|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોતાના ટ્યુશન ક્લાસમાં આવતી છઠ્ઠા ધોરણમાં ભણતી ૧૧ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કરનારા ૬૫ વર્ષિય લંપટ ગુરુને કૉર્ટે પાંચ વર્ષની સખ્ત કેદની સજા સાથે ૮૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગત ૦૧-૦૧-૨૦૨૫ના રોજ માધાપરમાં બનાવ બન્યો હતો. આરોપી અબ્બાસ ખબીર મંડલ મૂળ પશ્ચિમ બંગાળના હુબલીનો વતની છે અને નિવૃત્ત સૈન્ય જવાન છે. ૨૦૧૩માં રીટાયર થયાં બાદ માધાપરમાં જ સપરિવાર સ્થાયી થઈ ગયો છે. થોડાંક વર્ષોથી અબ્બાસે માધાપરની ગોકુલધામ સોસાયટી ૦૧ પાસે એ-વન ટ્યુશન ક્લાસીસ નામથી ટ્યુશન ક્લાસ શરૂ કરેલાં. જેમાં આસપાસના બાળકોને ભણાવતો હતો. છઠ્ઠા ધોરણમાં ભણતી ૧૧ વર્ષની દીકરી બપોરે ટ્યુશન ક્લાસમાં ગયેલી અને અન્ય બાળકો આવ્યાં નહોતાં.
એકલી બાળકી જોઈને લંપટ ગુરુની દાનત બગડી હતી અને તેણે દીકરીને ગળા પર ચુંબન કરી લઈ ગાલ પર હળવું બચકું ભરી લીધું હતું.
ત્યારબાદ તેણે બનાવ અંગે ઘરે કોઈને કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપતાં દીકરી ડરી ગઈ હતી. બે કલાક સુધી ટ્યુશનમાં બેઠાં બાદ ઘરે જવા સાથે દીકરીએ માતાને બનાવ અંગે વાત કરી હતી.
પોક્સો કૉર્ટનો ધાક બેસાડતો ચુકાદો
આ ગુનામાં આજે ફરિયાદ પક્ષે રજૂ થયેલા સાત દસ્તાવેજી આધારો અને આઠ સાક્ષીઓ, બંને પક્ષના ધારાશાસ્ત્રીઓની દલીલો બાદ ભુજની વિશેષ પોક્સો કૉર્ટના ખાસ જજ જે.એ. ઠક્કરે અબ્બાસ મંડલને સજા ફટકારી છે. કૉર્ટે અબ્બાસને BNS કલમ ૭૫ (૧), (૧) હેઠળ ૩ વર્ષની કેદ અને ૨૫ હજાર રૂપિયા દંડ, ૩૧૫ (૩) હેઠળ ૧ વર્ષની કેદ અને ૧૦ હજાર રૂપિયા દંડ તથા પોક્સો એક્ટની કલમ ૯ (એમ) (પી) અને ૧૦ તળે ૫ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજાર રૂપિયા દંડની સજા ફટકારી છે.
કૉર્ટે દંડની રકમ વસૂલાત થયે ગુનાનો ભોગ બનનાર બાળાને વળતર તરીકે ચૂકવી આપવા ઉપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ૧ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા સૂચના આપી છે.
આ ગુનામાં ફરિયાદ પક્ષે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને દલીલો કરી હતી.
Share it on
|