કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના દાદુપીર રોડ પર પતિએ પત્નીની ધારિયાથી કરેલી ઘાતકી હત્યાની અરેરાટી હજુ શમી નથી ત્યાં આજે ભુજ તાલુકાના નાના વરનોરા ગામે પતિએ પત્નીનું ગળું કાપીને લાશ કૂવામાં ફેંકી દીધી હોવાનો બનાવ બહાર આવતાં ચકચાર મચી ગઈ છે. મરણ જનાર ગુલસમ (ઉ.વ. ૧૯) પતિ મોહસીન વહાબ મમણ સાથે ગામના સીમાડે આવેલી વાડીએ રહેતી હતી. નજીકમાં ગુલસમના માતા પિતા રહે છે. આજે સવારે ગુલસમની માતા વાડીએ ગઈ ત્યારે દીકરી જોવા મળી નહોતી.
લાપત્તા દીકરીની ચોમેર શોધખોળ હાથ ધરાતાં મોહસીનની વાડીએ આવેલા કૂવા પાસે લોહી જોવા મળેલું અને કૂવાની અંદર પાણીમાં કપડાં તરતાં જોવા મળેલાં. કૂવો બાવીસથી પચ્ચીસ ફૂટ ઊંડો હોઈ બપોરે અઢી વાગ્યે ભુજ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી.ફાયર બ્રિગેડના સ્ટાફે દોરડાંની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો હતો.
આડા સંબંધમાં અંતરાય બનતી પત્નીની હત્યા
બનાવ અંગે જાણ થતાં માધાપર પોલીસ ઘટનાસ્થળ દોડી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે પતિ મોહસીને ધારદાર હથિયારથી ગુલસમનું ગળું કાપી નાખીને લાશને કૂવામાં ફેંકી દીધી હોવાનું બહાર આવ્યું છે. સંબંધે ગુલસમ મોહસીનની સગાં કાકાની દીકરી થતી હતી.
મોહસીનને અન્ય મહિલા સાથે આડા સંબંધ હોઈ યુગલ વચ્ચે ચાલતાં ખટરાગમાં તેણે પત્નીનો કાંટો કાઢી નાખવા હત્યાને અંજામ આપ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મોહસીનને પોલીસે રાઉન્ડ અપ કરી લીધો છે. બનાવ અંગે પીઆઈ એ.કે. જાડેજાએ વિધિવત્ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. નખત્રાણાના મુરુમાં મિત્રએ મિત્રની ઘાતકી હત્યા કર્યાં બાદ અંગોને કાપી કૂવામાં નાખી દીધેલાં અને ભુજમાં પતિએ ધારિયું ઝીંકી પત્નીની હત્યા કર્યા બાદ ઘાતકી હત્યાનો સળંગ ત્રીજો બનાવ બનતાં પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે.
Share it on
|