કચ્છખબરડૉટકોમ, પોરબંદરઃ ગત મધરાત્રે કચ્છ પાકિસ્તાનની સાગર સીમાએ વિવિધ સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક ઈરાની બોટમાંથી ૭૦૦ કિલો માદક દ્રવ્ય મેથનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. મેથના ટૂંકા નામે પ્રચલિત મેથામ્ફેટામાઈનના આ જથ્થાનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે ૧૭૦૦ કરોડ રૂપિયા જેટલું થાય છે. એક શંકાસ્પદ બોટ મારફતે ભારતીય જળસીમામાં ડ્રગ્ઝનું કન્સાઈનમેન્ટ આવી રહ્યું હોવાની ગુપ્ત બાતમી મળેલી. જેના આધારે ગુજરાત રાજ્ય ત્રાસવાદ વિરોધી દળ (એટીએસ), નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરૉ (એનસીબી) અને ભારતીય નૌકાદળે હાઈ સીમાં ‘સાગર મંથન- ૪’ કોડ નેમથી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેવી આ શંકાસ્પદ બોટ ભારતીય જળસીમામાં ઘૂસી કે તેને ઓળખી પાડી ઝડપી લેવાઈ હતી. બોટમાં સવાર ૮ ઈરાની શખ્સોની પણ અટક કરાઈ છે.
NCBના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (ઓપરેશન્સ) જ્ઞાનેશ્વર સિંઘે જણાવ્યું કે ઝડપાયેલાં લોકો પાસે તેમની નાગરિક્તા સ્પષ્ટ કરે તેવા કોઈ દસ્તાવેજો નથી પરંતુ તેઓ પોતે ઈરાની હોવાનું જણાવી રહ્યાં છે. ડ્રગ્ઝનું આ કન્સાઈન્મેન્ટ ભારતમાં કોને ડિલિવર કરવાનું હતું અને તે ક્યાંથી મોકલાયું હતું તે અંગે જાણવા અમે વિદેશની એજન્સીઓની પણ મદદ લઈશું.
બોટ અને નાગરિકોને પોરબંદર ખાતે લઈ જવાયાં છે. આ મહત્વના ઓપરેશન અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરીને ઓપરેશનમાં સામેલ એજન્સીઓની પીઠ થાબડી સરકાર નશામુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન વર્ષે ઓપરેશન સાગર મંથન હેઠળ આ બીજું મહત્વનું ડ્રગ્ઝ કન્સાઈન્મેન્ટ ઝડપાયું છે. અગાઉના ત્રણ ઓપરેશનમાં ૩૪૦૦ કિલો ડ્રગ્ઝ, ૧૧ ઈરાની અને ૪ પાકિસ્તાની ડ્રગ્ઝ પેડલરો ઝડપાઈ ચૂક્યાં છે.
Share it on
|