click here to go to advertiser's link
Visitors :  
19-May-2024, Sunday
Home -> Vishesh -> Mundra Sopari Todkand Range IG is determind to clear up all the mess
Tuesday, 17-Oct-2023 - Bhuj 54719 views
સોપારી તોડકાંડઃ ભલે નાહક છાંટા ઉડે પણ રેન્જ IG કોઠીનો કાદવ સાફ કરવા તત્પર
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) મુંદરાના ચકચારી સોપારી તોડકાંડમાં કેટલાંક લોકો દ્વારા સીધો રેન્જ આઈજી સામે અંગુલિનિર્દેશ કરાઈ રહ્યો છે. પરંતુ, કેટલીક હકીકતો એવી છે કે જે નજર સામે હોવા છતાં લોકોની ‘નજરે’ ઝટ ચઢતી નથી.

♦કોઈ છાપાંનો પત્રકાર મોટો તોડ કરતો ઝડપાય તો સહજપણે એવી શંકા ઊભી થાય કે તેના તંત્રી કે માલિકની જાણબહાર આટલો મોટો તોડ કરવાની હિંમત થોડી કરી શકે? બસ, આ જ આધાર પર એ તર્ક અને શંકાને વ્યક્ત કરાય છે કે રેન્જ આઈજીની જાણબહાર સામાન્ય પોલીસ કર્મીઓ આટલી મોટી રકમનો તોડ કરવાની હિંમત થોડી કરી શકે? પરંતુ, આ કેવળ આધારહિન તર્ક છે, પાયા વગરનો વહેમ છે.

હિત ધરાવતી ચોક્કસ લૉબી દ્વારા તેમાં ભરપૂર હવા ભરવામાં આવી રહી છે. આ મામલે વરિષ્ઠ અધિકારીને શંકાના દાયરામાં લાવી તેમની છાપ ખરડવા પ્રયાસો કરાઈ રહ્યાં છે.

સમગ્ર પ્રકરણમાં જે રીતે પગલાં લેવાયાં છે તે જોતાં આ તર્ક અને શંકા સ્પષ્ટ રીતે આધારવિહોણાં જણાય છે. થોડાંક સમય અગાઉ એક પોલીસ ઈન્સ્પેક્ટરને ફરિયાદ દાખલ કરવા પેટે પાંચ લાખની લાંચ લેતાં એસીબીએ ટ્રેપ કરી રંગેહાથ ઝડપેલો. અગાઉ જણાવેલા તર્ક મુજબ કોઈપણ વ્યક્તિ સહજ રીતે એવી શંકા કરી શકે કે પીઆઈ DySP કે SPની જાણબહાર આટલો મોટો તોડ કરવાની થોડી હિંમત કરી શકે? પરંતુ, વાસ્તવિક્તા એ છે કે તેમાં વડા અધિકારીઓને કશી ખબર નહોતી. 

♦ઝડપાયેલાં કર્મચારીઓ રેન્જ આઈજી હસ્તક આવતાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ છે. જે લોકો સીધી રેન્જ આઈજી સામે આંગળી ચીંધે છે તે લોકો સિફતપૂર્વક એ વાત જણાવતાં નથી કે આ પોલીસ કર્મચારીઓ સાયબર પોલીસ સ્ટેશનના PSI અને PIના તાબા હેઠળ ફરજ બજાવતાં હતાં. શા માટે તેઓ તોડકાંડમાં PSI અને PIની સામેલગીરીનો તર્ક આપવાના બદલે સીધો રેન્જ આઈજી સામે અંગુલિનિર્દેશ કરે છે? દેખીતું છે કે રેન્જ આઈજીને ટાર્ગેટ કરવામાં આવે છે

♦રેન્જ આઈજી મોથલિયા જ્યારથી કચ્છમાં ફરજ પર હાજર થયાં ત્યારથી તેમની કાર્યપ્રણાલિ એકદમ સ્પષ્ટ અને નિયમ મુજબની રહી છે. મોથલિયા તેમના હસ્તકના ચાર જિલ્લાના એસપી કે બહુ બહુ તો સંબંધિત DySP સિવાય તેની નીચેની રેન્કના પોલીસ ઈન્સ્પેક્ટર સાથે પણ કામ બાબતે ફોન પર કોઈ સૂચના આપવા વાત કરતાં નથી.

