click here to go to advertiser's link
Visitors :  
02-May-2025, Friday
Home -> Kutch -> Missing couple booked for defrauding gold jewellery worth Rs 12.65 Lakh in Koday
Wednesday, 18-Dec-2024 - Mandvi 61851 views
પ્રસંગમાં પહેરવા પડોશણ દાગીના માગે તો વિચારજો! ૬ મહિલા સાથે ૧૨.૬૫ લાખની ઠગાઈ
કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામના દંપતીએ ગામમાં રહેતી વિવિધ મહિલાઓનો વિશ્વાસ કેળવીને લગ્નપ્રસંગમાં પહેરવાના બહાને સોનાના ઘરેણાં મેળવી લઈને તેના પર ગોલ્ડ લોન કરાવીને રોકડી કરી લીધી હોવાનો બનાવ બહાર આવ્યો છે. છેલ્લાં એક માસથી આ દંપતી ભેદી રીતે ગાયબ થઈ ગયાં બાદ છેતરપિંડીનો ભોગ બનેલી ગામની મહિલાઓએ આગળ આવીને કોડાય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ચાર માસ અગાઉ દાગીના લઈ ગોલ્ડ લોન મેળવેલી

મોટા ભાડિયામાં રહેતી ૩૦ વર્ષિય લાંછબાઈ લક્ષ્મણ હરિભાઈ માલમ (ગઢવી) એ બનાવ અંગે ફળિયામાં રહેતી દેવલબેન મધુડા (ગઢવી) અને તેના પતિ નાથાભાઈ નારાણભાઈ મધુડા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

ચારેક માસ અગાઉ શ્રાવણ માસમાં દેવલ ફરિયાદીના ઘેર આવેલી. પોતાની બહેનની દીકરીના લગ્ન પ્રસંગે પહેરવા માટે દેવલે સોનાના દાગીના માંગી એક અઠવાડિયામાં પાછાં આપી દેશે તેમ જણાવેલું.

તેના પર ભરોસો કરીને ફરિયાદીએ તેને ૪.૨૫ લાખના મૂલ્યના વિવિધ પ્રકારના ૭ ઘરેણાં પ્રસંગમાં પહેરવા પૂરતાં આપ્યાં હતાં. અઠવાડિયા પછી ફરિયાદીએ દેવલ પાસે દાગીના પરત માંગતા તેણે નાણાંની જરૂર ઊભી થઈ હોઈ પતિએ તે દાગીના માંડવીમાં ગોલ્ડ ફાઈનાન્સમાં ગીરવે મૂકીને લોન મેળવી હોવાનું જણાવી પૈસાની સગવડ થયે બનતી ઝડપે દાગીના છોડાવીને પાછાં આપી દેશે તેવો વાયદો કરેલો.

દંપતી એક માસથી ગાયબ થઈ જતાં ફૂટ્યો ભાંડો

દેવલ વાયદા પર વાયદા કરતી રહેતી અને એક માસથી અચાનક પતિ સાથે ગામમાંથી ગાયબ થઈ ગઈ હતી. ફરિયાદીએ ગામમાં રહેતી મોટી બહેન નાગશ્રીબેન નાગાજણ ગઢવીને દેવલ અંગે પૂછપરછ કરતાં નાગશ્રીએ જણાવ્યું કે નવરાત્રિમાં પ્રસંગમાં પહેરવાના નામે દેવલ તેની પાસેથી ૩.૧૫ લાખની કિંમતના પાંચ દાગીના લઈ ગયેલી અને પાછળથી તેના પતિના નામે ગીરવે મૂકીને ગોલ્ડ લોન મેળવી લીધેલી.

ફરિયાદીએ પોતાના સગાં-વહાલાં અને અન્ય લોકોને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેની ફોઈના દીકરાની પત્ની ખીમશ્રી ખેંગાર ગઢવી પાસેથી પણ આવું બહાનું કરીને દેવલે એક લાખના ઘરેણાં લઈ જઈને ગોલ્ડ લોન મેળવી લીધી છે.

દેવલે આ જ બહાને ગામમાં રહેતા દેવલબેન નારાણભાઈ થરીયા (ગઢવી) પાસેથી ૩.૫૦ લાખના મૂલ્યની ૭ તોલાની સોનાની ચાર બંગડી મેળવી ગોલ્ડ લોન મેળવી લીધી છે. તો, નાગઈબેન માણેક ગઢવી પાસેથી પચાસ હજારના મૂલ્યના દાગીના અને રોશનબેન અસલમ હુસેન જુણેજાની ૨૫ હજારની પોંચી મેળવીને તેના પર ગોલ્ડ લોન મેળવી રોકડી કરી ગઈ છે.

ફરિયાદીએ સ્વજનો સાથે માંડવી જઈ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે દેવલે તેના પતિના નામે મુથુટ ફાઈનાન્સ, મુથુટ ફિનકોપ, ધનવર્ષા બેન્ક વગેરે પેઢીઓમાં આ મહિલાઓ પાસેથી મેળવેલાં ૧૨.૬૫ લાખના દાગીના ગીરવે મૂકીને લોન મેળવી રોકડી કરી લીધી છે.

ગામની અન્ય ઘણી મહિલાઓ પણ દેવલની છેતરપિંડીનો ભોગ બની છે. પોલીસે ગુનો નોંધી દેવલ અને તેના પતિને શોધવા તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ભચાઉમાં શિક્ષક પર છરીથી હુમલો કરી બાઈકસવાર ત્રિપુટી મોબાઈલ ફોન લૂંટીને ફરાર
 
અંજારની વેલસ્પન કંપનીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ સગો મોટો ભાઈ નીકળ્યો હત્યારો
 
નલિયામાં ‘પીધેલો’ હેડ કોન્સ્ટેબલ અને માંડવીમાં ‘ચકચુર’ હોમગાર્ડ અધિકારી ઝડપાયાં