|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મૂળ તામિલનાડુમાં રહેતા અને છેલ્લાં ત્રણ મહિનાથી ભુજમાં સસરાના ઘેર સુથારીકામ કરવા આવેલા ૪૮ વર્ષિય યુવકને સોશિયલ મીડિયા એપથી અજાણ્યા યુવક સાથે એકાંત માણવા જવાનો શોખ ભારે પડી ગયો છે. ત્રિપુટીએ તેને માર મારીને પાંચ હજાર રૂપિયા પડાવી લીધાં છે. માનકૂવા પોલીસે ગુનો નોંધી બે જણની ધરપકડ કરી લીધી છે. ભુજના નાગનાથ મંદિર, સરપટ નાકા પાસે રહેતા ચેતન કોર (ગોર)એ માનકૂવા પોલીસ મથકે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ચેતને પોલીસને જણાવ્યું કે થોડાંક સમય અગાઉ તેણે મોબાઈલ ફોનમાં ઈન્સ્ટોલ કરેલી એપ મારફતે શુક્રવારે ઉમેશ પટેલ નામના ભુજના યુવકે તેનો સંપર્ક કરેલો. રાત્રે ઉમેશે તેને મળવા બોલાવતા તે ભુજની ડોલર હોટેલ પાસે તેને મળવા ગયેલો.
અહીં બાઈક લઈને આવેલો ઉમેશ તેને બાઈક પર બેસાડી એકાંત માણવા માટે ભુજની ભાગોળે રતિયા ગામે નિર્જન વાડી વિસ્તારમાં લઈ ગયેલો.
ફરિયાદી અને ઉમેશ નિર્જન વિસ્તારમાં જઈને વાતો કરતા હતા ત્યાં અચાનક બે જણ આવેલાં. ‘થોડાંક સમય અગાઉ અહીં અમારી વાડીમાંથી વાયર ચોરી થયેલી અને તમે જ લોકોએ વાયર ચોરી કરી છે’ કહીને બેઉ જણ ફરિયાદીને માર મારવા માંડેલાં. ઉમેશ પણ તેમની સાથે ભળી જઈને ફરિયાદીને માર મારવા માંડેલો.
ત્રિપુટીએ વાયર ચોરીના કેસની બીક આપી પાંચ હજાર પડાવ્યાં
ત્રિપુટીએ તેને વાયર ચોરીના ગુનાની ફરિયાદમાં ફીટ કરાવી દેવાની ધમકી આપીને વીસ હજાર રૂપિયાની માંગણી કરેલી. ફરિયાદીએ તેના સાળાનો સંપર્ક કરીને ગુગલ પે મારફતે પાંચ હજાર રૂપિયાની વ્યવસ્થા કરેલી.
આરોપીઓએ ધર્મિષ્ઠાબેન ગોર નામની દુકાનદાર મહિલાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી લઈને રોકડાં રૂપિયા મેળવી લીધા હતા.
દરમિયાન, ગભરાટમાં ફરિયાદીને ચક્કર આવતાં તે નીચે પડી ગયેલો. જેથી આ ત્રિપુટી તેને બાઈક પર તેના ઘર નજીક ઉતારી ગયેલી અને બાકીના પંદર હજાર રૂપિયાનો મેળ કરી લેવા ધમકી આપતી ગયેલી.
રતિયા ગામની ત્રિપુટી પૈકી બે જણ પોલીસ ગિરફ્તમાં
બીજા દિવસે ઉમેશ પટેલે ફરિયાદીને વારંવાર ફોન કરીને રૂપિયાની માંગણી કરતા ડરી ગયેલા ફરિયાદીએ તેના સાળાને સમગ્ર ઘટનાની વાત કરેલી. મામલો પોલીસ મથકે પહોંચેલો.
પોલીસે તપાસ કરતા સ્પષ્ટ થયેલું કે મિત્રતા કેળવનાર ઉમેશ પટેલ હકીકતમાં રતિયા ગામનો રફિક જુણસ નોડે છે. ગુનામાં તેના બે સાગરીતો રશિદ હુસેન સમા અને અબ્દુલ લતીફ નોડે (બંને રહે રતિયા) સંડોવાયેલાં છે.
માનકૂવા પોલીસે ત્રિપુટી સામે ગુનાહિત કાવતરું ઘડીને, ફરિયાદીને એકાંતમાં મળવાના નામે બોલાવીને, ચોરીના ખોટાં ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી, મારપીટ કરી, બળજબરીથી પાંચ હજાર રૂપિયા કઢાવી લઈને અને બાકીના રુપિયા માટે અવારનવાર વોટસએપ કૉલ કરી ધમકીઓ આપવાના આરોપ કલમો હેઠળ ગુનો નોંધીને રશિદ સમા અને અબ્દુલ નોડેની ધરપકડ કરી લીધી છે.
Share it on
|