click here to go to advertiser's link
Visitors :  
19-May-2024, Sunday
Home -> Vishesh -> Water shortage may become intensive in Bhuj within few days Read more
Sunday, 07-Apr-2024 - Bhuj 41011 views
પાઈપલાઈનમાં ગાબડાંથી ભુજમાં ‘છપ્પનિયા દુકાળ’ જેવી હાલત સર્જાવાની ભીતિ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ એકમાત્ર નર્મદા પાઈપ લાઈન પર આધાર રાખતાં થયેલાં ભુજમાં ભયંકર જળસંકટની પરિસ્થિતિ સર્જાઈ છે. છેલ્લાં પાંચ દિવસથી ભુજોડી પાસે નર્મદા લાઈનમાં ભંગાણ સર્જાતાં શહેરને મળતો પાણીનો પુરવઠો ઠપ્પ થઈ ગયો છે. લાખ્ખો લોકો પાણી વગર ટળવળી રહ્યાં છે. એક-બે દિવસ તો પાણી વગર કાઢ્યાં પરંતુ જે લોકોના ઘરમાં અંડરગ્રાઉન્ડ ટાંકા હતા તે ખાલી થવા આવ્યાં. કેટલાંકે ટેન્કરના બેથી અઢીગણાં ભાવ વધુ ચૂકવી પાણી મેળવ્યું અને કરકસરથી વાપર્યું. ખરી કટોકટી હવે શરુ થઈ છે.

જો સોમવારથી જળ વિતરણ શરૂ ના થાય તો ભુજમાં છપ્પનિયા દુકાળ જેવી હાલત સર્જાવાની આશંકા છે. જળ કટોકટી નિવારવા તત્કાળ ધોરણે અન્ય શહેરોમાંથી પાણી ભરેલી ટ્રેનો દોડાવવી પડે તેવી ઈમરજન્સી સર્જાવાની આશંકા છે. કારણ કે, લાખોની વસતિમાં ઘરોઘર પંદર વીસ ટેન્કરથી પાણી પહોંચાડી શકાય તેમ નથી.

દૂરંદેશની અને બેદરકારીના કારણે ભુજ તરસ્યું

૨૦૦૩થી નર્મદા પાઈપ લાઈન વાટે કચ્છને પેયજળ મળવાની શરૂઆત થતાં કચ્છના પીવાના પાણીનો પ્રશ્ન મહદઅંશે ઉકેલાઈ ગયો હતો. પરંતુ, નર્મદાના નીર ના મળે અથવા પાકિસ્તાન સાથેના યુધ્ધ, ભૂકંપ વગેરે જેવી આફત વખતે પાઈપ લાઈન તૂટી જાય તો શું કરવું? તેનું પૂર્વઆયોજન કોઈએ ના વિચાર્યું. પાઈપ લાઈનના કારણે અગાઉ જે કૂવા અને તળાવો જેવા લોકલ સોર્સ હતા તેને પણ ભૂલી જવાયાં. વસતિ વધતી ગઈ, લોકલ સોર્સ વિસરાતાં ગયાં અને અચાનક હવે ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે.

ઠેર ઠેર ભ્રષ્ટાચાર પણ નડી રહ્યો છે

ઘણાં વર્ષો અગાઉ લોકલ સોર્સના નામે ભારાપર નજીક બોર ખોદવામાં આવેલાં. તેમાં કરોડો રૂપિયા પાણીની જેમ વહાવાયાં. પરંતુ બોરમાંથી પાણીના બદલે કાદવ જ નીકળ્યો! હદ તો ત્યાં થઈ કે કાદવને નીચોવી પાણી કાઢવાનું ટેન્ડર સુધ્ધાં આપવાના ખેલ થયાં પરંતુ આખરે આખી યોજના પડતી મૂકાઈ.

પાણીની મોંકાણ આખરે સર્જાઈ કેમ?

ભુજને ભુજોડી પાસેથી જે લાઈન મારફતે પાણી પહોંચાડાય છે તે પાઈપલાઈન ૯૦૦ ડાયામીટરની છે. ભંગાણ બાદ યુધ્ધના ધોરણે બે દિવસમાં લાઈન રીપેર તો કરાઈ પરંતુ લાઈન જ્યાંથી પસાર કરાઈ છે તે ભુજોડી ઓવરબ્રિજ પર ફરી ભંગાણ સર્જાયું. પાલિકાની વોટર સપ્લાય સમિતિના ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું કે ’નબળા બ્રિજમાં પાણીના લીકેજથી એક બાજુનો બ્રિજ બેસી જવાનું જોખમ સર્જાતાં આ લાઈન તત્કાળ બંધ કરવી પડી. આ લાઈનના વિકલ્પે પાલિકાને અમૃત યોજના તળે નાખેલી ૫૦૦ ડાયામીટરની પાઈપ લાઈન યાદ આવી તત્કાળ તેમાં જોડાણ કરી પાણી વહાવાયું. પરંતુ જેવું પાણી વહ્યું કે ૧૨થી ૧૩ જગ્યાએ પાણીનો ધોધ વહેવા માંડ્યો!!’ કારણ ઉપયોગના અભાવ તેમજ ભ્રષ્ટાચારના કારણે નબળી પાઈપ લાઈન ઠેર ઠેર વિવિધ કારણોસર લીકેજ થવા માંડી હતી. ઠક્કરે ઉમેર્યું કે જૂની ૯૦૦ ડાયામીટરવાળી લાઈન હવે કાર્યરત થતાં બેથી ત્રણ મહિના વીતી જશે. ૫૦૦ ડાયામીટરવાળી લાઈનમાં લીકેજ પર સાંધા દઈને ગમે તે રીતે આજે ભુજીયા સમ્પ સુધી પાણી પહોંચાડવા કવાયત કરાઈ છે.

