કચ્છખબરડૉટકોમ, ગાગોદરઃ ગાગોદરમાં સાંકડા રોડ પર ST બસના ડ્રાઈવરે બસને રીવર્સમાં ના લેતાં મારુતિ કારમાં આવેલા ત્રિપુટીએ તેને લમધારી નાખ્યો છે. આજે સાંજે સાડા પાંચના અરસામાં ગાગોદર બસ સ્ટોપથી આગળ જતાં ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પર બનાવ બન્યો હતો. ફરિયાદી મનોજ પટેલ ભચાઉ ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. આજે સાંજે તે હિંમતનગર અંજાર રૂટની બસ લઈ ગાગોદર બસ સ્ટોપ ખાતે પેસેન્જરોને ઉતારીને અંજાર તરફ આગળ જતો હતો. સાંકડા સર્વિસ રોડ પર સામેથી એક મારુતિ કાર આવી હતી.
મારુતિ કાર આગળ જઈ શકે તેમ ના હોઈ ડ્રાઈવરે બસને થોભાવી દીધી હતી. કારમાં સવાર ત્રિપુટીએ ડ્રાઈવરને બસ રીવર્સમાં હંકારીને પાછળ લઈ જવા જણાવેલું પરંતુ બસ રીવર્સમાં જઈ શકે તેમ નહોતી.
ડ્રાઈવરે ઈન્કાર કરતાં જ ત્રિપુટીએ ડ્રાઈવરનો કોલર પકડીને, ગાળો ભાંડીને માર માર્યો હતો. હુમલામાં ડ્રાઈવરનો શર્ટ અને બનિયાન ફાટી ગયાં હતાં. બનાવ અંગે ગાગોદર પોલીસ મથકે જેમલ કમા કોલી, અજા લધા કોલી અને રમેશ હઠા ભરવાડ સામે સરકારી ફરજમાં રૂકાવટ, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવાઈ છે.
Share it on
|