|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કચ્છમાં છેલ્લાં એક સપ્તાહથી શરૂ થયેલો હત્યાનો સિલસિલો વણથંભ્યો જારી રહ્યો છે. ગાંધીધામના મચ્છુનગર પાસે બે લબરમૂછિયા કિશોરોએ સાથે કામ કરતાં ૨૦ વર્ષિય યુવાન શ્રમિકની હાથ વડે બનાવેલા દેશી કટ્ટા જેવા હથિયારથી ગોળી મારી તેમજ ગળા અને છાતીમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. મરણ જનાર અને બેઉ આરોપીઓ ત્રણે બિહારના વતની છે. શુક્રવારે બપોરે થયેલી હત્યાની બીજા દિવસે ખબર પડી
હત્યાનો બનાવ શુક્રવારે બપોરે ભચાઉ ગાંધીધામ હાઈવે પર મચ્છુનગર નજીક આવેલા મારુતિ વેરહાઉસની પાછળની ઝાડીઓમાં બન્યો હતો. જે શનિવારે પ્રકાશમાં આવ્યાં બાદ મોડી સાંજે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિધિવત્ ફરિયાદ દાખલ કરીને બેઉ આરોપીને દબોચી લીધાં છે.
કામ વધુ ઓછું કરવા મુદ્દે મૃતક સાથે બોલાચાલી થયેલી
વેરહાઉસમાં આવતાં ટ્રક, ટ્રેલર, ટેન્કર જેવા ભારેખમ વાહનોની સર્વિસ સમારકામ માટે ગેરેજ આવેલું છે. આ ગેરેજમાં દસ માણસો કામ કરે છે. મરણ જનાર શિશુપાલ સંજય પાસવાન (ઉ.વ. ૨૦, રહે. મૂળ પટના, બિહાર) પાંચ માસથી અહીં હેલ્પર તરીકે કામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. શુક્રવારે બપોરે કામ ઓછું વધુ કરવા મુદ્દે શિશુપાલ સાથે કામ કરતા અમિત (નામ બદલેલું છે) (ઉ.વ. ૧૬, રહે. મેજરગંજ, સીતામઢી, બિહાર) અને સુમિત (નામ બદલેલું છે) (ઉ.વ. ૧૭, રહે. સરમેરા, નાલંદા, બિહાર)એ બોલાચાલી કરેલી. જો કે, થોડીવાર બાદ ત્રણે શાંત થઈ ગયેલાં અને બપોરે ત્રણે જણ સાથે જમવા બેઠેલાં.
ગેરેજ પાછળ આવેલી ઝાડીમાંથી લાશ મળી
ભોજન બાદ બપોરે એક વાગ્યાના અરસામાં ત્રણે જણ આંટો મારવા ગેરેજ બહાર ગયેલાં. પરંતુ, સાંજ સુધી શિશુપાલ પરત આવ્યો નહોતો. મેનેજરે સાંજે અમિત અને સુમિતને ગેરેજમાં કામ કરતાં જોયેલાં. બીજા દિવસે શનિવારે સવારે ગેરેજમાં કામ કરતો આનંદ બહેરા શૌચાલય જવા માટે ગેરેજ પાછળ આવેલી બાવળની ઝાડીમાં ગયો ત્યારે ત્યાં શિશુપાલની લોહીલુહાણ લાશ જોવા મળતાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. મેનેજર લિપુ મંગરાજે બોલેરોમાં શિશુપાલના મૃતદેહને રામબાગ હોસ્પિટલે ખસેડ્યો હતો.
શિશુપાલની પીઠમાંથી બુલેટ મળતાં પોલીસ ચોંકી
શિશુપાલનું પોસ્ટમોર્ટમ થતાં પીઠના ભાગેથી એક ગોળી મળી આવી હતી. શિશુપાલના ગળા અને છાતીમાં છરી વડે તીક્ષ્ણ ઘા મારવામાં આવ્યા હતા. ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજીયા અને સ્ટાફે તુરંત ગહન તપાસ શરૂ કરી હતી. મેનેજરે આગલા દિવસે શિશુપાલ સાથે બેઉ કિશોરોની બોલાચાલી થઈ હોવાનું જણાવતાં પોલીસે બેઉની સઘન પૂછપરછ હાથ ધરતાં તેમણે હત્યાનો ગુનો કબૂલી લીધો હતો.
સળિયાથી ગિલોલ જેવા સ્પાર્ક થાય તેવા દેશી કટ્ટાથી ફાયરીંગ
પીઆઈ એસ.વી. ગોજીયાએ જણાવ્યું કે શિશુપાલની હત્યા માટે બેઉ જણે લોખંડના સળિયા વડે ગિલોલ જેવું સ્પાર્ક થાય તેવું દેશી કટ્ટા જેવું હથિયાર વાપરીને તેમાંથી એક રાઉન્ડ ફાયરીંગ કરેલું. પોલીસે આ હથિયાર કબજે કર્યું છે. બનાવ અંગે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧), ૫૪ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ), ૨૭(૩) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ હેઠળ ગેરેજના મેનેજર લિપુ મંગરાજે બેઉ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે જૂવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી આદરી છે.
Share it on
|