કચ્છખબરડૉટકોમ, ગાંધીનગરઃ ૨૩ વર્ષ પૂર્વે ૨૬-૦૧-૨૦૦૧ના રોજ કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપના હુતાત્માઓની સ્મરણાંજલિ માટે ભુજીયા ડુંગરની તળેટીમાં બનેલા સ્મૃતિવન પર વિશેષ કૉફી ટેબલ બૂક પ્રકાશિત કરાઈ છે. સ્મૃતિવનનું નિર્માણ કરનાર ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ દ્વારા પ્રગટ કરાયેલી આ કૉફીટેબલ બૂકનું આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વિમોચન કર્યું છે. કોફી ટેબલ બૂકમાં ભૂકંપ પછી ભુજીયા ડુંગરની થયેલી કાયાપલટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશનમાં થયેલી ગુજરાતની વિકાસ યાત્રાની ગાથાનું વર્ણન છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના દિશાનિર્દેશનમાં સ્મૃતિવન અને અર્થક્વેક મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે, ઑગસ્ટ ૨૦૨૨માં વડાપ્રધાને તેનું લોકાર્પણ કર્યુ હતું.
ભૂજીયા ડુંગરની નિર્જન ભૂમિમાંથી સાડા પાંચ લાખ વૃક્ષારોપણ સાથે દુનિયાનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ બન્યું છે તેની સિધ્ધિઓ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવી છે.
સ્મૃતિવન મ્યુઝિયમને તેની આંતરરાષ્ટ્રીય કક્ષાના આર્કિટેક્ચર અને પ્રદર્શન ડિઝાઇન માટે એનાયત થયેલા ‘રેડડોટ, ૨૦૨૩ એવોર્ડ’ ૧૩મા ‘CII ડિઝાઇન એક્સેલન્સ એવોર્ડ-૨૦૨૩’ ‘લંડન ડિઝાઇન એવોર્ડ-૨૦૨૩’ ‘ગ્લોબલ આર્કિટેક્ચર ડિઝાઇન એવોર્ડ વિનર ૨૦૨૩’ વગેરે આંતરરાષ્ટ્રીય સન્માનની માહિતી પુસ્તકમાં સમાવિષ્ટ છે. કોફી ટેબલ બૂકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કચ્છના પુનઃ નિર્માણનું અને વિકાસનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે.
કચ્છનું ખમીર ઝળકાવવા સાથે ગુજરાતીઓની શૂન્યમાંથી સર્જન કરવાની ક્ષમતા, આફતને અવસરમાં પલટવાના સ્વભાવની આ બૂક પરિચાયક છે. વિમોચન અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, GSDMAના CEO અનુપમ આનંદ તથા GSDMA અને સ્મૃતિવન મેમોરિયલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Share it on
|