કચ્છખબરડૉટકોમ, ભુજઃ વોન્ટેડ બૂટલેગર સાથે દારૂની ખેપ મારતી વખતે પોલીસે અટકાવતાં પોલીસ પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરનારી કુખ્યાત નીતા ચૌધરીને ATSએ લીમડી પાસેથી પકડી લેતાં પૂર્વ કચ્છ પોલીસ દળની સજ્જતા અને સતર્કતા સામે સવાલો ખડાં થયાં છે. જામીન મેળવ્યાં બાદ નીતા નાસી જવાની આશંકા હોવાની ખુદ પોલીસે કૉર્ટમાં શંકા દર્શાવેલી પણ આ જ કહેવાતી બાહોશ પોલીસ નીતા ચૌધરી પર નજર રાખવામાં ગાફેલ રહેલી! નીતાને મળેલાં રીમાન્ડ રદ્દ થયાંના ચોવીસ કલાક બાદ પોલીસે નછૂટકે જાહેર કરેલું કે હા, તે નાસી ગઈ છે! સૌથી ગંભીર બાબત તો એ છે કે જે ચીરઈનો જે બૂટલેગર યુવરાજ દારૂના કેસોમાં ફરાર મનાતો હતો તે જ યુવરાજ સામે ફરાર અવસ્થા દરમિયાન દારૂના વેચાણના ગુના નોંધાતાં હતાં!
સ્પષ્ટ છે કે પોલીસની સામેલગીરી સિવાય આવા વોન્ટેડ બૂટલેગરો દારૂ ભરેલી ગાડીઓ તો શું એક બાટલીની પણ ખેપ મારી ના શકે. જનતા જાણી લે કે આવો જ સરખો ખેલ ભચાઉના બૂટલેગર મામાના નામે કુખ્યાત અશોક જાડેજા અને તેના ભત્રીજાઓના નામે થઈ રહ્યો છે.
ચોપડે ભલે વોન્ટેડ હોય પણ તેમના ધંધા પૂરબહારમાં ચાલતાં હોય. એસપી સાગર બાગમારે જાહેર જનતાને જણાવવું જોઈએ કે હવે પછી તેમના કાર્યકાળમાં યુવરાજ, તેના સાગરીત રણજીત ઊર્ફે ડકુ કે અશોક મામા સહિતના અનેક રીઢા અને લિસ્ટેડ બૂટલેગરની ફરી દારૂની હેરાફેરી કે વેચાણ કરવાની હિંમત નહીં થાય અને તેમના નામે એક પણ ગુનો નોંધાશે નહીં. જો ગુનો નોંધાય તો તેમને પાતાળમાંથી પકડીને સળિયા પાછળ ધકેલી દેવાશે.
પોલીસની હાજરીમાં યુવરાજનો ફોન ગાયબ થયો!
જે દિવસે એલસીબી અને ભચાઉ પોલીસે યુવરાજને થાર જીપમાંથી નીતા ચૌધરી સાથે ઝડપેલો તે યુવરાજ પાસેથી પોલીસને કોઈ મોબાઈલ ફોન મળ્યો નહોતો. પોલીસે યુવરાજનો ફોન ક્યાં હોવાના મુદ્દાને પણ રીમાન્ડ મેળવવા માટેની વિવિધ દલીલો પૈકીનો એક મુદ્દો ગણાવેલો! જો કે, સમગ્ર મુદ્દે પોલીસ ગામને ગાંડુ ગણતી હોવાનો ઘાટ સર્જાયો છે! જે બૂટલેગરનો પોલીસ કારથી સતત પીછો કરતી હોય, તેને ઘેરી લીધો હોય તે બૂટલેગર તેનો ફોન ગૂમ કરી દે તે કઈ રીતે શક્ય બને? આઈજી ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમાર, ગામ ગાંડુ નથી, તેનો જવાબ તમારે જ આપવાનો છે, ભાગો નહીં.
સમગ્ર ઘટના સાંજે સાડા સાતના અરસામાં ઘટેલી તે અંગે આ લખનારે પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ ચુડાસમાને રાત્રે સાડા દસ વા્ગ્યે ફોન કરીને પૃચ્છા કરેલી ત્યારે ચુડાસમાએ એવો જવાબ આપેલો કે મને તો આવી કોઈ બાબતની ખબર જ નથી! જો કે, તેમણે થોડીક મિનિટો બાદ વળતો ફોન કરીને જવાબ આપેલો કે સાચી વાત છે. ફરિયાદ નોંધાઈ રહી છે.
શું એલસીબીની ટીમ પીઆઈને પૂછ્યાં વગર રેઈડ કરવા નીકળી હતી? અરે આટલો મોટો કાંડ થયા પછી પણ પીઆઈ અંધારામાં જ રહ્યાં હતા? સૌથી છેલ્લે એક પ્રશ્ન એ થાય છે કે નીતા ચૌધરી પરિણિત છે.સામાન્ય રીતે પરિણીત મહિલા આરોપી હોય તેના કેસમાં તેના નામ પાછળ તેના પતિનું નામ લખાતું હોય છે. પરંતુ આ કેસમાં નીતાના નામની પાછળ ડૉટર ઑફ તરીકે પિતા વશરામભાઈનું નામ જાહેર કરાયેલું છે. પોલીસને તેના પતિનું નામ જાહેર કરવામાં કોની શરમ નડે છે?
Share it on
|