|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કચ્છની સૌથી મોટી અને ગુજરાતની અગ્રણી વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની મેનેજીંગ કમિટીમાં સતત બીજી ટર્મમાં ‘કેસરિયો’ લહેરાયો છે. સામાન્યતઃ વેપારી મહામંડળોની ચૂંટણીમાં રાજકીય પક્ષોને કશી લેવા-દેવી હોતી નથી પરંતુ GCCIની આ ચૂંટણીમાં મોટાભાગે ભાજપ, આરએસએસ અને સંઘની ભગિની સંસ્થાઓના બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલાં લોકોની પેનલ બિનહરીફ થઈ છે. ૨૦૨૩ની ચૂંટણીમાં ભારે રસાકસી સર્જાયેલી
૭૨ વર્ષ જૂની GCCIની ૨૦૨૬-૨૦૨૭ માટેની ૨૫ સભ્યોની મેનેજીંગ કમિટી માટે આગામી ૨૮ ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની હતી. બે વર્ષનો કાર્યકાળ ધરાવતી વ્યવસ્થાપક સમિતિની અગાઉ ૨૦૨૩માં ચૂંટણી યોજાઈ ત્યારે સામસામી ભારે રસાકસી સર્જાઈ હતી.એટલું જ નહીં, મામલો હાઈકૉર્ટ સુધી પહોંચ્યો હતો.
૩ હજારથી વધુ મતદાર સભ્યો, ચૂંટણી આપોઆપ રદ્દ
આ વખતે એકતરફી માહોલ બની રહ્યો હોય તેમ નીલકંઠ ગૃપના મોવડી તેજાભાઈ સધાભાઈ કાનગડ પ્રેરીત ૨૫ સદસ્યોએ ઉમેદવારી પત્રો ભર્યાં હતા અને સામા પક્ષે ગણીને એકમાત્ર જીતુ શંકરભાઈ વજીરાણીએ ફોર્મ ભર્યું હતું. જીતુ વજીરાણીનું ફોર્મ આજે રદ્દ થઈ જતાં તેજાભાઈ પ્રેરીત તમામ ઉમેદવારો આપોઆપ બિન હરીફ જાહેર થઈ જતાં ચૂંટણી પ્રક્રિયાની નોબત આવી નથી. ચેમ્બરના ૭૨ વર્ષના ઈતિહાસમાં ત્રીજી વખત વ્યવસ્થાપક સમિતિના તમામ સદસ્યો બિન હરીફ જાહેર થયાં છે. ચેમ્બરના મતદાર તરીકે ત્રણ હજારથી વધુ સભ્યો છે.
મોટાભાગના સભ્યોનું સંઘ અને ભાજપનું બેકગ્રાઉન્ડ
બિન હરીફ ચૂંટાયેલા લોકોમાં ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેજસ શેઠ (ભાજપ), ગાંધીધામ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ દીપક પારખ, ચેમ્બરના વર્તમાન પ્રમુખ અને શહેર ભાજપ ઉપ પ્રમુખ મહેશ પુંજ, આરએસએસનું બેકગ્રાઉન્ડ ધરાવતાં પારસમલ નાહટા, વીએચપી આગેવાન મોહન ધારશીના પુત્ર નરેન્દ્ર રામાણી સહિતના અનેક લોકોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે પોર્ટ સીટી ગાંધીધામ, આદિપુર અને કંડલાના વિકાસ માટે ચેમ્બરનો અવાજ દરેક મંચ પર મહત્વનો બની રહે છે. આ વિજય વેપારીઓ અને ઉદ્યોગપતિઓના ચેમ્બરની વર્તમાન બૉડી પર જળવાઈ રહેલા વિશ્વાસના પ્રતીક સમાન છે.
Share it on
|