કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ હિંદુમાંથી ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા ઈચ્છતાં ગાંધીધામના યુવકની અરજી પર પોલીસ અને વહીવટી તંત્રએ કશી કાર્યવાહી ના કરતાં યુવકે ગુજરાત હાઈકૉર્ટનો આશરો લીધો છે. હાઈકૉર્ટે કચ્છ કલેક્ટરને બે માસની અંદર યુવકની અરજી પર નિર્ણય કરવા સૂચના આપી છે. ગાંધીધામના ૨૬ વર્ષિય રોહિત ગુરનાનીએ ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા ગત જૂન માસમાં જિલ્લા કલેક્ટરને અરજી કરેલી. ગુજરાત ફ્રીડમ ઑફ રિલીજીયન એક્ટના સુધારેલાં કાયદા મુજબ રોહિતે કલેક્ટરને અરજી કરેલી. કલેક્ટરે આ અરજી સ્થાનિક પોલીસ તંત્રને મોકલી આપી હતી.
હાઈકૉર્ટમાં કરેલી અરજીમાં યુવકે આરોપ કર્યો કે ગાંધીધામના સ્થાનિક પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરે તેની અરજી દબાવી રાખી છે. એટલું જ નહીં, નિવેદન લેવાના નામે પોલીસ સ્ટેશને ત્રણ વખત ધક્કાં ખવડાવ્યાં પરંતુ સત્તાવાર નિવેદન નોંધવાના બદલે ઉલટાનું પીઆઈએ તેને ધર્માંતરણ ના કરવા અને કરે તો પરિણામ ભોગવવા ચેતવીને અરજી પર કોઈ કાર્યવાહી કરી નથી.
ધર્માંતરણ એ નાગરિકનો બંધારણીય અધિકાર છે કહીને રોહિતે તેની અરજી પર ઝડપથી કાર્યવાહી કરવા કલેક્ટરને સૂચના આપવા રજૂઆત કરી હતી.
રોહિતની અરજી અંગે સરકારી વકીલે હાઈકૉર્ટને આ મામલે ઝડપથી પગલાં લેવા પોતે સંબંધિત ઑથોરીટી સાથે વાત કરશે તેવી ખાતરી આપીને સંબંધિતોનો ખુલાસો લેવાના બદલે જરૂરી દિશાનિર્દેશ આપવા જણાવ્યું હતું. હાઈકૉર્ટે કલેક્ટરને બે મહિનાની અંદર અરજી અંગે નિર્ણય લેવાનો સમય આપી કેસનો નિકાલ કર્યો છે.
Share it on
|