કચ્છખબરડૉટકોમ, ભુજઃ દિવાળીના તહેવારો ટાણે ઓનલાઈન ફ્રોડ કરતી ટોળકીઓ પણ ખૂબ એક્ટિવ થઈ ગઈ છે. છેલ્લાં બે દિવસમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ સાયબર સેલએ ત્રણ અલગ અલગ કિસ્સામાં ચીટીંગનો ભોગ બનનારાંઓને લાખ્ખો રૂપિયા પરત અપાવ્યાં છે. ગાંધીધામમાં ૩.૭૦ લાખ રૂપિયા પરત અપાવાયાં
ગાંધીધામના સેક્ટર સાતમાં રહેતાં નરેન જગદીશભાઈ દાફડાએ ઓનલાઈન ચીટીંગમાં ગુમાવેલાં તમામ ૩.૭૦ લાખ રૂપિયા સાયબર ક્રાઈમ પોલીસે પરત અપાવ્યાં છે. HDFC બેન્કનું ક્રેડિટ કાર્ડ ધરાવતાં નરેનને ક્રેડિટ કાર્ડ પર પાંચ હજારના મૂલ્યના રીવોર્ડ પોઈન્ટ મળવાની લાલચ આપતી એક લિન્ક મળી હતી. લિન્ક ઓપન કરતાં જ HDFC બેન્કની નકલી વેબસાઈટ ખૂલી હતી. વેબસાઈટમાં ક્રેડિટ કાર્ડને લગતી જરૂરી વિગતો ફીડ કરતાં જ નરેનના ક્રેડિટ કાર્ડમાંથી ત્રણ ટ્રાન્ઝેક્શન મારફતે ૩.૭૦ લાખ રૂપિયા ‘ઉપડી’ ગયાં હતાં. ભોગ બનનારે તુરંત ઓનલાઈન સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફરિયાદ કરતાં સાયબર ક્રાઈમ પોલીસ મદદે આવી હતી. પીઆઈ જે.એમ. જાડેજા અને તેમની ટીમે તુરંત ટેકનિકલ એનાલિસીસ કરાવી નાણાં પરત અપાવ્યાં છે.
ભુજમાં ઓનલાઈન ટૂર પેકેજના નામે ઠગાઈ
ભુજમાં રહેતાં મહેન્દ્રભાઈ બોરતરીયાએ ઓનલાઈન ટૂર પેકેજ બૂક કરાવેલું. ઠગ કંપનીએ લોભામણી લાલચ આપી તેમને ૧.૯૦ લાખ રૂપિયામાં પેકેજ ઑફર કરેલું. પરંતુ, નાણાં જમા કરાવ્યાં બાદ વિવિધ બહાને કંપનીએ તેમની પાસેથી ૧.૨૨ લાખ ખંખેરી લીધાં હતાં. ત્યારબાદ પણ નાણાં ભરવા માટે સતત આગ્રહ રખાતાં મહેન્દ્રભાઈને શંકા ગયેલી અને તેમણે કંપનીનું સરનામું અને જીએસટી નંબર માંગતાં ઠગભગતોની પોલ ખૂલી ગયેલી. આ મામલો ધ્યાને આવતાં પશ્ચિમ કચ્છ સાયબર પોલીસ (એલસીબી)એ એક્શનમાં આવી જરૂરી કાર્યવાહી કરી ગુમાવેલાં નાણાંમાંથી ૧ લાખ ૯ હજાર રૂપિયા પરત અપાવ્યાં છે.
રોકાણના નામે ૧.૫૩ લાખ રૂપિયાની ઠગાઈનો પ્રયાસ
ભુજના કેમ્પ એરીયામાં યાસીન ઇલિયાસ ખલીફાએ સોલાર કંપનીમાં રોકાણ કર્યે થનારાં નફામાંથી પચાસ ટકા રકમનું વળતર મળવાની ઓનલાઈન ઑફરથી લલચાઈને ૧.૫૩ લાખ રૂપિયા જમા કરાવ્યાં હતાં. જો કે, ફ્રોડ થયું હોવાનું જણાતાં તેમણે તત્કાળ પોલીસની મદદ લેતાં પોલીસે તત્કાળ સ્ટોપ પેમેન્ટ કરાવી કૉર્ટ પ્રોસેસ મારફતે પૂરેપૂરી રકમ પરત અપાવી હોવાનું પીઆઈ સંદિપસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.
Share it on
|