ભુજમાં લોકોના જીવ જોખમાય તેમ માર્ગ પર ફટાકડાં ફોડતાં ૮ જણ પોલીસ ઝપટે ચઢ્યાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ દિવાળીની રાત્રે ભુજના હમીરસર સરોવર અને કોમર્સ કોલેજ રોડ પર જાહેર માર્ગ પર વાહનચાલકો અને રાહદારીઓની જિંદગી જોખમાય તે રીતે ફટાકડાં ફોડતાં બે કિશોર સહિત આઠ યુવકોને ઝડપીને પોલીસે તેમની દિવાળી ‘ઉજવી’ નાખી છે!
Video :
તમામ સામે પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી પગલાં લીધાં છે.
ભુજના હમીરસર સરોવરના કાંઠે લેકવ્યૂ હોટેલ પાસે એક ત્રિપુટી જાહેર માર્ગ પર વાહનચાલકોનું જીવન જોખમાય તે રીતે રોકેટ અને ફટાકડાં ફોડતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો જોઈને ઈન્ચાર્જ એસપી વિકાસ સુંડાએ ભુજ એ ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી. પરમારને આ યુવકો સામે એક્શન લેવા સૂચના આપી હતી.
વીડિયો જોઈને રાત્રે ૧૧ના અરસામાં પોલીસની ગાડી તુરંત સ્થળ પર પહોંચી ત્યારે આ ત્રિપુટી ત્યાં બિન્ધાસ્ત રીતે જાહેર માર્ગ પર ફટાકડાં ફોડતી રંગેહાથ ઝડપાઈ ગઈ હતી.
પોલીસે ત્રણે સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો છે. ઝડપાયેલાં ત્રણ પૈકી બે કિશોર વયના છે જ્યારે ૧૯ વર્ષનો એક યુવક સમીર બિલાલ સીદી સંજોગનગરનો રહેવાસી છે. બીજી તરફ, મધરાત્રે ત્રણ વાગ્યાના અરસામાં શહેરના કોમર્સ કોલેજ રોડ પર જાહેર માર્ગ પર ફટાકડાં ફોડતાં પાંચ યુવકો પણ એ ડિવિઝન પોલીસની ઝપટે ચઢી ગયાં હતાં. આ યુવકોમાં રીકેન પ્રહલાદભાઈ પંડ્યા (હંગામી આવાસ, ભુજ), સચિન ગૌતમ પાંડે (નવી રાવલવાડી, ભુજ), પાર્થ વિજયભાઈ મહેતા (હંગામી આવાસ), કૌશિક સંજયભાઈ દરજી (પ્રભુનગર, કોડકી રોડ) અને જયદિપગીરી પ્રકાશગીરી ગોસ્વામી (કોડકી રોડ)નો સમાવેશ થાય છે. આ પાંચે સામે પણ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી.