કચ્છખબરડૉટકોમ, ભુજઃ લગ્ન માટે વણજોયાં મુહૂર્તનું પર્વ એટલે અખાત્રીજ. અક્ષય તૃતીયાના આજના પાવન પર્વે સમગ્ર કચ્છમાં લગ્નનાં ઢોલ ઢબુકી ઉઠ્યાં છે. ખાસ કરીને, દર વર્ષની પરંપરા અનુસાર કચ્છી કડવા પાટીદાર સમાજ દ્વારા આજે નખત્રાણાના વિથોણ, મથલ, વાંઢાય, રવાપર, માંડવીના બીદડા અને ગઢશીશા (રાજપર),દયાપર સહિતનાં ગામોમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સમાજનાં આગેવાનો સહિત મોટી સંખ્યામાં પાટીદાર ભાઈ-બહેનો હર્ષોલ્લાસભેર જોડાયાં હતા. સમૂહ લગ્નોત્સવ અંતર્ગત દેશના ખૂણે-ખૂણે પથરાયેલાં પાટીદાર ભાઈઓ પશ્ચિમ કચ્છમાં ઉમટી પડતાં સર્વત્ર દિવાળી જેવો ઉત્સવભર્યો માહોલ સર્જાયો છે. વાંઢાય ઉમિયાધામ ખાતે આયોજીત સમૂહલગ્નમાં 38 નવયુગલોએ એકમેક સાથે સપ્તપદીના ફેરાં ફર્યાં છે. તમામ નવયુગલોને માતાજી સમક્ષ વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવાઈ હોવાનું કચ્છી કડવા પાટીદાર સમાજના મહામંત્રી રમેશ પટેલે જણાવ્યું છે. ગઈકાલે નખત્રાણાના નેત્રા ખાતે સમૂહલગ્નોત્સવ યોજાયો હતો અને આગામી ત્રીજી તારીખે કોટડા જડોદરમાં પાટીદાર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હોવાનું સમાજના પૂર્વ મહામંત્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું છે. પાટીદાર સમાજ ઉપરાંત ગાંધીધામમાં સથવારા સમાજ દ્વારા તેમજ અન્ય સમાજો દ્વારા પણ ઠેર ઠેર સમૂહલગ્નોત્સવ યોજાયાં છે. વાગડમાં પણ ઠેર ઠેર સમૂહલગ્નોત્સવ યોજાયાં છે જો કે, શિકરાની દુર્ઘટનાના લીધે સાદાઈથી લગ્નવિધિ યોજાઈ છે.
Share it on
|