ખાવડા પોલીસ આ દારૂના અડ્ડામાં પાર્ટનર છે! જનતા રેઈડ સાથે કોટડા સરપંચનો આરોપ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની રણ સરહદે આવેલા ખાવડાથી આગળ આવેલી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) કંપની પાસે જાહેર જગ્યા પર બોલેરો કારમાં ખુલ્લેઆમ વેચાઈ રહેલાં દેશી વિદેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ થયો છે.
Video :
કોટડા ગામના સરપંચ ઈશાક સમાએ શનિવારે સાંજે સાત વાગ્યે દારૂના આ મોબાઈલ પોઈન્ટ પર ધસી જઈને તેનો પર્દાફાશ કર્યો હતો. વીડિયોમાં દેખાય છે તેમ બોલેરોની અંદર દારૂની પેટીઓ ગોઠવાયેલી છે.
બોલેરોમાં રહેલો શખ્સ દારૂ ખરીદવા આવનાર લોકો પાસે રોકડાં રૂપિયા ના હોય તો યુપીઆઈથી ઓનલાઈન પેમેન્ટ લેતો હતો. નજીકમાં દેશી દારૂની કોથળીઓ ભરેલાં બે કોથળાં પડેલાં છે.
ખાવડા પીઆઈ અડ્ડામાં પાર્ટનર હોવાનો આરોપ
ઈશાક સમાએ આરોપ કર્યો કે દારૂના આ ધંધામાં ખુદ ખાવડાના પીઆઈ વિશાલ બી. પટેલ પાર્ટનર છે, તેમાં હિતેશ ગોર અને જયેશ નામના બે પોલીસ કર્મચારીઓ પણ સામેલ છે. બોર્ડર તરફ જતી તમામ ગાડીઓ અને માણસોનું વિવિધ ચેક પોસ્ટ પર પોલીસ અને બીએસએફ દ્વારા સઘન ચેકીંગ થાય છે ત્યારે દારૂ ભરેલી આ ગાડીઓ કઈ રીતે બિન્ધાસ્ત આવે છે અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે તેવો સવાલ ઉઠ્યો છે.
ખાવડા પંથકમાં દસ મોટા પોઈન્ટ ચાલે છે
સમાએ જણાવ્યું કે ખાવડા પોલીસ મથકની હદમાં આવેલી વિવિધ કંપનીઓ અને ગામોમાં આવા દસ મોટા પોઈન્ટ ખુલ્લેઆમ ચાલી રહ્યાં છે. દારૂ ભરેલી ગાડી પકડ્યાંના બાદ સાડા ત્રણ કલાક બાદ, જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં ત્રણ ત્રણ વખત ફોન કર્યા બાદ ખાવડા પોલીસે સ્થળ પર આવીને કાર્યવાહી હાથ ધરેલી.
છ માસ અગાઉ લુડિયા સરપંચે આવું સ્ટીંગ કરેલું
ઉલ્લેખનીય છે કે ગત જૂન માસમાં પણ લુડિયા ત્રણ રસ્તા નજીક આ જ રીતે ફોરચ્યુનર કારમાં ખુલ્લેઆમ વેચાતાં દારૂનો લુડિયાના સરપંચ લતીફભાઈ સહિતના ગ્રામજનોએ પર્દાફાશ કર્યો હતો. ખાવડા પાસે અદાણી ગૃપના આર.ઈ. પાર્ક સહિત એનટીપીસી, પાવરગ્રીડ, જીએચસીએલ સહિતની વિવિધ કંપનીઓ અસ્તિત્વમાં આવી છે. આ કંપનીઓમાં મોટાભાગના મજૂરો પરપ્રાંતીય છે.
ગાંધીધામ અને મુંદરાની જેમ અહીં પણ દારૂની બદી બેફામ બની છે.
અગાઉ પણ આર.ઈ. પાર્ક સહિતની કંપનીઓમાં વેચાતાં દેશી વિદેશી દારૂના અડ્ડાની વીડિયો ક્લિપ વાયરલ થયેલી છે.
ત્રણ કલાક બાદ માંડ પોલીસ આવી
ત્રણ કલાક બાદ સ્થળ પર આવેલી ખાવડા પોલીસે ઈંગ્લિશ દારૂની ૧૨ મોટી બોટલ અને ૨૮૨ નાની બોટલ તથા ૭૦ લીટર દેશી દારૂ મળી કુલ ૪૭ હજારનો દારૂ તથા બે લાખની કિંમતની બોલેરો જપ્ત કરી છે. બોલેરોમાં રહેલા શખ્સો દારૂનો જથ્થો મગુભા નામના બૂટલેગરનો હોવાનું જણાવતાં હતા. જો કે, પોલીસ આવી તે પહેલાં તેઓ સિફતપૂર્વક સ્થળ પરથી ફરાર થઈ ગયાં હતા. પીઆઈ વી.બી. પટેલે તેમના અને અન્ય સ્ટાફ પર થઈ રહેલાં આરોપ અંગે ખુલાસો કરતાં જણાવ્યું કે ‘લોકો ગમે તેવા આક્ષેપ કરતાં રહે, અમને જાણ થાય ત્યારે તરત કાર્યવાહી કરીએ છીએ’