click here to go to advertiser's link
Visitors :  
16-Dec-2025, Tuesday
Home -> Bhuj -> Youth Abducted at Weapion Point in Broad Daylight from Bhuj Over Money Dispute
Sunday, 30-Nov-2025 - Bhuj 23226 views
રૂપિયાની ઉઘરાણી મુદ્દે ભુજમાંથી ધોળા દિવસે હથિયારોની અણીએ યુવકનું અપહરણ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ રૂપિયાની ઉઘરાણી મામલે ભુજમાંથી ધોળા દિવસે હથિયારોની અણીએ યુવકનું થાર ગાડીમાં અપહરણ કરનાર ગાંધીધામના કિડાણાની ત્રિપુટીને પોલીસે નાકાબંધી કરીને ઝડપી પાડી અપહૃતને મુક્ત કરાવ્યો છે. શનિવારે બપોરે પોણા ચાર વાગ્યે ભુજના રીજન્ટા હોટેલ સર્કલ પાસેથી ત્રિપુટીએ અબ્બાસ મોખા નામના યુવકને માર મારી તેનું અપહરણ કર્યું હતું.
રૂપિયાની ઉઘરાણી મામલે અપહરણ કરાયેલું

અબ્બાસ મોખાની સ્વિફ્ટ કાર કિડાણાના સુલતાન ગની છુછીયા પાસે ગીરવે રાખીને તેના મિત્રો સની દનિચા અને અઝીઝ સમાએ રૂપિયા મેળવ્યાં હતા. થોડાંક સમય બાદ અબ્બાસને ગાડીની જરૂર ઊભી થતાં રૂપિયા પરત અપાવવાની જવાબદારી લઈને તે સુલતાન પાસેથી ગાડી લઈ આવ્યો હતો.

સુલતાનને ત્રણેમાંથી કોઈ રૂપિયા પરત આપતું નહોતું.

જેથી શનિવારે સુલતાને અબ્બાસના કુટુંબી ભાઈ મુસ્તાક ઊર્ફે પટેલ મમણને ફોન કરીને પોતાને અબ્બાસનું કામ હોવાનું જણાવી તેને મળવા માંગતો હોવાનું કહી તેને સાથે લઈ આવી મળાવી દેવા જણાવ્યું હતું. મુસ્તાકે જાણ કરતાં અબ્બાસ મુસ્તાક તથા તેના બે મિત્રોને સાથે રાખી રીજન્ટા હોટેલ સર્કલ ખાતે સુલતાનને મળવા આવ્યો હતો.

હથિયારોની અણીએ અબ્બાસનું થારમાં અપહરણ કર્યું

નંબર પ્લેટ વગરની થાર કારમાં પોતાના ભાઈ આરીફ અને મિત્ર ફરીદ રહીમ જામ સાથે આવેલા સુલતાને અબ્બાસને માર મારી થારમાં પરાણે બેસાડી અપહરણ કરી લઈ ગયો હતો. મુસ્તાક વચ્ચે પડ્યો તો તેને ધારિયું બતાડી મારી નાખવાની ધમકી આપેલી.

બનાવ અંગે મુસ્તાકે તરત જ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે દોડી જઈ જાણ કરતાં પોલીસે ગુનો દાખલ કરીને ગાંધીધામ બી ડિવિઝન પોલીસને જાણ કરેલી.

ગાંધીધામ પીઆઈ એસ.વી. ગોજીયા અને તેમની ટીમે નાકાબંધી કરીને થારમાં અબ્બાસનું અપહરણ કરીને આવી રહેલા સુલતાન અને તેના ભાઈ તથા સાગરીતને ઝડપી પાડી અબ્બાસને હેમખેમ મુક્ત કરાવ્યો હતો.

સુલતાન કિડાણાનો રીઢો આરોપી 

પોલીસે જણાવ્યું કે સુલતાન રીઢો આરોપી છે. ૨૦૨૨માં તેના પર રૂપિયાની વસૂલાત હેતુ ફરિયાદીને ગોંધી રાખવા સબબ આદિપુરમાં તથા ૨૦૨૪માં ખંડણીના હેતુથી મારી નાખવાનો ભય બતાડવા અને ગેરાકાયદે વ્યાજખોરી સબબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુના દાખલ થયેલા છે. ગત એપ્રિલ માસમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે સુલતાને છુછીયાએ સરકારી જમીન પર પેશકદમી કરીને ચણી નાખેલી ૧૦ દુકાનો અને સર્વિસ સ્ટેશન પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું.

Share it on
   

Recent News  
ભુજઃ પોતાની સામે અરજી કરનાર કથિત જાગૃત નાગરિક સામે રીઢા બૂટલેગરની ખંડણીની ફરિયાદ
 
લેડી કોન્સ્ટેબલની હત્યાના પ્રયાસના આરોપી ફાયર ઑફિસરને હાઈકૉર્ટે જામીન આપ્યા
 
સર્વજન હિતાયના ભાવ સાથે અદાણી પોર્ટ એન્ડ SEZ આયોજીત ભાગવત સપ્તાહનો શુભારંભ