કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં ચાર માસ અગાઉ કસ્ટમે સીઝ કરેલી ઈમ્પોર્ટેડ સિગારેટના જથ્થામાંથી ૧૫.૪૫ લાખની સિગારેટ ચોરાઈ જવાના બનાવમાં પોલીસે માલ લેનારી ત્રિપુટીની ધરપકડ કરી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ચોરીની સિગારેટ મેળવનાર ગાંધીધામના હિતેશ ખેરાજ ગરવા, વિનોદ બલજીત ધાનીયા અને યુનુસ ચાંદશા કાજડીયાની ધરપકડ કરી છે. આરોપી હિતેશની ગણેશનગરમાં આવેલી ઑફિસમાંથી પોલીસે ૯૦ હજારની સિગારેટ જપ્ત કરી છે. ત્રિપુટીની પૂછપરછમાં કિડાણાના સલીમ અબ્દુલ કકલની સંડોવણી બહાર આવી છે. જો કે, તે અંડર ગ્રાઉન્ડ થઈ ગયો છે.
પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન. દવેએ જણાવ્યું કે ગુનાના ડિટેક્શનમાં ઝડપાયેલાં આરોપીઓ પાશેરામાં પહેલી પૂણી સમાન છે. કસ્ટમે જે વેરહાઉસને સીલ કરી ચોવીસે કલાક માટે બંદૂકધારી ગાર્ડ તૈનાત કરેલાં તે હિન્દુસ્તાન સિક્યોરીટી કંપનીના સિક્યોરીટી ગાર્ડને આરોપીઓએ ફોડી નાખ્યો હતો. આરોપીઓએ વેરહાઉસની પાછલી બારીની ગ્રિલ તોડી તેમાંથી અંદર પ્રવેશી ખૂબ સિફતપૂર્વક ચોરીને અંજામ આપ્યો હતો.
ચોરી કરનાર અસલી ગેંગ અને સૂત્રધારો હજુ હાથ લાગ્યા નથી. એક ગેંગ માલ ચોરે અને બીજી ગેંગ માલ ખરીદી તેનો માર્કેટમાં વહીવટ કરતી હોવાની શક્યતા છે. આગામી દિવસોમાં હજુ અસલી ખેલાડીઓ પકડમાં આવશે.
અત્રે યાદ અપાવી દઈએ કે ગત ઓક્ટોબરમાં કસ્ટમે ઈમ્પોર્ટના નિયમોમાં ભંગ થયો હોવાનું જણાવી આયાતકાર કંપનીના ગોડાઉનમાં સિગારેટનો જથ્થો સીઝ કરી ગોડાઉનને સીલ મારી દીધેલું. જેમાંથી સિફતપૂર્વક સિગારેટનો જથ્થો ‘પગ’ કરી ગયો હોવાની ગત શનિવારે ફરિયાદ નોંધાઈ હતી.
Share it on
|