કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ શરીરે ચડ્ડી બનિયાન અને મોંઢે બુકાની બાંધીને રાતના અંધારામાં રહેણાક મકાનોમાં ચોરીઓ કરતી દાહોદની કુખ્યાત આદિવાસી ‘ગબી ગેંગ’ના બે સાગરીતોને પૂર્વ કચ્છ પોલીસે મોરબીના ટંકારાથી ઝડપી પાડ્યાં છે. બેઉ સહિત ચાર જણે રાપરના અયોધ્યાપુરીમાં જૂલાઈ અને ઑગસ્ટ માસ દરમિયાન ત્રણ બંધ મકાનોમાંથી ૯.૧૫ લાખની ચોરી કરી હતી. આ ગેંગે ૨૦૨૩ ૨૦૨૪માં ગાંધીધામ એ અને બી, આદિપુર અને અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કરેલી અન્ય ૮ ઘરફોડ પણ કબૂલી છે. ઑગસ્ટમાં ચોરી કરતી ગેંગ CCTVમાં કેદ થયેલી
ગત જૂલાઈ માસમાં અયોધ્યાપુરીમાં રહેતા બળદેવભાઈ વીડીયાના બંધ રહેણાકમાં ત્રાટકેલાં અજાણ્યા તસ્કરો ૧.૯૦ લાખ રોકડાં રૂપિયા અને સોના ચાંદીના ઘરેણાં મળી ૭.૧૫ લાખની માલમતા ચોરી ગયા હોવાની ૨૪-૦૭-૨૦૨૫ના રોજ ફરિયાદ દાખલ થયેલી. એકાદ માસના ગાળામાં ૧૯-૦૮-૨૦૨૫ની રાત્રે અયોધ્યાપુરીમાં ફરી બે બંધ રહેણાક મકાનમાંથી ૧.૯૦ લાખની માલમતાની ચોરી થયાની ફરિયાદ નોંધાયેલી. આ વખતે ચડ્ડી બનિયાનધારી ચાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલાં.
ગેંગને ટ્રેક કરતી પોલીસ ટંકારા સુધી પહોંચી
ચડ્ડી બનિયાનધારી ગેંગને ઝડપી લેવા ભચાઉ DySP સાગર સાંબડાના માર્ગદર્શનમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને રાપર પોલીસે વિવિધ ટીમ બનાવીને ગહન તપાસ શરૂ કરી હતી. બંધ રહેણાક મકાનોને ટાર્ગેટ કરતી તસ્કર ટોળકીને સીસીટીવીના આધારે પોલીસે ટ્રેક કરવાનું શરૂ કરેલું.
એક સ્થળે સીસીટીવીમાંથી આ ગેંગના એક સાગરીતનો સ્પષ્ટ ચહેરાવાળી તસવીર મળી ગઈ હતી.
પોલીસની તપાસ મોરબીના ટંકારા સુધી લંબાઈ હતી. પોલીસે ટંકારાના હડમતિયા ગામની એક વાડીમાંથી મુમદ મોહનીયા અને દિપસંગ ઊર્ફે દીપો તંબોળીયાને દબોચી લીધા છે.
આદિવાસી ગબી ગેંગે રાજ્યભરમાં અનેક ચોરી કરેલી છે
બેઉ જણ દાહોદની કુખ્યાત આદિવાસી તસ્કર ગેંગ ‘ગબી ગેંગ’ના સાગરીત હોવાનું બહાર આવ્યું છે. આ ગેંગનો સૂત્રધાર છે ગબી ઊર્ફે ગોપાલ મોહનીયા (રહે. ધાનપુર, દાહોદ). અયોધ્યાપુરીમાં એક મહિનાના ગાળામાં ત્રણ બંધ મકાનોમાં મુમદ અને દિપસંગ સાથે ગબી અને બાબુ વહુનીયા (લીમખેડા, દાહોદ) એમ ચાર જણે તસ્કરી કરી હોવાનું ખૂલ્યું છે.
મુમદ અને દિપસંગ પાસેથી પોલીસે ૧.૨૫ લાખની સોનાની એક લગડી અને બે મોબાઈલ ફોન કબજે કર્યાં છે.
દીપો, ગબી અને બાબુ સામે કચ્છ ઉપરાંત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં ઘરફોડ ચોરીના દસથી વધુ ગુનાઓ નોંધાયેલાં છે.
મોબાઈલ વગર ફરતી ગેંગની મોડસ ઓપરેન્ડી
LCB પીઆઈ એન.એન. ચુડાસમાએ જણાવ્યું કે સૂત્રધાર ગબીની ગેંગમાં અન્ય ઘણાં લોકો સામેલ છે. આ ગેંગ ચોરી કરવાના હેતુથી બહાર નીકળે ત્યારે સાથે મોબાઈલ ફોન રાખતી નથી. એસટી કે ખાનગી વાહનોમાં મુસાફરી કરીને જે-તે શહેરમાં પહોંચ્યા બાદ આખો દિવસ આ ગેંગ વિવિધ રહેણાક વિસ્તારોમાં ફરતી રહીને બંધ મકાનોની રેકી કરે છે. ત્યારબાદ અવાવરુ જગ્યાએ રહીને રાત પડે ચડ્ડી બનિયાન, બુકાની ધારણ કરીને ચોરી કરવા નીકળે.
મોટાભાગે હાઈવેને અડીને આવેલી અથવા શહેર કે ગામના છેવાડે આવેલી રહેણાક વસાહતોને તે ખાસ ટાર્ગેટ કરે છે. ચોરી કર્યાં બાદ ફરી પેન્ટ શર્ટ પહેરીની આ ગેંગ જે વાહન મળે તેમાં બેસીને તત્કાળ તે શહેર કે જિલ્લા બહાર નાસી જવું તે આ ગેંગની મોડસ ઓપરેન્ડી છે.
રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, એસપી સાગર બાગમાર અને ડીવાયએસપી સાગર સાંબડાના માર્ગદર્શનમાં LCB PI એન.એન. ચુડાસમા, PSI ડી.જી. પટેલ, રાપર PI જે.બી. બુબડીયા અને સ્ટાફે આ સફળ ડિટેક્શન કર્યું છે.
Share it on
|