કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં સામાજિક અને આર્થિક રીતે મજબૂત ગણાતા શ્રી કચ્છી લેવા પટેલ સમાજની વાર્ષિક સામાન્ય સભામાં હિસાબો સહિતના મુદ્દે વર્તમાન હોદ્દેદારો સામે ગંભીર આરોપ થયાં છે. સમાજની સલાહકાર સમિતિના સદસ્ય અને મેઘપરના આગેવાન ગોવિંદભાઈ કેશરા હાલાઈએ હિસાબો સહિતના મુદ્દે જવાબો આપવા રજૂઆત કરતાં ભારે હંગામો થયો હતો. આરોપ પ્રત્યારોપ, ઉગ્ર બોલાચાલી બાદ ઉત્તેજનાસભર માહોલ વચ્ચે સભા બરખાસ્ત થઈ હતી. પોલીસને અરજીઃ ગાળો ભાંડી હાથાપાઈ કરાઈ
ઘટના બાદ ગોવિંદભાઈના પુત્ર હરેશે ભુજ એ ડિવિઝન પોલીસને તેમના પિતા અને પરિવારજનો સાથે ગાળો ભાંડી હાથાપાઈ કરાઈ હોવાની રાવ સાથે યોગ્ય કાર્યવાહી કરવા લેખીત રજૂઆત કરાઈ છે. હરેશે અરજીમાં જણાવ્યું છે કે સામાન્ય સભામાં હિસાબોનું વાંચન પૂરું થયાં બાદ તેમના પિતાએ સમાજના પ્રશ્નોની રજૂઆત કરવા પ્રયાસ કરતાં તેમને બોલવા દેવાનો ઈન્કાર કરાયો હતો અને હરીપરના કેશરાભાઈ નાથાભાઈ પિંડોરીયા તથા રામજી નાથાભાઈ પિંડોરીયાએ તેમના પિતા પાસે આવીને ‘સમાજ તમારા બાપનો છે?’ કહીને ગાળો ભાંડી હતી.
ત્યારબાદ નારણપરના હરજી વેકરીયા, કુંદનપર રહેતા કચ્છમિત્રના પત્રકાર વસંત પટેલ, કેશરાભાઈ પિંડોરીયા, રામજી પિંડોરીયા વગેરે ભેગાં થઈને તેમની સાથે બોલાચાલી કરેલી. કેશરાભાઈ અને વસંત પટેલે અન્ય પાંચ સાત લોકોને બોલાવી તેમના પિતા સાથે ઝપાઝપી તથા હાથાપાઈ કરેલી.
આ ઝપાઝપીમાં પોતાની અઢી તોલાની સોનાની ચેઈન ખોવાઈ ગઈ હતી. તે સમયે માઈક પરથી ગોપાલભાઈ માવજીભાઈ ગોરસીયા (સરદારનગર, હરીપર)એ ભોગ બનનારાઓને ‘તમારાથી થાય તે કરી લેજો અને જે તોડવું હોય તે તોડી લેજો’ તેવું કહ્યું હતું. બબાલમાં પોતાને મુઢ ઈજાઓ થઈ હોવાનું હરેશે અરજીમાં જણાવ્યું છે.
કરોડોનું દાન પણ પૂરો હિસાબ કિતાબ અપાતો નથી
ગોવિંદભાઈના અન્ય પુત્ર રમેશે સમગ્ર મામલે ગંભીર આરોપ કરતાં કહ્યું કે છેલ્લાં ૨૫-૩૦ વર્ષથી લેવા પટેલ સમાજના સંગઠનને ગોપાલ ગોરસીયા સહિતના લોકો ઘરની પેઢીની જેમ, કરોડો રૂપિયાના ખર્ચાઓ અંગે કોઈ જ સંતોષકારક હિસાબો આપ્યાં વગર મનમાની રીતે ચલાવી રહ્યાં છે.
લેવા પટેલ સમાજ સંગઠન સહિત અન્ય બે સંસ્થાઓ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ તથા યુવક સંઘમાં સમાજના બંધારણ તથા ટ્રસ્ટોના કાયદા-નિયમોને નેવે મૂકીને હોદ્દેદારો તરીકે પોતાના જ બીઝનેસ પાર્ટનરો, સગાં વહાલાંને નિયુક્ત કરાય છે.
સમાજના નામે કોઈ નવા સંકુલનું નિર્માણ કરવાનું થાય તો તેના કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ અંદરખાને મળતિયાઓને આપી દેવાય છે. સમાજના વર્તમાન પ્રમુખ વેલજી રામજી પિંડોરીયાનો પુત્ર પ્રવિણ પિંડોરીયા ગોપાલ ગોરસીયાનો બીઝનેસ પાર્ટનર છે. સામાન્ય સભામાં કોઈ સવાલ ઉઠાવે તો તેને બળજબરીપૂર્વક રૂંધી દેવા ભાડૂતી માણસો બોલાવાય છે.
