|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ જમીનના દસ્તાવેજમાં ખોટી ચતુર્દિશા દર્શાવીને બાજુના સર્વે નંબરની જમીન હડપ કરવાના પ્રયાસ બદલ બે શખ્સો સામે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ભુજના સંસ્કારનગરમાં રહેતા જીત કીર્તિભાઈ ઠક્કરે મે ૨૦૧૬માં ભુજ સીમ સર્વે નંબર ૭૭૮/૨ પૈકી ૧વાળી ૦ હેક્ટર-૬૧ આરે- ૭૧ ચોરસ મીટર જમીન ખરીદી હતી. આ જમીન કિશોર ચંદુલાલ મોરબીયા (રહે. તળાવશેરી, ભુજ)એ પોતાની માલિકીનો હોવાનો દાવો કરી, વિવિધ સરકારી કચેરીઓમાં ખોટાં રેકર્ડ રજૂ કરી પચાવી પાડવા પ્રયાસ કરેલો.
તપાસ કરાતા સ્પષ્ટ થયેલું કે કિશોરે હકીકતમાં એપ્રિલ ૨૦૧૦માં ૮૦૨/૨વાળી જમીન મૂળ માલિક ધર્મેન્દ્ર પ્રાણશંકર બાવાના પાવર ઑફ એટર્ની હોલ્ડર મનોજ અશ્વિનભાઈ ગોર પાસેથી ખરીદી હતી. તે સમયે દસ્તાવેજની ચતુર્દિશામાં ખોટી રીતે ફરિયાદીની જમીનને દર્શાવી હતી.
આ ખોટાં રેકર્ડના આધારે આરોપીએ જીતની જમીન પચાવવા પ્રયાસ કરેલો. આ બાબતે જીત ઠક્કરે ગત ઓક્ટોબર માસમાં રેન્જ આઈજી ચિરાગ કોરડીયાને અરજી કરેલી. આઈજીએ આ અરજીને એ ડિવિઝન પોલીસ મથકે મોકલી આપી ગહન તપાસ કરવા જણાવેલું. જેમાં આરોપ સાચો હોવાનું જણાઈ આવતા આજે ભુજ એ ડિવિઝન પોલીસે કિશોર મોરબીયા અને મનોજ ગોર વિરુધ્ધ ફોર્જરી સહિતની કલમો તળે ગુનો નોંધ્યો છે. જીત ઠક્કરે આપેલા પાવર ઑફ એટર્નીના આધારે ચેતન મણિલાલ ઠક્કર (રહે. સંસ્કારનગર, ભુજ)એ બેઉ સામે ઈપીકો કલમ ૪૬૫, ૪૬૭, ૪૭૧ અને ૧૧૪ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
Share it on
|