કોઈ સૂચના આપવી હોય તો તે ઑફિસિયલી SP કે DySPને સૂચના આપે છે. ચારે જિલ્લાના પીઆઈઓને આ વાતની ખબર જ છે.

ત્યારે, સાયબર ક્રાઈમ પોલીસ મથકના ASI અને હેડ કોન્સ્ટેબલોએ કરેલાં તોડકાંડમાં સીધો તેમની સામે જ થઈ રહેલો અંગુલિનિર્દેશ તેમની ઈમેજ ખરડીને, દબાણમાં લાવી તેમની સૂચનાથી થઈ રહેલી કડક કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાનો હોય તેવું સ્પષ્ટ જણાય છે.

♦આરોપી પંકિલ મોહતાએ તપાસ અધિકારીને આપેલાં એક નિવેદનની કોપી થોડાંક સમય અગાઉ સોશિયલ મીડિયામાં ફરતી કરાયેલી, જેમાં રેન્જ આઈજીના નામનો ઉલ્લેખ કરાયેલો. પંકિલ મોહતાએ ૨૦૧૬માં ગાંધીધામમાં બેફામ રીતે કાર હંકારીને ત્રણ ત્રણ લોકોને કાર નીચે કચડી મારી નાખેલાં જેમાં તેને કૉર્ટે સાત વર્ષની સજા ફટકારેલી. તાજેતરમાં મહારાષ્ટ્રમાં દાખલ થયેલાં સટ્ટાને લગતાં ગુનામાં પણ પંકિલની સંડોવણી સામે આવી છે. તોડકાંડને સાંકળતા વિવિધ પાત્રોની વાતચીતની દુબઈ બેઠેલાં તેના પિતાએ કહેવાતી ઑડિયો ક્લિપ માર્કેટમાં ફરતી કરેલી તે સાંભળતાં આ લોકો એકમેક સાથે સાચાં-ખોટાં બિઝનેસમાં કેવી ગાઢ રીતે સંકળાયેલાં છે તેનો પણ કાચો પાકો અંદાજ આવે છે.

રેન્જ આઈજી પર દોષારોપણ કરતા આવા કુખ્યાત આરોપીના સ્ટેટમેન્ટ પર જ સંદેહ સર્જાય છે. આવા નિવેદનનું કેટલું વજૂદ? કયા હેતુથી તેને માર્કેટમાં ફરતું કરાયું?

♦આઈજીની ઈમેજ ખરડવા તત્પર લોકો ખાલી તર્ક અને અટકળોના બદલે કેમ મજબૂત પૂરાવાનો હવાલો આપતાં નથી?

♦એક તબક્કે માની લો કે તોડકાંડમાં તાબાના કર્મચારીઓ સાથે કોઈ ઉચ્ચ અધિકારીની સંડોવણી હોય અને વિવાદ સર્જાય તો ઉચ્ચ અધિકારી શું કરે? મામલો ગમે તે રીતે રફેદફે કરી દે. પણ આ કેસમાં વિભાગીય તપાસ બાદ રેન્જ આઈજીની સૂચનાથી FIR દાખલ કરાઈ છે.

♦તોડમાં ગયેલાં રૂપિયા પાછાં મળી ગયાં બાદ અનિલ પંડિત તો ફરિયાદ નોંધાવવા તૈયાર જ નહોતો છતાં ‘સમજાવટ’ કરાઈ મામલો સત્તાવાર રેકર્ડ પર લવાયો છે. ફરિયાદી FIR કરવા તૈયાર નથી તેવું તેનું નિવેદન લઈ મામલો પતાવી દેવાયો ના હોત? પણ તેમ નથી થયું. સત્તાવાર FIR દાખલ કરાઈ છે.

♦ફરિયાદ દાખલ થયાં બાદ કેમ અચાનક દુબઈથી ફરતી થતી ઑડિયો ક્લિપ અને સંદેશાઓ બંધ થઈ ગયાં? મનમાં પ્રશ્ન નથી ઉઠતો? 

