કચ્છખબરડૉટકોમ ગાંધીધામઃ કચ્છથી મુંબઈ, દિલ્હીને સાંકળતી લાંબા અંતરની ટ્રેનોમાં રાત્રિના સમયે પ્રવાસીઓની ઊંઘનો લાભ લઈને કિંમતી માલ સામાનની ચોરી કરતા ચોરોનો ત્રાસ વધી રહ્યો છે. બરેલી ભુજ એક્સપ્રેસમાં દિલ્હીથી ગાંધીધામ આવી રહેલી ટ્રેનમાંથી નિદ્રાધીન વૃધ્ધ મહિલાનું ૨.૭૯ લાખના સોના ચાંદી ડાયમંડના ઘરેણાં ભરેલું પર્સ ચોરાઈ ગયું છે. શુક્રવાર અને શનિવારની રાત્રે ત્રણ વાગ્યાથી સાડા પાંચ વાગ્યાના અરસામાં અજાણ્યો હરામખોર બી-ટૂ કોચમાં પ્રવાસ કરી રહેલી વૃધ્ધ મહિલાએ માથા પાસે રાખેલું પર્સ ચોરીને ગાયબ થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ અગાઉ ૩૦ સપ્ટેમ્બરે મુંબઈથી ભુજ આવી રહેલી કચ્છ એક્સપ્રેસમાંથી ૪.૩૭ લાખની મતા ભરેલું મહિલાનું પર્સ ચોરાયું હતું
ચોથી ઓક્ટોબરે કચ્છ એક્સપ્રેસમાં ભુજથી ગાંધીધામ વચ્ચે પ્રવાસીની નજર ચૂકવીને અજાણ્યો શખ્સ લેપટોપ, ચાર્જર સહિતની ૪૦ હજારની કિંમતની બેગ ચોરીને ગાયબ થઈ ગયો હતો. આ અગાઉ બીજી સપ્ટેમ્બરે કચ્છ એક્સપ્રેસમાંથી ૧.૧૮ લાખની મતા ભરેલી બેગ ચોરાયેલી. ૬ સપ્ટેમ્બરે ગાંધીધામ બાન્દ્રા સુપરફાસ્ટ વિકલી ટ્રેનમાંથી પ્રવાસીનો મોબાઈલ ફોન ચોરાયેલો. આ માહિતી કેવળ ગાંધીધામ રેલવે સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદોની છે.
ચોરીમાં ચોક્કસ પ્રકારની પેટર્ન જોવા મળે છે
રનિંગ ટ્રેનમાં થઈ રહેલી મોટાભાગની ફરિયાદોમાં ચોક્કસ પ્રકારની પેટર્ન જોવા મળી રહી છે. મોટાભાગના પ્રવાસીઓના માલ સામાનની ચોરી અમદાવાદથી ગાંધીધામ વચ્ચે થઈ છે.
મોટાભાગે એસી કોચમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓની ઊંઘની તકનો લાભ લઈને આસાનીથી લઈને નાસી જવાય તેવા પર્સ, શૉલ્ડર બેગ કે મોબાઈલ ફોનની ચોરી થાય છે.
દિપોત્સવીનું પર્વ નજીક છે ત્યારે ચોરીઓના બનાવમાં ઉછાળો આવે તેવી શક્યતા છે. પોલીસના હાથમાં આ ચોરો પકડાય ત્યારે ખરા પરંતુ પ્રવાસીઓ સતર્ક રહીને પ્રવાસ કરે તે ઈચ્છનીય છે.
Share it on
|