રક્રિયા 30 નવેમ્બરે સંપન્ન થઈ જશે. ત્યારે, કચ્છના સંસદ સભ્ય વિનોદ ચાવડાએ આ અંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર પાઠવી અને ટેલિફોનિક રજૂઆત કરી આ નિર્ણય અંગે પુનઃ વિચાર કરવા જણાવ્યું છે. કચ્છ જિલ્લા શૈક્ષણિક મહાસંઘ તરફથી મળેલી રજૂઆતના આધારે ચાવડાએ શિક્ષણમંત્રીને જણાવ્યું છે કે ભૌગોલિક દ્રષ્ટિએ દેશના સૌથી મોટા કચ્છ જિલ્લામાં છૂટાં-છૂટાં ગામડાઓ, વાંઢો અને વાડી વિસ્તારમાં પશુપાલન અને કૃષિ આધારીત લોકોનો વસવાટ છે. જો ધોરણ છ અને સાતના વર્ગો અન્યત્ર ખસેડવામાં આવશે તો નાના બાળકોને હાલાકી થશે. ધોરણ છથી સાતમાં ભણતાં બાળકોના સથવારે અને સહારે તેમના ભાઈ-બહેનો પણ શાળાએ જતાં હોય છે. તેમના શિક્ષણ પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. ખાસ કરીને, નાની દીકરીઓ ભણતરથી વંચિત રહેશે અને છાત્રોનો ડ્રોપ આઉટ રેશિયો વધે તેવી દહેશત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રત્યેક શાળાઓમાં શૌચાલય, સ્વચ્છતા અને ભણતર ઉચ્ચ કોટિનું રહે તેવું આહ્વાન કરેલું છે. રાજ્ય સરકાર પણ કોઈપણ બાળક શાળા શિક્ષણથી વંચિત ના રહે તે માટે પ્રતિબધ્ધ છે ત્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગ પણ આ ઠરાવ બાબતે પુનઃ વિચારણા કરી શિક્ષણના હિતમાં સકારાત્મક વિચારે તેવી અપીલ સાંસદે કરી છે.
અબડાસા-લખપતમાં દોઢ મહિનો રહેલાં ભુપેન્દ્રસિંહ બધું ભૂલી ગયાં?
એકતરફ, દેશના ગૃહમંત્રી અમિત શાહ ધોરડોમાં સરહદી વિસ્તારના વિકાસનો ઉત્સવ મનાવી સીમાવર્તી વિસ્તારોના વિકાસ માટે કેન્દ્ર સરકાર કટિબધ્ધ હોવાના દાવા કરી ગયાં. બીજી તરફ, આ જ ભાજપની રાજ્ય સરકાર ઓછાં છાત્રોના બહાને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના વર્ગો બંધ કરવા કટિબધ્ધ છે. અબડાસાની ચૂંટણી ટાણે કચ્છમાં દોઢ મહિનો કેમ્પ કરી ગયેલાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અબડાસા અને લખપતનો ખૂણે-ખૂણે ફેંદી નાખ્યો હતો. અંતરિયાળ વિસ્તાર કેવા હોય તેનો જાત અનુભવ લઈ ચૂક્યાં છે. પરંતુ, તેમણે પણ કચ્છના શિક્ષણ સંઘોની આ અંગે થયેલી અગાઉની રજૂઆતો કાને ધરી નથી. લાગે છે કે આ મંત્રીમહોદયને ખાલી ચૂંટણી જીતાડવાની તડ-જોડમાં જ રસ હતો. જો કે, હવે તેમની જ પાર્ટીના સાંસદે કરેલી રજૂઆતને તે ગણકારે છે કે નહીં તે જોવું રહ્યું. બાકી સાંસદની રજૂઆત જ સ્વયંસ્પષ્ટ છે કે સરહદી અને વિશિષ્ટ કચ્છને ગુજરાતના અન્ય જિલ્લાઓની સાથે એક લાકડીએ હાંકી ના શકાય. કચ્છ એક સ્પેશિયલ કેસ છે. જે તાલુકાઓમાં ધોરણ છ-સાતના વર્ગો બંધ થવાના છે તેમાં 45 રાપરના, 31 ભચાઉના, 28 ભુજના, 20 માંડવીના, લખપત-અબડાસાના 15-15 અને અંજાર-નખત્રાણાના 7-7 વર્ગોનો સમાવેશ થાય છે. શિક્ષણ બાળકનો મૂળભૂત અધિકાર છે. તે સેવા છે અને તેમાં નફા-નુકસાનના સરવાળા-બાદબાકી ના કરાય તેટલું સાદું ગણિત સરકારને નહીં આવડતું હોય?
Share it on
|