♦૨૭ જૂને અનિલ પંડિતે રેન્જ આઈજીને તોડકાંડ મામલે અરજી આપી હોવાની જાણ થતાં જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ચારે પોલીસ કર્મચારી નિયમ વિરુધ્ધ બારોબાર માંદગીની રજા પર ઉતરીને અંડરગ્રાઉન્ડ થઈ ગયાં હતાં. એક સપ્તાહ બાદ ચારેની સસ્પેન્ડ કરી ડાંગમાં બદલી કરી દેવાઈ હતી. ત્યારબાદ આરોપીઓ દ્વારા ડાંગ હેડક્વાર્ટરમાં હાજર થવાનો રીપોર્ટ રજૂ કરાયેલો પરંતુ ત્યાં ફરજ પર હાજર થયાં નહોતાં. આમ, સોપારી તોડકાંડમાં ચારેય પોલીસ કર્મચારીઓ જૂનથી લઈ અત્યારસુધી સતત ભાગતાં રહ્યાં છે! ડાંગ પોલીસ દ્વારા આરોપીઓના ઘેર ફરજ પર હાજર થવા સતત નોટીસ પાઠવાઈ રહી છે.

♦પોલીસ કર્મચારીઓ સતત નાસતાં ફરતાં હોવા છતાં ઈરાદાપૂર્વક એવી વાતો કોણે ફેલાવી કે તેઓ ડાંગમાં હાજર થઈને નોકરી કરે છે?

♦હજુ આ મામલે ઘણાં ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની સંભાવના છે. કારણ કે, આરોપી પોલીસ કર્મચારીઓ પૈકી કેટલાંક તો વર્ષોથી રેન્જમાં પેંધા પડીને તોડ કરી ખાતાં હતાં. ભૂતકાળમાં તેમનાં કાંડ બહાર આવેલાં પરંતુ એક જ થાળીમાં ખાધું હોઈ કેટલાંક અધિકારીઓએ તે મામલે સત્તાવાર કાર્યવાહી કરવાના બદલે આવા મામલા ફાઈલોમાં દબાવી રાખેલાં.

♦તોડકાંડમાં સામેલ કેટલાંક પોલીસકર્મીની સંપત્તિ તો કોઈ સિનિયર IPSની પણ ના હોય તેટલી હોવાનું ચર્ચાય છે

♦સૂત્રોના દાવા મુજબ આરોપીઓ પોતે પોલીસ કર્મચારીઓ છે, તેમના પ્રત્યે સોફ્ટ કોર્નર ધરાવતાં કે ભૂતકાળમાં તેમની સાથે ભેગાં મળીને ખાધું હોય તેવા પોલીસ અધિકારીઓ તરફથી તેમને મદદ મળી રહી હોય તેવી શંકા અસ્થાને નથી. તેઓ નાસતાં ફરે છે તે બાબત જ એવું માનવા પ્રેરે છે કે ગુનામાં તેમની મજબૂત સંડોવણી હોઈ શકે છે.

♦ગમે તે રીતે રેન્જ આઈજીની છાપ ખરડીને, તેમની બદલી ના થાય ત્યાં સુધી ભાગતાં રહેવું અને જેવી બદલી થાય કે તરત સેટીંગ કરી હાજર થઈ જવું તે વ્યૂહ હોઈ શકે છે. આમે’ય રેન્જ આઈજીને એક જ રેન્જમાં ત્રણ વર્ષનો નિશ્ચિત ફરજકાળ પૂર્ણ થઈ ગયો છે, ચૂંટણીઓ આવી રહી છે એટલે તેમની બદલી હજાર ટકા નિશ્ચિત છે. જો રેન્જ આઈજીની બદલી થઈ ગઈ તો વગદાર અને પૈસાદાર આરોપીઓ ગમે તે રીતે મામલો રફેદફે કરવા સક્ષમ છે. મુદ્દો એટલો જ છે કે શું બદલી થતાં પહેલાં આઈજી કોઠીમાં રહેલો બધો કાદવ સાફ કરી શકશે?

રેન્જ આઈજીનું વલણ જોતાં ગમે તે રીતે કોઠીમાંનો બધો કાદવ સાફ કરવા તે કૃતનિશ્ચયી જણાય છે. 
Share it on
   

Recent News  
માધાપરના યુવકને મરવા મજબૂર કરનાર હનીટ્રેપકાંડની નાયિકાની જામીન અરજી નામંજૂર
 
ધાણેટી નજીક ટ્રકે પેટ્રોલ પંપ પર અચાનક ટર્ન મારતાં મોપેડસવાર દંપતી કચડાઈ ગયું
 
ફાયર NOC વગર ચાલતાં ભુજના સિનેમાગૃહમાં સ્હેજમાં ભીષણ ‘ઉપહારકાંડ’ થતો અટકી ગયો