કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામની ઉદયનગર પોસ્ટ ઑફિસના સબ પોસ્ટ માસ્ટરે ૨૦.૧૨ લાખ રૂપિયાની સરકારી નાણાંની અંગત ઉપયોગ માટે ઉચાપત કરી હોવાની ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. ગાંધીધામ સબ ડિવિઝનમાં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ પોસ્ટ ઑફિસ તરીકે ફરજ બજાવતા વિશાલ જાદવે ઉચાપત અંગે પરબતભાઈ ભુરાભાઈ મકવાણા (રહે. ભાગ્યશ્રી સોસાયટી, મેઘપર બોરીચી, અંજાર) વિરુધ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આરોપી પી.બી. મકવાણા હાલે સસ્પેન્ડ છે. મકવાણાએ ઉદયનગર પોસ્ટ ઑફિસમાં ૨૩-૦૭-૨૦૧૮થી ૦૬-૦૮-૨૦૨૧ના સબ પોસ્ટ માસ્ટર તરીકેના ફરજકાળ દરમિયાન આ ઉચાપત કરી હોવાનું લખાવાયું છે. ૦૬-૦૮-૨૦૨૧ના રોજ થયેલાં ચેકિંગ સમયે નાણાંની ઘટ બહાર આવી હતી. તે અનુસંધાને પોસ્ટ વિભાગે તપાસ હાથ ધરી હતી. જો કે, ગોટાળો પકડાયાના અઢી વર્ષ સુધી મકવાણાએ આ સરકારી નાણાંનો કોઈ હિસાબ ના આપતાં કે પરત જમા ના કરાવતાં અંતે પોસ્ટ વિભાગે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|