click here to go to advertiser's link
Visitors :  
14-Jun-2024, Friday
Home -> Bhuj -> Controversial tainted Police Inspector appointed in Cyber Crime Police Station
Thursday, 06-Jun-2024 - Bhuj 12872 views
કલંકિત ભૂતકાળ ધરાવતાં PIની સાયબર ક્રાઈમમાં નિમણૂક થતાં પોલીસ બેડામાં ચકચાર
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કલંકિત ભૂતકાળ ધરાવતા એક વિવાદાસ્પદ પોલીસ ઈન્સ્પેક્ટરને કચ્છ બોર્ડર રેન્જ આઈજીપી હસ્તક આવતા અને સોપારી તોડકાંડના પગલે બદનામ થયેલાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નિયુક્ત કરાતાં ચારે જિલ્લાના પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. કોઈ પોલીસ કર્મચારી કે અધિકારી પર ગંભીર પ્રકારના ફોજદારી કેસ નોંધાયા હોય તેવાને પ્રમાણમાં બિનમહત્વની અને સંવેદનશીલ ના હોય તેવી જગ્યા પર સાઈડ પોસ્ટીંગ કરવાનો સામાન્ય શિરસ્તો રહ્યો છે.

આ સામાન્ય શિરસ્તાથી વિપરીત પોલીસ ઈન્સ્પેક્ટર લક્ષ્મણસિંહ પી. બોડાણાને અચાનક ભુજસ્થિત સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે નીમવામાં આવતાં જાણકાર વર્તુળોમાં ભારે ગુસપુસ થઈ રહી છે.

સુરતના ચકચારી કેસમાં બોડાણાની ધરપકડ થયેલી

પાંચ છ વર્ષ અગાઉ બોડાણા નખત્રાણામાં ફરજ બજાવી ચૂકેલાં છે. ત્યારબાદ તેમની બદલી સુરત જિલ્લામાં થઈ હતી. સુરતમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં તે ફરજ બજાવતા હતા ત્યારે સપ્ટેમ્બર ૨૦૨૦માં જમીન વેચાણના વિવાદમાં થતી ધાક-ધમકીથી કંટાળીને ૭૪ વર્ષિય દુર્લભ પટેલ નામના વૃધ્ધે પોતાની સ્ટોન ક્વૉરીમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જઈ આત્મહત્યા કરી હતી. દુર્લભભાઈએ મૃત્યુ પૂર્વે જે સ્યુસાઈડ નોટ લખેલી તેના આધારે પીઆઈ બોડાણા અને તેમના પોલીસ સ્ટેશનના ત્રણ કોન્સ્ટેબલો, સુરતના કેટલાંક રીયલ એસ્ટેટ ડેવલોપર્સ, માથાભારે શખ્સો વિરુધ્ધ ઈપીકો કલમ ૩૦૬, ૩૮૬, ૨૭૦, ૨૭૧, ૨૦૧, ૧૨૦-બી, ૫૦૬ (૨), ૧૧૪ તળે ગુનો દાખલ થયો હતો.

બોડાણાની ચેમ્બરમાં આગેવાન જોડે દમદાટી થયેલી

મૃતક દુર્લભભાઈએ સુરતના અડાજણસ્થિત એક જમીન અંગે કરેલા વેચાણ કરાર સંદર્ભે સર્જાયેલાં વિવાદમાં આરોપીઓએ બોડાણાની મદદથી મૃતક અને તેના પુત્રને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યાં હતાં. જ્યાં પીઆઈની ચેમ્બરમાં વેચાણ દસ્તાવેજમાં સહી કરી આપવા મુદ્દે કેટલાંક માથાભારે શખ્સોએ તેમની સાથે ધાક-ધમકી કરેલી. ત્યારબાદ પણ બોડાણા દ્વારા મૃતકને વિવિધ રીતે દબાણ કરાયું હતું.

આ બનાવે સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર સર્જી હતી. બોડાણા ઘણાં દિવસ સુધી અંડરગ્રાઉન્ડ રહેલાં અને ત્યારબાદ તેમની ધરપકડ થયેલી. પોલીસ દળે તેમને સસ્પેન્ડ કરેલાં.