ટેન્કર માટે જનતાની ઠેર ઠેર દોડધામ

પાંચ દિવસથી પાણીના અભાવે ટળવળતી જનતાએ ટેન્કરો વાટે ટાંકા ભરવાનું શરૂ કર્યું છે. પરિણામે ભુજમાં ટેન્કરરાજ આવી ગયું છે. પાલિકા હસ્તકના ૭ ટેન્કર હાંફી જતાં કલેક્ટરની મધ્યસ્થીથી વધુ ૮ ટેન્કર જોડી ૧૫ ટેન્કર મારફતે પાણી પહોંચાડવા પ્રયાસો કરાઈ રહ્યાં છે. પરંતુ, વસતિની સંખ્યા સામે આ ૧૫ ટેન્કર કેટલાં લોકોની તરસ છીપાવી શકે તે બે ચોપડી પાસ માણસ પણ વગર કીધે સમજી જાય. ઠક્કરે કહ્યું કે ’ટેન્કર વાટે મફત પાણી વિતરણ થાય છે’ પરંતુ, આ વિતરણમાં વહાલાં દવલાંની નીતિ વધુ ભાગ ભજવી રહી છે. જરૂરતમંદ અને સ્વમાનથી જીવતાં લોકો ગમે તેવા લોકોનો ’ટેન્કરરૂપી ઉપકાર’ માથે લેવાના બદલે ગાંઠના પૈસા ચૂકવી ટેન્કર મગાવી રહ્યાં છે. જો કે, ડિમાન્ડ વધતાં હવે ખાનગી ટેન્કરવાળાઓ પણ સાતસોથી આઠસો રૂપિયા સુધીનો બેથી અઢી ગણો ચાર્જ વસૂલી રહ્યાં છે.

ખરેખર કાલથી પાણી વિતરણ શરૂ થશે?

પાલિકા આવતીકાલથી ધીમે ધીમે પાણી વિતરણ શરૂ થઈ જવાની આશા વ્યક્ત કરે છે પરંતુ જાણકારોને તેમાં શંકા લાગે છે. ત્રણેક વૉર્ડમાં નર્મદાના એરવાલ્વથી પાણી મળતું હોઈ સમસ્યા ગંભીર નથી પરંતુ બાકીના તમામ વૉર્ડની જનતા ચાતકની જેમ પાણીની રાહ જોઈ રહી છે.

છેલ્લાં દોઢ દાયકાથી ભુજનો વિકાસ ઠપ્પ

વાયબ્રન્ટ સરકાર, ગતિશીલ સરકાર, ડબલ એન્જિન સરકારના નારા આપીને પાલિકાથી લઈ સંસદ સુધી ભાજપના નેતાઓ જનતાના પ્રતિનિધિ બની જાય છે. હકીકત એ છે કે ૨૦૦૧ના ભૂકંપ બાદ દેશ-વિદેશની સરકારો અને સંસ્થાઓની જે આર્થિક સહાય મળી તેમાંથી ભુજ શહેરે અચાનક રીંગરોડ, ગાર્ડન, રીલોકેશન સાઈટ્સ વગેરેના નવા વાઘા સજ્યાં. પરંતુ, વિકાસના ઢોલના નામે માંહે પોલંપોલ હતું તે હવે ખૂલી રહ્યું છે. પાણી વિતરણની ક્યાં માંડો છો, શહેરને સ્ટ્રીટલાઈટ અને વોટર વર્કસના વીજ બિલ પેટે કરોડો રૂપિયાના ચૂકવણાં વર્ષોથી બાકી છે અને દર વર્ષે ચઢતાં જાય છે. ભૂકંપમાં જર્જરિત પચ્ચીસથી વધુ ઈમારતો મોતના માંચડાની જેમ યથાવત્ છે, તેને પાડી દેવા માટે કોઈ નિર્ણય થતો નથી. ભૂકંપ બાદ બનેલાં રીંગરોડ જર્જરિત થઈ ગયાં છે પરંતુ મરામતના નામે તંત્રો વર્ષોથી એકમેકને ખો આપે છે. ભૂકંપમાં જર્જરિત નગરપાલિકાની નવી ઈમારત આજે અઢી દાયકે પણ અસ્તિત્વમાં આવી નથી. છતાં વાતો વિકાસની થાય છે. યથા પ્રજા તથા રાજા (જેવી જનતા તેવો રાજા), ભોગવો તમતમારે, બીજું શું.

Share it on
   

Recent News  
માધાપરના યુવકને મરવા મજબૂર કરનાર હનીટ્રેપકાંડની નાયિકાની જામીન અરજી નામંજૂર
 
ધાણેટી નજીક ટ્રકે પેટ્રોલ પંપ પર અચાનક ટર્ન મારતાં મોપેડસવાર દંપતી કચડાઈ ગયું
 
ફાયર NOC વગર ચાલતાં ભુજના સિનેમાગૃહમાં સ્હેજમાં ભીષણ ‘ઉપહારકાંડ’ થતો અટકી ગયો