|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં વર્ષોથી વ્યાપક બનેલાં ખનિજ ચોરીના દૂષણના ડામવા નાયબ કલેક્ટરના વડપણ હેઠળ એક ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે. ખાણ ખનિજ વિભાગ, પોલીસ અને આરટીઓ વિભાગના અધિકારીઓની આ ટાસ્ક ફોર્સ છેલ્લાં ઘણાં દિવસોથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને ગેરકાયદે ખનિજ ખનન અને પરિવહન કરતાં લોકોને ઝડપી રહી છે. અજાણી કારે ટાસ્ક ફોર્સની ગતિવિધિની રેકી કરી
ગઈકાલે ભુજની આહીરપટ્ટીના ધાણેટી પંથકમાં ચેકીંગ કરવા ગયેલી ટાસ્ક ફોર્સે તેની રેકી કરી રહેલી કાળા રંગની સેલ્ટોસ કારને જ ઝડપી પાડવા પ્રયાસ કર્યો હતો.
જો કે, ગાડીનો ડ્રાઈવર સરકારી ટીમને હાથ આવ્યો નહોતો અને પૂરઝડપે ભયજનક રીતે ગાડી હંકારીને ઊભી પૂંછડીએ નાસી ગયો હતો.
આ કારનો નંબર GJ-39 CC- 6164 હતો. જેના માલિક તરીકે નિરાલી વાસણભાઈ છાંગાનું નામ ચોપડે નોંધાયેલું છે. આરટીઓએ આ કારચાલક સામે મોટર વેહિકલ એક્ટની વિવિધ કલમો તળે કાર્યવાહી હાથ ધરી છે. ટાસ્ક ફોર્સની આ કામગીરીથી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
ચાઈના ક્લે ભરેલાં બે ડમ્પર જપ્ત કરાયાં
દરમિયાન, ટાસ્ક ફોર્સે ગેરકાયદે ચાઈના ક્લે ભરીને મમુઆરા તરફ જતાં બે ડમ્પર અને તેમાં ભરેલી પચાસ ટન ચાઈના ક્લે જપ્ત કરી બંને ડમ્પર પધ્ધર પોલીસ મથકે સુપ્રત કરીને બંનેના ડ્રાઈવર તથા માલિકો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલાં ડમ્પરમાં GJ-12 CT-8425 (ડ્રાઈવર સમીર જામ અને માલિક હરિ ભગુ ઢીલા, ડગાળા) અને GJ-12 CT-4888 (ડ્રાઈવર નીરુ બારચટ અને માલિક સંજય જાટીયા, મમુઆરા)નો સમાવેશ થાય છે.
લાંબા સમયથી ખનિજ માફિયા જાસૂસી કરે છે
ખનિજ માફિયાઓ ખનિજ વિભાગ અને ટાસ્ક ફોર્સથી બચવા માટે લાંબા સમયથી તેમની ગતિવિધિની જાસૂસી કરી રહ્યાં છે. માફિયાઓના માણસો સતત સરકારી ટીમની ગાડીઓ પર વૉચ રાખી રેકી કરે છે. ભુજ અંજારની સરકારી કચેરીમાંથી નીકળતી ટીમની ગાડીઓ જે વિસ્તાર તરફ રવાના થાય તેનો પીછો કરીને તે વિસ્તારના લોકોને સાવચેત થઈ જવાનો આગોતરો સંદેશ પાઠવી દેવાય છે.
ખનિજ માફિયાઓ આ માટે ખાસ વોટસએપ ગૃપ પણ બનાવેલાં છે. સંબંધિત સરકારી કચેરીઓની આસપાસ તેમના જાસૂસો ફરતાં રહે છે.
ઘણીવાર કચેરીના માણસોને પણ ફોડી નાખીને માહિતી મેળવતાં રહે છે. મહત્વની સરકારી કચેરીઓમાં પડ્યાં પાથર્યાં રહેતા ભુજની પત્રકાર ગંઢેચા ગેંગના માણસો પણ ખનિજ માફિયાઓ અને સરકારી તંત્રો વચ્ચે ડબલ ગેમ રમે છે.
Share it on
|