દેશ વિદેશમાંથી સમાજના વિવિધ પ્રોજેક્ટ્સ માટે કરોડો રૂપિયાનું દાન ઉઘરાવાય છે પરંતુ મળેલા દાન અને થયેલાં ખર્ચા અંગે કશો જ હિસાબ અપાતો નથી. અપાય તો અધૂરો-પધૂરો હોય છે અને વાસ્તવિક રકમ સાથે કશો તાળો મળતો હોતો નથી.
સામાન્ય સભામાં વિવિધ મુદ્દે રજૂઆત કરવા ગોવિંદભાઈએ સમાજના ટ્રસ્ટીઓને ૧૫ દિવસ અગાઉ મુદ્દાસર લેખીત રજૂઆત કરીને સમય ફાળવવા માંગણી કરી હતી. પરંતુ, આ મુદ્દાઓ પર જવાબ આપવાના બદલે હંગામો કરાઈ મૂળ મુદ્દાઓ પર કોઈ પ્રશ્નોત્તરી જ ના થાય તેવું વાતાવરણ સર્જવામાં આવ્યું હોવાનો ગોવિંદભાઈના પુત્ર રમેશ પટેલે આરોપ કર્યો છે. પટેલે ઉમેર્યું કે કચ્છનું એક અગ્રણી અખબાર અને તેનો પત્રકાર લાખ્ખોની જાહેરખબરો મળતી હોઈ કાયમ ટ્રસ્ટીઓની પડખે રહીને આ પ્રકારની ગેરરીતિઓ છાવરે છે.
અત્યાધુનિક કે.કે. હોસ્પિટલ સીમ્સને વેચી મરાઈ?
સમાજના દાતાઓની મદદથી ૨૦૦ કરોડના ખર્ચે ભુજની ભાગોળે મુંદરા રોડ પર અત્યાધુનિક કે.કે. પટેલ હોસ્પિટલનું નિર્માણ કરાયું છે. પરંતુ, આ હોસ્પિટલમાં લેવા પટેલ સમાજના જરૂરતમંદ દર્દીઓને કશી વિશેષ રાહત મળતી નથી. હોસ્પિટલના નિર્માણમાં મોટા દાતાઓ સહિત નાના નાના માણસોએ પણ યથાશક્તિ દાન કર્યું છે.
હોસ્પિટલનું સંચાલન સમાજને જાણ કર્યાં વગર અમદાવાદની ખાનગી સીમ્સ હોસ્પિટલને સોંપી દેવાયું છે. એ જ સમજાતું નથી કે સમાજના દાતાઓના ખર્ચે બનેલી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલને વેચી મરાઈ છે કે ભાડે અપાઈ છે!
ચેરિટી કમિશનર કચેરીમાં પણ આ અંગે કશી માહિતી અપાયેલી નથી. પાંચ વર્ષ સુધી પાંચ કરોડ રૂપિયા સીમ્સ હોસ્પિટલને આપવાના છે, તે ઉપરાંત દર મહિને ૧૭ લાખ રૂપિયા સીમ્સને આપવા કરાર કરાયાં છે.
ભુજમાં સરકારી જમીન પર ગેરકાયદે બને છે કૃષિ મોલ
રમેશ પટેલે વધુ એક આરોપ કર્યો કે ભુજમાં સમાજ ટ્રસ્ટ હસ્તકની લેવા પટેલ હોસ્પિટલ પાસે કરોડો રૂપિયાના ખર્ચે કૃષિ મોલ બને છે. આ કૃષિ મોલની જમીન સરકારી છે અને ગેરકાયદે પચાવીને નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. નિર્માણ કાર્યમાં પણ સરેઆમ સરકારી નીતિ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
ભવિષ્યમાં તંત્ર કૃષિ મોલ તોડી પાડશે તો સમાજના રૂપિયા પાણીમાં જશે.
શું આ મુદ્દે સવાલ કરીને જવાબ માંગવો તેમાં કંઈ ખોટું કર્યું?
સૌને બોલવાની તક અપાયેલીઃ આરોપો ખોટાં છે
સામાન્ય સભામાં થયેલા હંગામાની તસવીરો અને વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ મુદ્દે લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજી રામજી પિંડોરીયાએ પ્રેસનોટ પાઠવી ખુલાસો કર્યો કે એક જ પરિવારના ચાર પાંચ લોકોએ સામાન્ય સભામાં બોલવા દેવા મુદ્દે હંગામો કરેલો પરંતુ ક્રમાનુસાર કાર્યવાહી આગળ ધપતી હોઈ તેમને એજન્ડા મુજબ કામગીરી પૂરી થયાં બાદ બોલવા દેવાની તક આપી હતી. માધ્યમોમાં કરવામાં આવેલાં તમામ આરોપ ખોટાં છે. સભા બાદ સૌ ભોજન લઈ છૂટાં પડ્યાં હતાં.
Share it on
|