આ કેસમાં છ માસ સુધી જેલમાં રહ્યાં બાદ બોડાણાને ગુજરાત હાઈકૉર્ટે ૨૮-૦૪-૨૦૨૧ના રોજ જામીન પર મુક્ત કર્યાં હતાં. કેસની તપાસ માટે ગુજરાત સરકારે ખાસ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરેલી.

એસીબીની પણ કાર્યવાહી થયેલીઃ સૂત્ર

બોડાણા સામે અગાઉ બનાસકાંઠામાં ફરજ વખતે પણ લાંચરૂશ્વત વિરોધી સંબંધ કેસ નોંધાયેલો જેમાં પાછળથી સમરી રીપોર્ટના આધારે તેમને ક્લિનચીટ મળેલી તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જો કે, આ અંગે કચ્છખબર પાસે કોઈ સત્તાવાર પ્રમાણભૂત વિગત ઉપલબ્ધ નથી.

અગાઉ એસપીએ શર્મા કેસની તપાસ સોંપેલી

૧૧-૦૩-૨૦૨૪ના રોજ અંજારમાં લાગુની જમીન ગેરકાયદે ફાળવવા સબબ પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા અને નિવાસી નાયબ કલેક્ટર અજીતસિંહ ઝાલા વિરુધ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે જે ગુનો દાખલ કરાયેલો તે કેસની તપાસ પૂર્વ એસપી મહેન્દ્ર બગડિયાએ બોડાણાને સોંપેલી. બોડાણાએ અજીતસિંહ ઝાલાની ધરપકડ કરી કૉર્ટમાં રજૂ કરેલાં. જો કે, વિવાદની શક્યતાના પગલે એસપીએ બે દિવસની અંદર કેસની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સુપ્રત કરવા હુકમ કર્યો હતો.

રેન્જ આઈજી બોડાણાના ભૂતકાળથી અજાણ હશે?

ગુજરાતમાં રેન્જ આઈજીઓ હસ્તકના આર.આર. સેલ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ થતો હોવાની વ્યાપક ફરિયાદોના આધારે થોડાંક વર્ષો અગાઉ ગૃહ વિભાગે આર.આર. સેલને જ વિખેરી નાખ્યા હતા. જો કે, ત્યારબાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચો અસ્તિત્વમાં આવી છે.

ગયા વર્ષે મુંદરામાં સાયબર ક્રાઈમ બ્રાન્ચના ચાર પોલીસ કર્મચારીઓએ દાણચોરીની સોપારીનું કૌભાંડ ઢાંકવા પોણા ચાર કરોડનો કરેલા તોડનું પ્રકરણ ખૂબ ચકચારી બન્યું હતું.

સામાન્યતઃ પોતાના હસ્તકની બ્રાન્ચના કોન્સ્ટેબલ કે પીઆઈની નિમણૂક કરતી વખતે સંબંધિતોની ફાઈલ અને ભૂતકાળ જોઈને જ નિમણૂક કરાતી હોય છે. ત્યારે, સવાલ એ ઉઠે છે કે શું કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા બોડાણાની નિમણૂક પૂર્વે તેમના કલંકિત ભૂતકાળથી અજાણ રહ્યાં હશે? કચ્છખબરે કોરડીયાનો ફોન અને મેસેજ પાઠવી સંપર્ક સાધવા પ્રયાસ કર્યો પરંતુ તેમનો પ્રત્યુત્તર સાંપડી શક્યો નથી. જો પાછળથી આ પ્રકરણે તેમનો પ્રતિભાવ કે પ્રત્યુત્તર મળશે તો તે અહીં જ અપડેટ કરવામાં આવશે.

Share it on
   

Recent News  
ભુજમાં ઝડપાયેલી આયુ. સિરપ બિયર કરતાં ડબલ સ્ટ્રોંગ નીકળીઃ ઘાતક કેમિકલની મળી હાજરી
 
મુંદરામાં બે યુવકે મહિલાની છેડતી કરતાં લોકોનો હિંસક હુમલોઃ સામસામી ફરિયાદ
 
ભુજના ASIની રાજસ્થાનમાં અજાણ્યા લોકોએ હત્યા કરી હોવાનો પરિવારનો આરોપ