કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામની જૂની કૉર્ટ પાસે આવેલી પાનની કેબિનમાં વેપારીએ મૂકેલી સાડા સાત લાખ રોકડાં રૂપિયા ભરેલી થેલી ગણતરીની બે-ત્રણ મિનિટમાં ચોરાઈ ગઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે. આદિપુરમાં રહેતા અને જૂની કૉર્ટ પાસે મિલન પાન સેન્ટર નામથી પાન મસાલાની કેબિન ચલાવતા ૫૯ વર્ષિય જયકિશન ભાનુશાલીએ જણાવ્યું કે મંગળવારે સવારે નવ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. બેન્કમાં નાણાં જમા કરાવવાના હોઈ ફરિયાદી લીલા રંગની થેલીમાં રોકડાં સાડા સાત લાખ રૂપિયા લઈને દ્વિચક્રી પર કેબિને આવ્યા હતાં. કેબિન ખોલી અંદરની સાઈડમાં રૂપિયા ભરેલી થેલી મૂકી હતી અને નિત્યક્રમ મુજબ બાજુમાં આવેલી નાસ્તાની દુકાને પાણી ભરવા ગયેલાં. પાણી ભરીને બે-ત્રણ મિનિટમાં પરત દુકાને આવી કેબિનની સાફ સફાઈ શરૂ કરતાં રોકડાં રૂપિયા ભરેલી થેલી ગૂમ થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે તપાસ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
એક જ રાતમાં ૯ મંદિર, એક દુકાનમાં સામૂહિક તસ્કરી
નખત્રાણા તાલુકાના વડવા (ભોપા) ગામે શુક્ર અને શનિવારની રાત્રે ત્રાટકેલાં તસ્કરોએ એકસાથે ૯ મંદિર અને એક દુકાન મળી ૧૦ સ્થળે સામૂહિક તસ્કરી કરતાં નાનકડાં ગામમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગામના સરપંચ દેવાભાઈ રબારીએ નવ મંદિરોમાંથી રોકડ રકમ, સોના ચાંદીના ઘરેણાં મળી ૬૨ હજાર ૭૦૦ રૂપિયા તથા ગામની એક દુકાનમાંથી રોકડ અને ચીજવસ્તુ મળી સાડા પાંચ હજાર મળી કુલ ૬૮ હજાર ૨૦૦ રૂપિયાની ચોરી થઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. ગામના (૧) ગોગા મારાજના મંદિરમાંથી ૧૨૦૦ની કિંમતના ચાંદીના ૩ છત્રની ચોરી (૨) આલમદાદા અને શકત માના મંદિરની દાનપેટી તોડી ૪ હજાર રોકડાં રૂપિયાની ચોરી (૩) મોટા મઢ પરિવારના વાંકોલ માના મંદિરમાંથી ચાંદીના ૩ છત્ર, ચાંદીનો મુગટ, સોનાનું છત્ર, સોનાની ૩ ડોડી, ચાંદીની સાંઢણી વગેરે મળી ૧૧૭૦૦ની વિવિધ ચીજવસ્તુની ચોરી (૪) હરિયા પરિવાર મઢ વાંકોલ માતાજીના મંદિરમાંથી સોના અને ચાંદીના બે-બે છત્ર અને ચાંદીનો મુગટ મળી ૭૮૦૦ની ચોરી (૫) ખેતાણી પરિવાર વાંકોલ માતાજીના સોનાના બે ચાંદલા, ચાંદીનું એક છત્ર, માતાજીનો હાર શણગાર નંગ ૦૪, બે ચાંદીના મુગટ મળી ૧૦ હજાર ૪૦૦ની ચીજવસ્તુ તથા દાનપેટીમાંથી ૫૫૦૦ રોકડાં રૂપિયા (૬) ભીમ પરિવાર વાંકોલ માતાજીના મંદિરમાંથી ચાંદીના ૩ છત્ર, સોનાની ડોડી, ચાંદીનું ઝાલર, સોનાનો ચાંદલો તથા દાન પેટીમાં રહેલા ૫ હજાર મળી ૧૦ હજાર ૭૦૦ રૂપિયાની ચોરી (૭) વાછરાદાદાના મંદિરમાંથી બે હજારની કિંમતના ચાંદીના પાંચ છત્તર (૮) વડેશ્વર મહાદેવ મંદિરમાંથી ૨૪૦૦ની કિંમતના ચાંદીના ૬ છત્તર (૯) ધુબળી મહાદેવ મંદિરમાંથી ચાંદીના ૧૦ છત્ર અને દાન પેટીમાંથી ૩ હજાર રોકડાં મળી ૭ હજારની ચોરી (૧૦) ગામના ચબુતરા પાસે સાજન રબારીની દુકાનના તાળાં તોડીને ૨૫૦૦ રોકડાં રૂપિયા તથા બીડી, ગુટખા વગેરે જેવો અન્ય સામાન મળી ૩ હજારની ચોરી કરી છે.
Share it on
|