click here to go to advertiser's link
Visitors :  
11-Jul-2025, Friday
Home -> Rapar -> Three booked for land scam in Adesar Police Station Rapar
Wednesday, 23-Oct-2024 - Aadesar 42776 views
મુંબઈ રહેતા ભાઈ-બહેનના બોગસ આધાર કાર્ડ બનાવી લગડી જેવી જમીનની બારોબાર વેચસાટ
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના આડેસરમાં જમીન માલિક ભાઈ બહેનના બોગસ આધારકાર્ડ અને દસ્તાવેજો મારફતે જમીનની વેચસાટ કરાઈ હોવાના મામલે પોલીસે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે. જમીન પરથી પસાર થતી વીજ લાઈનના નુકસાનનું વળતર મેળવવા માટે બાજુમાં જમીન ધરાવતાં શખ્સે જ આખું કૌભાંડ આચર્યું હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.

આડેસરના રેવન્યૂ સર્વે નંબર ૬૦૧ પૈકી ૨વાળી ૨ હેક્ટર ૪૭ આરે ૮૭ ચોરસ મીટર જમીન હરીશ કાન્તિલાલ પૂજ (રહે. મૂળ ચિત્રોડ, હાલે. મુંબઈ) અને તેમના બહેન જયશ્રીબેન (રહે. મુંબઈ)ના નામે નોંધાયેલી છે. આ જમીન પરથી લાકડીયા બનાસકાંઠાની વીજલાઈન પસાર થતાં  ૨૦૨૧માં ભચાઉ નાયબ કલેક્ટરે નુકસાન વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

જમીન માલિકો મુંબઈ વસવાટ કરતાં હોઈ તેમને આ બાબતની ખબર નહોતી. જેથી તેમના ખેતરની બાજુમાં જમીન ધરાવતા કરસન ભુરા મકવાણાએ હરીશ અને જયશ્રીબેનના નામના બોગસ ફોટો સાથેના નકલી આધારકાર્ડ બનાવડાવી જૂલાઈ ૨૦૨૨માં ૧ હેક્ટર ૧ આરે ૧૭ ચો.મી. જમીનનો પોતાના નામે ખરીદ વેચાણનો દસ્તાવેજ બનાવી દીધો હતો.

જેમાં હરીશ અને જયશ્રીના નામની ખોટી ઓળખ આપી સાક્ષી તરીકે આડેસરના ભલાભાઈ વસાભાઈ ભરવાડ અને આશિષસિંહ રામનારાયણસિંહ (રહે. મઉં, યુપી)એ સહીઓ કરી હતી. વળતરની રકમ ઓળવી જવાના આશયથી કરસને આખું ષડયંત્ર રચેલું.

એક વર્ષ બાદ જૂન ૨૦૨૩માં કરસને આ જમીન આડેસરના જેમલ ખીમા ગોપારા બાયડને વેચીને નોંધ પડાવી લીધી હતી. આ અંગે હરીશને ખબર પડતાં તેમણે ભચાઉ પ્રાંત અધિકારી સમક્ષ વાંધા અરજી દાખલ કરેલી. અધિકારીએ નોંધ નામંજૂર કરી હતી. માર્ચ ૨૦૨૪માં વળી જેમલે આ જમીન ફરી કરસનને વેચી તેની નોંધ પડાવી હતી.

મુંબઈ સ્થાયી થયેલાં હરીશે આ ષડયંત્ર સામે લડવા માટે દિનેશભાઈ મહેતાને પાવર ઑફ એટર્ની લખી આપેલી. દિનેશભાઈએ આ મામલે રાપર જ્યુ. મેજિસ્ટ્રેટ કૉર્ટમાં ફોજદારી તપાસ અરજી દાખલ કરેલી. કૉર્ટે આ મામલે પોલીસને ફોજદારી ફરિયાદ નોંધી તપાસ કરવા હુકમ કર્યાં બાદ આડેસર પોલીસે કરસન મકવાણા, ભલાભાઈ ભરવાડ અને આશિષસિંહ સહિત તપાસમાં જેની સંડોવણી નીકળે તેમની સામે ગુનાહિત કાવતરું રચીને બોગસ આધાર દસ્તાવેજો મારફતે જમીનની વેચસાટ કરીને છેતરપિંડી કરવા સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો છે.

Share it on
   

Recent News  
પાવર સરપ્લસ સ્ટેટના બણગાં! કચ્છમાં ઉદ્યોગોને નવા જોડાણ કે લોડ વધારો નથી મળતો
 
પ્રેમ પ્રકરણમાં લવ જેહાદનો મુદ્દો ઉછાળી નફરત ફેલાવતાં અસામાજિક તત્વોને ઓળખો
 
સ્પામાં યુવતીઓ સાથે છેડછાડ, એસિડ એટેક કરનારી અંજારની ત્રિપુટી ગુજસીટોકમાં ફીટ થઈ