click here to go to advertiser's link
Visitors :  
25-Apr-2025, Friday
Home -> Bhuj -> FSL detects 15 percent isopropyl alcohol from seized herbal syrup
Thursday, 13-Jun-2024 - Bhuj 39423 views
ભુજમાં ઝડપાયેલી આયુ. સિરપ બિયર કરતાં ડબલ સ્ટ્રોંગ નીકળીઃ ઘાતક કેમિકલની મળી હાજરી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાંથી પોલીસે ગત વર્ષે જપ્ત કરેલાં કહેવાતી આયુર્વેદિક સિરપમાં આઈસોપ્રોપાઈલ આલ્કોહોલ જેવું ઘાતક નશાયુક્ત રસાયણ હોવાનું અને તેની માત્રા સામાન્ય બિયરની તુલનાએ ડબલ એટલે કે ૧૫ ટકા જેટલી હોવાનું બહાર આવ્યું છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રીપોર્ટના આધારે ભુજ બી ડિવિઝન પોલીસે ત્રણ લોકો સામે પ્રોહિબિશન એક્ટ તળે ગુનો દાખલ કર્યો છે.

ગત ૧૪-૦૯-૨૦૨૩ના રોજ LCBએ ભુજમાં કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટ પેઢીમાં આવેલી કથિત ૧.૮૪ લાખની કિંમતનો હર્બલ સિરપનો જથ્થો ઈકો કારમાં ભરીને નખત્રાણા તરફ જતાં વિક્રમસિંહ રાઠોડને ઝડપ્યો હતો.

ઝડપાયેલાં નખત્રાણાના વિક્રમે આ માલ મોરબીથી બિલાલ નામના શખ્સે ભુજ મોકલ્યો હોવાનું અને નખત્રાણાના મહાવીરસિંહ ચમનજી ચૌહાણના કહેવાથી પોતે કારમાં માલ ભરીને નખત્રાણા લઈ જતો હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ૪૦૦ એમએલની એક એવી આસવાસવ બ્રાન્ડની ૪૯ અને ૩૭૫ એમએલની એક એવી કાલ મેઘાસવ અરિષ્ટા બ્રાન્ડની ૧૧૯૦ બાટલીઓ જપ્ત કરી હતી. CrPC ૧૦૨ હેઠળ શક પડતાં મુદ્દામાલ તરીકે બાટલીઓ, કાર વગેરે જપ્ત કરી અને ૪૧ ૧ ડી હેઠળ આરોપીની અટક કરાઈ હતી.

બિયર કરતાં ડબલ સ્ટ્રોંગ હતી આયુ. સિરપ!

પોલીસે જપ્ત કરેલી સિરપની બાટલીઓના સેમ્પલ રાજકોટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યાં હતાં. એફએસએલના રીપોર્ટમાં બહાર આવ્યું છે કે બંને સિરપમાં આઈસોપ્રોપાઈલ આલ્કોહોલની હાજરી છે અને તેનું પ્રમાણ પંદર ટકા જેટલું છે. સામાન્ય રીતે બિયરમાં આલ્કોહોલનું પ્રમાણ સરેરાશ સાતથી આઠ ટકા હોય છે.

આઈસોપ્રોપાઈલ આલ્કોહોલ માનવ શરીર માટે ઘાતક

એફએસએલનો રીપોર્ટ સ્પષ્ટ દર્શાવે છે કે આ પીણાંનું ઉત્પાદન અને ઉપયોગ નશા માટે જ થતો હતો. સામાન્ય રીતે, દારૂમાં ઈથાઈલ આલ્કોહોલ હોય છે જે મોલાસીસ, જવ વગેરે જેવા કુદરતી ખાદ્યપદાર્થોમાં આથો આવ્યાં બાદ તેમાંથી નિષ્યંદિત કરાતો હોય છે. ઈથાઈલ આલ્કોહોલ નશો કરવા હેતુ માનવ ઉપયોગ માટે વપરાય છે પરંતુ આઈસોપ્રોપાઈલ આલ્કોહોલ રાસાયણિક પ્રક્રિયાથી ઉત્પાદિત થતો હોય છે અને ઈથાઈલ આલ્કોહોલ કરતાં તેનું રાસાયણિક બંધારણ જુદું છે.

સામાન્યતઃ બંને પ્રકારના આલ્કોહોલનો એન્ટીસેપ્ટિક કે ડિસઈન્ફેક્ટન્ટ તરીકે ઉપયોગ થાય છે પરંતુ આઈસોપ્રોપાઈલ આલ્કોહોલનો ઉપયોગ માનવ શરીર માટે ઘાતક છે.

આ ગુનામાં પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૭ (૧), ૯૮ (૨) અને ૮૧ મુજબ ત્રણે આરોપી સામે ગુનો નોંધ્યો છે. જો કે, પોલીસે સિરપની ઉત્પાદક કંપનીઓ સામે કોઈ ગુનો નોંધ્યો નથી.

Share it on
   

Recent News  
મુંદરા પોલીસે જાળ બીછાવી બે રાજસ્થાની ડ્રગ્ઝ પૅડલરને ૩૭ લાખના કોકેઈન સાથે ઝડપ્યા